અમદાવાદ સિવિલમાં દર્દીને સિક્યુરિટીએ માર માર્યાનો આક્ષેપ:દર્દીએ અન્ય બેડ પર જવાની ના કહેતા ડોક્ટરના કહેવાથી માર માર્યાની માતાની પોલીસમાં અરજી, સુપ્રિટેન્ડેન્ટે તપાસ શરૂ કરી
અમદાવાદની સિવિલ હોસ્પિટલની સિક્યુરિટી એજન્સી ફરી એક વખત વિવાદમાં આવી છે. સિક્યુરિટી ગાર્ડ દ્વારા સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીને એક બેડથી અન્ય બેડ પર જવા જેવી સામાન્ય બાબતમાં ડોક્ટરના કહેવાથી માર મારવામાં આવ્યો હોવાનો દર્દીના માતાએ આક્ષેપ કર્યો છે. દર્દીના માતાએ વીડિયો બનાવવા જતા તેમનો મોબાઈલ પણ ઝૂંટવી લીધો હતો. જો કે, આ બનાવમાં ડોક્ટર અને સિક્યુરિટી ગાર્ડ બંને વિરુદ્ધ દર્દીના માતાએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી છે. અન્ય બેડની બાજુમાં ઝાડા-ઊલટીના દર્દી હોવાથી જવાની ના કહી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પરાગ પટેલ નામના દર્દીને તાવ આવતો હોવાથી દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે ડોક્ટર ચેકિંગ માટે આયા ત્યારે ડોક્ટરે પરાગને અન્ય બેડ પર જવા અંગે જણાવ્યું હતું. જોકે, અન્ય બેડની આજુબાજુ ઝાડા-ઊલટીના દર્દીઓ હોવાથી પરાગે ત્યાં જવાની ના પાડી હતી. જેથી ડોક્ટરે કહ્યું કે, તમે નહીં જાવ તો સિક્યુરિટી ગાર્ડને બોલાવવા પડશે. જે બાદ ડોક્ટરે સિક્યુરિટી ગાર્ડને બોલાવ્યા હતા. માતાએ વીડિયો બનાવતા સિક્યુરિટીએ ફોન પણ છીનવી લીધો સિક્યુરિટી ગાર્ડ દ્વારા પરાગને અન્ય બેડ પર જવા કહ્યું, પરંતુ ના જતા સિક્યુરિટી ગાર્ડે પરાગને માર માર્યો હતો. આ દરમિયાન પરાગના માતા ત્યાં આવતા તેમની સામે પણ પરાગને વધુ માર માર્યો હતો. પરાગની માતાએ સિક્યુરિટીનો વીડિયો બનાવવાનો પ્રયત્ન કરતા સિક્યુરિટી ગાર્ડ દ્વારા મોબાઈલ પણ છીનવી લેવામાં આવ્યો હતો. આ અંગે મહિલાએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં એક અરજી આપી છે, જેમાં ડોક્ટર અને સિક્યુરિટી ગાર્ડ સામે કાર્યવાહી કરવા માગ કરી છે. માતાએ ન્યાયની માગ સાથે પોલીસમાં અરજી આપી પરાગના માતા મનીષા પટેલ વીડિયોમાં આક્ષેપ કરતા જણાવે છે કે, હું મારા દીકરાને અહીંયા ટ્રોમા સેન્ટરમાં તાત્કાલિક સારવાર અર્થે લાવી હતી, તે હજુ G 10 વોર્ડમાં દાખલ છે. અહીંના ડોક્ટરો અને સિક્યુરિટી ગાર્ડે અમારી સાથે અભદ્ર વર્તન કર્યું છે. સિક્યુરિટી ગાર્ડના અધિકારીઓએ મારા દીકરા, જે દર્દી છે તેને માર માર્યો છે. જે સિક્યુરિટી ગાર્ડના અધિકારીએ મારા દીકરાને માર મારેલ છે, તે સસ્પેન્ડ થવા જોઈએ અને આ ઘટનામાં સંડોવાયેલા જેટલા ડોક્ટરો અને સિક્યુરિટી ગાર્ડના અધિકારીઓ છે, તે બધા સસ્પેન્ડ થવા જોઈએ. પેશન્ટને માર મારવાનો કોઈને અધિકાર નથી. તેઓ પોતાની ડ્યુટીમાં દાદાગીરી કરીને પેશન્ટ ઉપર ગુસ્સો કાઢે એવો તેમને કોઈ હક સોંપવામાં આવ્યો નથી. મારા દીકરાને ન્યાય મળે તેવી વિનંતી છે. આ મામલે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, આ મામલે તપાસ શરૂ કરી છે.

What's Your Reaction?






