ભાસ્કર એક્સક્લૂઝિવ:BAPS પ્રેમવતીનું બાંધકામ ગેરકાયદે, ફાયર NOC પણ નથી
રાજકોટના ગોંડલ રોડ પર વાવડી ગામના સરવે નં38/1ની ઔદ્યોગિક હેતુ માટેની દાનમાં મળેલી 10099 ચો.મી. જમીનમાં પાંચ-પાંચ વર્ષથી પ્રેમવતી રેસ્ટોરન્ટ, મંદિર, બગીચો, ગાર્ડન, ચાર રૂમ, એક ઓફિસ અને સ્વિમિંગ પૂલ ખડકી દેવાની હકીકત ધ્યાનમાં આવતા મામલતદારે બીએપીએસના પ્રમુખ શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજી ગુરુયજ્ઞપુરુષદાસજી સામે શરતભંગનો કેસ કર્યો હતો જેનું બુધવારે હિયરિંગ હતું તે દરમિયાન નવા ફણગા ફૂટ્યા છે. જેમાં ઔદ્યોગિક હેતુની જમીનમાં બીએપીએસના સત્તાધીશોએ નિયંત્રણ રેખાનો ભંગ કરી રોડથી નજીક જ મંદિર અને રેસ્ટોરન્ટ સહિતના બાંધકામો ખડકી દીધાનું બહાર આવ્યું છે. તેમજ છેલ્લા પાંચ વર્ષથી ખડકાયેલા રેસ્ટોરન્ટ અને મંદિરના સત્તાધીશોએ હજુ સુધી ફાયર એનઓસી ન લીધાની અને મહાનગરપાલિકાની ફાયર શાખાએ 3-3 નોટિસ અત્યાર સુધીમાં ફટકારી દીધાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. રાજકોટ તાલુકા મામલતદાર દ્વારા તા.23-1-2025ના રોજ પત્ર લખીને રાષ્ટ્રીય ધોરીમાર્ગના નાયબ કાર્યપાલક ઇજનેરને એવી માહિતી માગવામાં આવી હતી કે, વાવડી સરવે નં.38/1ની પ્લોટ નં.1થી 10ની ઔદ્યોગિક હેતુ માટે બિનખેતી થયેલી જમીનમાં પ્રેમવતી રેસ્ટોરન્ટના બાંધકામ અંગે શરતભંગની કાર્યવાહી કરવા બાબતે સવાલવાળી જમીનની પૂર્વ દિશામાં રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે આવતો હોય જેથી રાખવાપાત્ર માર્જિનમાં દબાણ આવેલ છે કે કેમ? તે અંગેનો અભિપ્રાય માગવામાં આવ્યો હતો. જેના જવાબમાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રોજેક્ટ ડાયરેક્ટર હરમીન્દ્રસિંઘ રોત્રવાલે તા.5-8ના રોજ તાલુકા મામલતદારને વળતો જવાબ આપ્યો હતો અને તેમાં આ મંદિરના સત્તાધીશોએ અમારા નેશનલ હાઇવેની હદની પાછળ આ બાંધકામ કરેલ છે જેમાં મહેસૂલ વિભાગના રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને રાજ્ય ધોરીમાર્ગ તથા અન્ય કક્ષાના માર્ગોની રેખા નિયંત્રણના નિયમોની જાળવણી માટે તા.17-7-80ના રોજ જારી કરેલા પરિપત્રનો અમલ કરવો જરૂરી હોય રસ્તાની નિયંત્રણ રેખાથી 60 મીટરની હદમાં બાંધકામ કરી શકાતું નથી તેમ જણાવ્યું છે. બીજીબાજુ બીએપીએસ મંદિરમાં ફાયર એનઓસી છે કે નહીં ? તે બાબતે ફાયર શાખાના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, ગોંડલ રોડ પર આવેલા પ્રેમવતી રેસ્ટોરન્ટ અને બીએપીએસ મંદિર પાસે ફાયર એનઓસી નથી. તેમને અત્યાર સુધીમાં 3-3 વખત નોટિસ આપવામાં આવી છે. જેનો મતલબ એ થાય છે કે, પાંચ-પાંચ વર્ષથી ઔદ્યોગિક હેતુના પ્લોટમાં ગેરકાયદે ખડકાઇ ગયેલા બીએપીએસ મંદિરમાં ફાયર એનઓસી વગર પણ વેપાર સહિતની તમામ પ્રવૃત્તિઓ ફાયર શાખાએ ચાલવા દીધી છે અને સીલ કરવાની કોઇ કાર્યવાહી કરાઇ નથી. જ્યારે શરતભંગના કેસમાં જિલ્લા કલેક્ટર ડો.ઓમપ્રકાશ સમક્ષ હિયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં મંદિરના વકીલ તથા અરજદારોને સાંભળ્યા બાદ વધુ એક મુદત પડી છે. મંદિરમાં ફાયરના સાધનો વસાવી લીધા પણ ફાયર એનઓસી માટે બાંધકામ પ્લાન રજૂ કરતાં નથી ફાયર શાખાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેએ જણાવ્યું હતું કે, બીએપીએસ અને પ્રેમવતી રેસ્ટોરન્ટના સંચાલકોએ ફાયરના સાધનો વસાવી લીધા છે અને ફાયર એનઓસી માટે અરજી કરી છે, પરંતુ તેની સાથે બાંધકામ પ્લાન રજૂ કર્યો ન હોય બાંધકામ પ્લાન રજૂ કરવા અનેક વખત તાકીદ કરી છતાં હજુ સુધી પ્લાન રજૂ કર્યો નથી. આથી તેમને 3 વખત નોટિસ પણ આપવામાં આવી છે, પરંતુ વાસ્તવિકતા તો એ છે કે, મંદિરના સત્તાધીશો પાસે મંજૂર થયેલો બાંધકામ પ્લાન જ નથી તો પછી ફાયર એનઓસી કેવી રીતે મળી શકે. ત્યારે સવાલ એ ઊઠે છે કે, 3-3 નોટિસ આપી દીધા બાદ મનપા શા માટે મંદિર અને રેસ્ટોરન્ટ સહિતના ગેરકાયદે બાંધકામો સીલ કરતું નથી. ઇમ્પેક્ટ ફીમાં સીધો પ્લાન પાસ કરાવવા ખેલ નાખ્યો બીએપીએસ મંદિર અને પ્રેમવતી રેસ્ટોરન્ટ સહિતના બાંધકામો ગેરકાયદે ખડકાયા બાદ ભાંડાફોડ થતા મંદિરના સત્તાધીશોએ હવે ઇમ્પેક્ટ ફી ભરી બાંધકામ રેગ્યુલરાઇઝડ કરાવવા કવાયત હાથ ધરી છે ત્યારે બીજીબાજુ કલેક્ટર તંત્રે શરતભંગનો કેસ કરતા હવે મંદિરના સત્તાધીશો બરાબરના ભરાયા છે અને ઇમ્પેક્ટ ફીમાં ખૂટતા ડોક્યુમેન્ટ રજૂ કરવા મનપાની બાંધકામ શાખાએ તેડું મોકલતા મુદત પર મુદત પાડી રહ્યાનું સુત્રોએ જણાવ્યું છે.

What's Your Reaction?






