રમતા બાળકને જડબામાં ઉઠાવીને શ્વાન ભાગ્યો, CCTV:રાડારાડ થતાં પિતાએ શ્વાન પાછળ દોડ મૂકીને બાળકને છોડાવ્યું, અમરેલીના જશવંતગઢની ઘટના
અમરેલી જિલ્લામાં સિંહ અને દીપડા બાદ શ્વાનનો આતંક વધ્યો હોય એવાં દૃશ્યો સામે આવ્યાં છે. અમરેલીના જશવંતગઢ ગામમાં એક બે વર્ષના રમતા બાળકને શ્વાન જડબામાં પકડીને ભાગ્યો હતો, જોકે બાળકે રાડારાડ કરતાં સમયસર પિતાનું ધ્યાન જતાં તેમણે શ્વાન પાછળ દોટ મૂકીને બાળકને છોડાવ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમરામાં કેદ થઈ છે. પિતાનું ધ્યાન જતાં બાળકનો જીવ બચી ગયો આ સમગ્ર ઘટના અંગે મળતી માહિતી મુજબ, અમરેલીના જશવંતગઢ ગામ નજીક રાંઢિયા રોડ પર આવેલી બાયોકોલ ફેક્ટરી પાસે રહેતા પરપ્રાંતીય પરિવારનું બાળક આંગણામાં રમતું હતું. આ દરમિયાન અચાનક એક શ્વાને તેના પર હુમલો કર્યો હતો અને બાદમાં જડબામાં જકડીને બાળકને લઇને શ્વાન ભાગ્યો હતો, જોકે બાળકના પિતા ઘરની અંદર જ હતા તેમણે બાળકનો રડવાનો અવાજ સાંભળતાં તરત પાવડાનો હાથો લઇને શ્વાન પાછળ દોટ મૂકીને બાળકને છોડાવ્યું હતું. રુવાંટાં ઊભાં કરતા સીસીટીવી સામે આવ્યા આ બાદ પિતાએ બાળકને તરત ચિતલની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યું હતું. આ ઘટનામાં સદનસીબે બાળકને ઓછી ઇજાઓ પહોંચતાં હાલ તેની સ્થિતિ સારી છે. બાળકને શ્વાન લઇને ભાગ્યો એ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેમરામાં કેદ થઇ છે, જે CCTV હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઇ રહ્યા છે, જે જોઈને રુવાંટાં ઊભાં થઈ જાય છે. અગાઉ પણ આવી અનેક ઘટનાઓ સામે આવી આ અગાઉ પણ અમરેલીના જશવંતગઢ અને ચિતલ ગામમાં શ્વાનના હુમલાની આવી ઘટનાઓ બની ચૂકી છે. થોડા મહિના પહેલાં પણ એક બાળકને શ્વાને બચકાં ભર્યાં હતાં. જ્યારે ચારેક દિવસ અગાઉ જ બગસરા શહેરમાં એક શ્વાને ચાર લોકોને બચકાં ભર્યાં હતાં, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વન્ય પ્રાણી બાદ શ્વાનના હુમલા વધ્યા અમરેલી જિલ્લામાં સિંહ અને દીપડાના હુમલાની ઘટનાઓ છાસવારે સામે આવતી હોય છે. હિંસક પ્રાણીઓ અવારનવાર ગામમાં ઘૂસીને માલધારીઓનાં પશુઓના શિકાર કરતા હોય છે. જ્યારે ઘણીવાર માનવ પર હુમલાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે, જોકે હવે રખડતા શ્વાનોનો પણ આતંક સામે આવી રહ્યો છે. એને લઇને સ્થાનિકોમાં ભય સાથે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

What's Your Reaction?






