સફાઈકર્મીએ લોન લેવા 52 હજારની બોગસ પે સ્લીપ બનાવી:SBIએ રૂ. 19.40 લાખની લોન મંજૂર કરી, બેંકના ઓડીટમાં NOC અને પગાર સ્લીપ ખોટી હોવાનું ખૂલતા ફરિયાદ
સુરત મહાનગરપાલિકાની એક મહિલા સફાઈ કર્મચારીએ બેંકને ખોટું એનઓસી અને પગાર સ્લીપ રજૂ કરીને કુલ રૂ. 19.40 લાખની લોન મેળવી છેતરપિંડી કરી હતી. આ કૌભાંડ શહેરના અઠવા પોલીસ મથકે નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન બહાર આવ્યું છે. ખોટી પગાર સ્લીપ અને એનઓસી રજૂ કરી લોન મેળવી હંસા મનહરભાઈ સોલંકી, જે હાલ ડીંડોલી વિસ્તારમાં આવેલા માનસી રેસીડેન્સીમાં રહે છે અને સુરત મહાનગરપાલિકા (SMC)માં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવે છે, તેની સામે અઠવા પોલીસ સ્ટેશને બોગસ દસ્તાવેજો દ્વારા લોન મેળવવાના આક્ષેપ હેઠળ ગુનો નોંધ્યો છે. હંસાબેને વર્ષ 2022માં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)માં લોન માટે અરજી કરી હતી. લોન મંજુર કરાવવાના હેતુથી તેમણે “એસ.કમ” નામની ફાઇનાન્સ કંપનીમાંથી અગાઉ લીધેલી લોનનું ખોટું કલીયરન્સ એનઓસી, તેમજ SMCના નામે ખોટી પગાર સ્લીપ બેંકમાં રજૂ કરી હતી. આ પગાર સ્લીપમાં તેમણે પોતાનો માસિક પગાર રૂ. 26,000 હોવાનું હોવા છતાં ખોટી રીતે વધારીને રૂ. 52,000 દર્શાવ્યો હતો.આ જ ખોટા દસ્તાવેજોની આધારે SBIની શાખાએ પ્રથમ તબક્કે તા. 3-9-2022ના રોજ હંસાબેનને રૂ. 6 લાખની લોન મંજુર કરી હતી. બાદમાં બીજી તબક્કાની લોન તરીકે 9-1-2024ના રોજ વધુ રૂ. 13.40 લાખની લોન મંજુર કરવામાં આવી હતી. પરિણામે બેંક દ્વારા કુલ રૂ. 19.40 લાખની લોન આપવામાં આવી હતી. SBIના મેનેજરે ડોક્યુમેન્ટ ખોટા જણાવતા ફરિયાદ નોંધાવી સપ્ટેમ્બર 2024માં બેંકના આંતરિક ઓડિટ દરમિયાન હંસાબેન દ્વારા રજૂ કરાયેલ એનઓસી પર શંકા ઉદભવી હતી. જેથી તેમણે રજૂ કરેલી દસ્તાવેજોની તપાસ કરાવાતા એનઓસી બોગસ હોવાનું ખુલ્યું હતું. ઉપરાંત સુરત મહાનગરપાલિકાની પગાર સ્લીપ પણ ખોટી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.આ સમગ્ર મામલે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફથી મેનેજર સુલતાબેન કુમારીએ અઠવા પોલીસ મથકે અધિકૃત ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા હંસા સોલંકી સામે IPC કલમ 420 (છેતરપિંડી), 465, 467, 468, 471 (બનાવટી દસ્તાવેજ બનાવવો અને તેનો ઉપયોગ કરવો) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.હાલમાં અઠવા પોલીસ દ્વારા આરોપી મહિલાની ધરપકડ કરવા માટે કાયદેસરની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને સમગ્ર કૌભાંડની પછાળ કાઢી વધુ લોકો સંડોાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ થઈ છે.

What's Your Reaction?






