Editor’s View: રશિયા-યુક્રેન રોજ ટ્રમ્પને ઉઠાં ભણાવે છે:નાના પણ રાઈના દાણા જેવડા યુક્રેને હદ કરી, 5 એરબેઝ તબાહ થઈ જવાથી પુતિન રઘવાયા બન્યા
યુક્રેનનું દોઢ વર્ષનું પ્લાનિંગ 4 હજાર કિલોમીટરનું અંતર 117 ડ્રોનનો ઉપયોગ રશિયાના 5 એરબેઝ નેસ્તનાબૂદ કર્યા 7 અબજ ડોલરનું નુકસાન થયું રશિયા જેવા તાકાતવર દેશે વિચાર્યું પણ નહીં હોય કે ખોબા જેવડો દેશ યુક્રેન 4 હજાર કિલોમીટર અંદર ઘૂસીને હુમલો કરશે. યુક્રેને એવી ડ્રોન સ્ટ્રાઈક કરી કે રશિયાની કમર ભાંગી ગઈ, દુનિયામાં નાક કપાઈ ગયું એ જુદું. રશિયાનું તો નાક કપાયું જ, પણ રશિયા-યુક્રેન વચ્ચે શાંતિ સ્થપાવા મથી રહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું પણ નાક રોજ કપાય છે. તેઓ રાષ્ટ્રપતિ નહોતા બન્યા ત્યારે ચૂંટણીપ્રચારમાં પણ કહેતા કે કોઈ રશિયા-યુક્રેન યુદ્ધ રોકાવી શકે એમ હોય તો એ હું (ટ્રમ્પ) છું, પણ એવું થયું નથી. યુક્રેન અને રશિયા બંને ટ્રમ્પને ગાંઠતા નથી. નમસ્કાર, રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું એને 3 વર્ષ 3 મહિના 9 દિવસ થયા. આ સમયગાળામાં 14 કરોડની વસતિ ધરાવતા તાકાતવર દેશ રશિયાને 4 કરોડની વસતિ ધરાવતા નાનકડા દેશ યુક્રેનને ધૂળ ચાટતું કરી દીધું હોત, પણ રશિયા એવું કરી શક્યું નહીં. યુક્રેન લડતું રહ્યું, આજે પણ લડે છે. હવે તો યુક્રેને રશિયા પર એવો પ્રહાર કર્યો છે કે રશિયાને કળ વળતાં વાર લાગશે. યુક્રેને રશિયા પર હુમલો કેવી રીતે કર્યો, એ જાણવા જેવું છે... યુક્રેનની સિક્યોરિટી એજન્સી છે SBU. આ સિક્યોરિટી એજન્સીના ચીફ વાસલ મેલ્યુક અને રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ રશિયા પર ભીષણ હુમલો કરવાનો પ્લાન બનાવ્યો. આ પ્લાનની શરૂઆત આજથી દોઢ વર્ષ પહેલાં થઈ. પ્લાન નક્કી થયો. પ્લાન મુજબ કામ ચાલુ થયું ને પ્લાન મુજબ રશિયા પર હુમલો કરવાનો દિવસ નજીક આવતો ગયો. પ્લાન એવો હતો કે યુક્રેને 117 ડ્રોન તૈયાર કર્યાં, જેને નાના FPV એટલે કે ફર્સ્ટ પર્સન વ્યૂ ડ્રોન કહે છે. આ ડ્રોનમાં ઠાંસી-ઠાંસીને વિસ્ફોટક ભર્યા. પછી લાકડાંના મોટાં-મોટાં બોક્સ તૈયાર કર્યાં. તેમાં ડ્રોન મૂકી દીધાં. આ બોક્સનાં ઢાંકણાં રિમોટ કંટ્રોલથી ખૂલે એવાં બનાવ્યાં. ડ્રોન પણ રિમોટ ઓપરેટેડ હતાં. આ બધાં ડ્રોનને લાકડાંના બોક્સમાં મૂકીને બોક્સને પાંચ ટ્રકની અંદર ચડાવી દીધાં. આ ટ્રકમાં સ્મગલિંગનો માલ છે એવું બતાવીને બોર્ડર પર પૈસા ખવડાવીને ચારેય ટ્રકને રશિયામાં ઘુસાડી દીધી. અડધો પડાવ પાર થઈ ગયો. હવે આ પાંચેય ટ્રકને અલગ અલગ પાંચ એરબેઝ પાસે પાર્ક કરવાની હતી. યુક્રેને ફુલપ્રૂફ પ્લાન સાથે આ કામ પણ પાર પાડ્યું. પાંચેય ટ્રક રશિયાના પાંચ એરબેઝ પાસે પાર્ક થઈ ગઈ. દિવસ આવ્યો એટેકનો... યુક્રેનમાં બેઠાં બેઠાં સિક્યોરિટી એજન્સીએ રિમોટથી ટ્રકની છત ઓપન કરી નાખી. પછી અંદર પડેલા બોક્સનાં ઢાંકણાં ખોલી નાખ્યાં. ઢાંકણાં ખોલતાંવેંત બોક્સમાં પડેલાં ડ્રોન એક્ટિવ થઈ ગયાં. રિમોટ કંટ્રોલથી પાંચેય એરબેઝ પર પડેલાં રશિયાનાં સુપર ફાઈટર પ્લેન પર બધાં ડ્રોન તૂટી પડ્યાં ને એને તબાહ કર્યાં. રશિયાના એરબેઝને તો નુકસાન થયું જ, 41 જેટલાં ફાઈટર પ્લેન ભાંગીને ભુક્કા થઈ ગયાં. રશિયામાં તો અફરાતફરીનો માહોલ થઈ ગયો. કોઈને સમજાયું નહીં કે આ શું થઈ ગયું...યુક્રેને આ ઓપરેશનને નામ આપ્યું - ઓપરેશન સ્પાઈડર વેબ. રશિયાના આ 5 એરબેઝ પર હુમલો યુક્રેને રશિયાના કયાં મહત્ત્વનાં ફાઇટર પ્લેન તોડી નાખ્યાં.. યુક્રેને શું દાવો કર્યો? યુક્રેને દાવો કર્યો છે કે અમારા હુમલા પછી રશિયાના આવાં 34 ટકા વિમાનોને ભારે નુકસાન થયું છે. આ હુમલાથી રશિયાને 7 અબજ ડોલરનું નુકસાન થયું હોવાનું મનાય છે. યુક્રેનિયન એજન્સીએ કહ્યું હતું કે તેમણે આ હુમલો એટલા માટે કર્યો છે, જેથી રશિયાના બોમ્બમારા રોકી શકાય, કારણ કે લગભગ દરરોજ રાત્રે રશિયન વિમાનો યુક્રેનિયન શહેરો પર હુમલો કરે છે. યુક્રેને એમ પણ કહ્યું હતું કે રશિયા હુમલા નહીં રોકે તો ભવિષ્યમાં તેના ડ્રોન મિશન ચાલુ રહેશે. ઝેલેન્સ્કી બોલ્યા, હવે રશિયા સીધું દોર થશે રશિયાનાં 41 ફાઈટર પ્લેન અને 4 એરબેઝ તબાહ કર્યા પછી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ વીડિયો રિલીઝ કરીને હુમલાની જાણકારી આપી. પછી એમ પણ કહ્યું કે આ હુમલા રશિયાની આક્રમકતા સામે યુક્રેનની દૃઢતા દર્શાવે છે. મોટી સંખ્યામાં રશિયન વિમાનોનો સફાયો કરવામાં આવ્યો છે, જે રશિયાને વાટાઘાટો કરવા મજબૂર કરશે. રશિયા સમજી ગયું હશે કે તેને યુદ્ધમાં ભારે નુકસાન થયું છે, હવે તે શાંતિ અને સમાધાન તરફ આગળ વધશે. રશિયાએ પણ કબૂલ્યું કે અમને બહુ મોટું નુકસાન થયું રશિયન ડિફેન્સ મિનિસ્ટ્રીએ કબૂલ્યું હતું કે યુક્રેનના હુમલામાં રશિયાનાં 5 એરબેઝને મોટું નુકસાન થયું છે. વિમાનોને પણ નુકસાન થયું છે. રશિયાએ એ કબૂલ્યું કે ફાઈટર પ્લેનને નુકસાન થયું પણ કેટલાં પ્લેનને નુકસાન થયું એ આંકડો નથી આપ્યો, પણ યુક્રેને દાવો કર્યો છે કે તેણે રશિયાનાં 41 પ્લેન તોડી નાખ્યાં છે. રશિયન ડિફેન્સ મિનિસ્ટ્રીએ પોતાના નિવેદનમાં યુક્રેન પર મુર્મન્સ્ક, ઇર્કુત્સ્ક, ઇવાનોવો, રિયાઝાન અને અમુર પ્રદેશોમાં સ્થિત એરપોર્ટ પર FPV (ફર્સ્ટ પર્સન વ્યૂ) ડ્રોનથી હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. મોટા નુકસાનથી રશિયન એરફોર્સ ધૂંવાંપૂંવાં છે. રશિયન એરફોર્સ હવે તક મળે ત્યારે યુક્રેન પર ભીષણ હુમલો કરે એવું પણ બની શકે. ડ્રોન હુમલા વચ્ચે તુર્કીમાં શાંતિ મંત્રણા થઈ તુર્કીના ઈસ્તંબુલમાં રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ મંત્રણા થવાની હતી. સોમવારે (2 જૂને) શાંતિ મંત્રણા થાય એ પહેલાં જ યુક્રેને મોટો હુમલો કરી દીધો. હવે તો આ ડ્રોન હુમલાથી રશિયા-યુક્રેન વચ્ચે તણાવ વધી ગયો છે, બની શકે કે રશિયા હવે વધારે આક્રમકતાથી હુમલા વધારી દે. એક સંભાવના એવી હતી કે ઈસ્તંબુલમાં બંને દેશ વચ્ચે શાંતિ મંત્રણા થશે નહીં. જોકે નિયત કાર્યક્રમ મુજબ રશિયા-યુક્રેન વચ્ચે શાંતિ મંત્રણા થઈ છે અને મિટિંગ એક કલાક ચાલી હતી. 3 વર્ષમાં કોને કેટલું નુકસાન? ટેન્ક નાશ પામી એન્ટી મિસાઇલ સિસ્ટમ ફાઇટર પ્લેન તૂટ્યાં વોરશિપનું નુકસાન પુતિન-ઝેલેન્સ્કી મળીને રોજ ટ્રમ્પનું નાક કાપે છે જ્યારે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે એવી વાત કરી છે કે રશિયા-યુક્રેન યુદ્ધ હું રોકાવી દઈશ, ત્યારે ત્યારે તેઓ સફળ થયા નહિ. તેમણે પ્રયાસો ઘણા કર્યા પણ કારી ન ફાવી. પુતિનને ફોન કરીને કહ્યું કે સીઝફાયર માટે માની જાઓ. પુતિને ઘસીને ના પાડી દીધી

What's Your Reaction?






