'ગીતા મંદિર બસ સ્ટેન્ડ બહારથી દબાણ દૂર કરો':એસટી વિભાગે અમદાવાદ મ્યુનિસિપલ અને પોલીસ કમિશનરને પત્ર લખ્યો, લારી ગલ્લા અને રિક્ષાવાળાઓના કારણે મુસાફરો પરેશાન
રાજ્યનું સૌથી મોટું ગુજરાત રાજ્ય એસટી નિગમનું બસ સ્ટેન્ડ અમદાવાદના ગીતામંદિર ખાતે આવેલું છે. સૌથી વ્યસ્ત ગણાતા એવા અમદાવાદના એસ.ટી બસ સ્ટેન્ડની બહાર ટ્રાફિક અને દબાણોને લઈને ખૂબ જ મોટી સમસ્યા સર્જાય છે. લારી ગલ્લાઓના કારણે ગંદકી અને રિક્ષાવાળાઓના કારણે પેસેન્જરને તકલીફ પડતી હોવાને લઈ ગુજરાત એસટી નિગમના અમદાવાદ ડિવિઝનના વિભાગીય નિયામક દ્વારા મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને પત્ર લખી લારી ગલ્લાના દબાણો દૂર કરવા તેમજ તેમની બહાર ઉભી રહેતી રિક્ષાઓ દૂર કરાવવા માટે જણાવ્યું છે. ટ્રાફિક જામની સમસ્યા દૂર કરવા અગાઉ પણ પત્રો લખવામાં આવ્યા છે પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. અમદાવાદ ડેપો પર દરરોજ 3000 બસોની અવરજવર ગુજરાત રાજ્ય એસટી નિગમના અમદાવાદ ડિવિઝનના વિભાગીય નિયામક દ્વારા પત્ર લખી જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદ શહેરમાં ગીતામંદિર પાસે આવેલ સેન્ટ્રલ બસ સ્ટેશન અમદાવાદ ખાતે ગુજરાત રાજયના વિવિધ વિસ્તારોમાંથી તેમજ આંતર રાજયની બસોની 3000 જેટલી બસોની તેમજ આશરે 1.50 લાખ જેટલા મુસાફરોની અવર જવર થાય છે. બસ સ્ટેશનની આસ પાસ ખાણી પીણીના લારી, ગલ્લાઓના દબાણના કારણે બસ સ્ટેશનની આજુ બાજુના વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં ગંદકી થાય છે. જેથી બસ સ્ટેશનની આસ પાસના લારી ગલ્લાઓ તેમજ ખાણી પીણીની લારી ગલ્લાઓ દુર કરાવવામાં આવે જેનાથી સ્વચ્છતા જળવાઈ રહેશે અને રોડ પરના ટ્રાફિકની સમસ્યા પણ દૂર થશે. સેન્ટ્રલ બસ સ્ટેશન બહારના દબાણ દૂર કરવા રજૂઆત આ ઉપરાંત બસ સ્ટેશનની આજુ બાજુ રિક્ષાચાલકો દ્વારા બસ સ્ટેશનના બસોના અવર જવર કરવાના રસ્તાઓ તેમજ મુસાફરોની અવર જવર કરવાના રસ્તાઓ ઉપર અનઅધિકૃત રીતે પાર્કિંગના કારણે એસટી બસોને પસાર થવામાં અડચણરૂપ થાય છે. અકસ્માત થવાના બનાવો થાય છે. મુસાફરોની અવર જવર કરવાના રસ્તાઓ ઉપર પાર્કિંગ કરવાના કારણે મુસાફરોને અવર જવર થવામાં પણ અડચણ રૂપ થાય છે. રીક્ષા ચાલકો અને મુસાફરો સાથે પણ ઘર્ષણ થાય છે. ઉચ્ચ કક્ષાએ અવાર નવાર ગંભીર ફરીયાદો ઉપસ્થિત થવા પામે છે. જેથી અમદાવાદ સેન્ટ્રલ બસ સ્ટેશનની આજુ બાજુના દબાણો તેમજ અને અધિકૃત પાર્કિંગ દુર કરવા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેમ જણાવ્યું છે. રિક્ષાચાલકોના કારણે અડધો રોડ બંધ થઈ જાય ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડની આસપાસ ખૂબ જ ટ્રાફિકની સમસ્યા થાય છે ખાસ કરીને સાંજના સમયે વધુ ટ્રાફિક થાય છે સૌથી વ્યસ્ત ચાર રસ્તા કહેવામાં આવે છે છતાં પણ એસટી બસ સ્ટેન્ડની બહાર તારી ગલ્લાના દબાણો અને રિક્ષા ચાલકોને દૂર કરવામાં આવતા નથી. ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ પાસે બહારના ભાગે મોટી સંખ્યામાં નાસ્તાની અને ઈંડાની ખાણીપીણીની લારીઓ ઉભી રહે છે જેના કારણે રોડ ઉપર ગંદકી થાય છે અને તેની બહાર જ રિક્ષાવાળાઓ ઉપર ઉભા રહે છે જેના કારણે અડધો રોડ થઈ જાય છે. બસ સ્ટેન્ડની આસપાસમાં કેટલાક લોકો લારીઓ ઊભી રાખવા દેવા માટે થઈને હપ્તા લેતા હોવાની ચર્ચા છે. લારીઓના કારણે લાખો રૂપિયાની દુકાન ધરાવતા વેપારીઓની આવકને ફટકો બસ સ્ટેન્ડની બહારના ભાગે મોટી સંખ્યામાં રીક્ષા ઉભી રહે છે તેને ટ્રાફિક પોલીસ દૂર નથી કરીતી પરંતુ બસ સ્ટેન્ડમાં જ્યાં માત્ર સામાન લેવા અને લઈ જવા માટે વેપારીઓના ટુ-વ્હીલર થોડો સમય માટે પાર્ક કર્યા હોય તો પણ ટોઈંગ વાન આવીને લઈ જાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગની ગાડીઓ તો આ તરફ ક્યારેય આવતી જ નથી સવારે દસ વાગ્યાથી લઈ અને મોડી રાત સુધી આ લારીઓ ઉભી રહે છે જેના કારણે ત્યાં દબાણ ખૂબ જ વધી જાય છે. એસટી બસ સ્ટેન્ડની આસપાસ ક્યાંય પણ સ્વચ્છતા જોવા મળતી નથી. રોડ ઉપર લારી ગલ્લા હોવાના કારણે થઈને એસટી બસ સ્ટેન્ડમાં પણ જે લોકોએ લાખો રૂપિયાની દુકાન ખરીદી અને ખાણી પીણીનું બજાર કર્યું છે તે લોકોને પણ ધંધો થતો ન હોવાની ફરિયાદો ઉઠી છે. કાયદેસર ટેક્સ ભરીને જે ધંધો કરે છે તેમને કોર્પોરેશન દંડ કરે પણ ગેરકાયદેસર રીતે જે લોકો રોડ ઉપર ઉભા રહે છે. એમની સામે કોઈ કાર્યવાહી થતી નથી.

What's Your Reaction?






