CDSને સવાલ- પાકિસ્તાને કેટલાં ભારતીય ફાઇટર જેટ તોડ્યાં?:જનરલ ચૌહાણે બ્લૂમબર્ગને કહ્યું- 'કેટલા જેટ તૂટ્યા એ નહીં પણ કેમ તૂટ્યા એ મહત્વનું છે'
સિંગાપોરમાં બ્લૂમબર્ગે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) અનિલ ચૌહાણને સવાલ કર્યો હતો કે શું પાકિસ્તાને સંઘર્ષ દરમિયાન ભારતીય જેટ તોડી પાડ્યાં હતાં? શું તમે આની ખાતરી કરી શકો છો? આના જવાબમાં CDS ચૌહાણે કહ્યું- હકીકત મુદ્દો એ નથી કે કેટલાં વિમાનો પડ્યાં, પણ એ છે કે એ શા માટે પડ્યાં અને આપણે એમાંથી શું શીખ્યા. ભારતે પોતાની ભૂલોને ઓળખી, એને ઝડપથી સુધારી અને પછી બે દિવસમાં ફરી એકવાર લાંબા અંતરથી દુશ્મનનાં સ્થળોને નિશાન બનાવ્યાં અને અસરકારક રીતે જવાબ આપ્યો, રિપોર્ટરે તેમને પૂછ્યું- પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેણે 6 ભારતીય જેટ તોડી પાડ્યાં છે, શું આ સાચું છે? આના જવાબમાં CDS ચૌહાણે કહ્યું- આ બિલકુલ ખોટું છે. ગણતરી મહત્ત્વની નથી, પણ એ મહત્ત્વનું છે કે આપણે શું શીખ્યા અને કેવી રીતે સુધારો કર્યો. CDS ચૌહાણે એ પણ સ્પષ્ટતા કરી કે આ સંઘર્ષમાં ક્યારેય પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની જરૂર પડી ન હતી, જે રાહતની વાત છે. આ પહેલાં 12 મેના રોજ એર માર્શલ અવધેશ કુમાર ભારતીને પૂછવામાં આવ્યું હતું કે શું ઓપરેશન સિંદૂર દરમિયાન રાફેલ પાકિસ્તાનમાં ક્રેશ થયું હતું કે એને તોડી પાડવામાં આવ્યું? આ અંગે એર માર્શલ ભારતીએ કહ્યું હતું કે હાલ હું આ અંગે કોઈ ટિપ્પણી કરવા માગતો નથી, કારણ કે અમે હજુ પણ યુદ્ધની સ્થિતિમાં છીએ. જો હું આ વિશે કંઈ કહું તો એની વિપરીત અસર થશે. અમે આ સમયે તેમને (પાકિસ્તાનને) કોઈ ફાયદો આપવા માગતા નથી. હું ફક્ત એટલું જ કહી શકું છું કે અમે અમારું લક્ષ્ય પ્રાપ્ત કર્યું અને અમારા બધા પાઇલટ્સ સુરક્ષિત રીતે પાછા ફર્યા. CDS ચૌહાણે કહ્યું- પાકિસ્તાન સાથે સારા સંબંધોનો યુગ પૂરો આ પહેલાં CDS જનરલ અનિલ ચૌહાણે સિંગાપોરમાં શાંગરી-લા ડાયલોગ કાર્યક્રમમાં હાજરી આપી હતી. પાકિસ્તાન સાથેના સંબંધો અંગે તેમણે કહ્યું હતું કે હવે ભારત કોઈપણ રણનીતિ વિના કંઈ કરતું નથી. પાકિસ્તાન સાથે રાજદ્વારી સંબંધો જાળવવાનો યુગ પૂરો થઈ ગયો છે. CDS ચૌહાણે યાદ અપાવ્યું કે કેવી રીતે પીએમ મોદીએ તેમના પહેલા શપથગ્રહણ સમારોહમાં તત્કાલીન પાકિસ્તાનના પીએમ નવાઝ શરીફને આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું કે તાળી વાગે એ માટે બે હાથ લાગે છે, પરંતુ જો બદલામાં ફક્ત દુશ્મનાવટ જ મળે તો અંતર જાળવવું એ એક સમજદારીભર્યો નિર્ણય છે. CDS ચૌહાણે કહ્યું હતું કે જ્યારે ભારતને આઝાદી મળી ત્યારે પાકિસ્તાન સામાજિક વિકાસ, જીડીપી કે માથાદીઠ આવક જેવા ઘણા મામલાઓમાં ભારતથી આગળ હતું. હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. હવે ભારત દરેક મોરચે પાકિસ્તાનથી આગળ છે. જનરલ ચૌહાણે કહ્યું હુતું કે આ પરિવર્તન કોઈ સંયોગથી નથી, પરંતુ સારી રીતે વિચારેલી રણનીતિનું પરિણામ છે. CDSએ કહ્યું હતું- ભારતે યુદ્ધમાં પોતાની ટેક્નોલોજી પર આધાર રાખ્યો સિંગાપોરમાં શાંગરી-લા ડાયલોગ દરમિયાન CDS જનરલ અનિલ ચૌહાણે 'યુદ્ધનું ભવિષ્ય' વિષય પર વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે હવે યુદ્ધો પહેલાં જેવા નથી રહ્યાં. હવે યુદ્ધો ફક્ત જમીન, હવા અને સમુદ્ર પર જ નહીં, પરંતુ સાયબર અને અવકાશ જેવાં નવાં ક્ષેત્રોમાં પણ લડાઈ રહ્યાં છે. ઓપરેશન સિંદૂરનું ઉદાહરણ આપતાં જનરલ ચૌહાણે કહ્યું હતું કે આ સમયગાળા દરમિયાન ભારતે તેની સ્વદેશી ટેક્નોલોજીનો ઉત્તમ ઉપયોગ કર્યો. તેમણે ખાસ કરીને 'આકાશ' મિસાઇલ સિસ્ટમ અને સ્વદેશી હવાઈ સંરક્ષણ નેટવર્કનો ઉલ્લેખ કર્યો, જેણે અનેક રડાર સિસ્ટમોને જોડીને એક મજબૂત સુરક્ષા માળખું બનાવ્યું છે. ભારતે આ બધું વિદેશી કંપનીઓ પર આધાર રાખ્યા વિના કર્યું. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાને ચીની અથવા પશ્ચિમી ઉપગ્રહ છબિઓનો ઉપયોગ કર્યો હશે, પરંતુ ભારત પોતાની ટેક્નોલોજી પર આધાર રાખતો હતો. ભારતે યુદ્ધ માટે જરૂરી નેટવર્ક અને રડાર સિસ્ટમ્સ પોતાના દમ પર બનાવી અને આ અમારા માટે એક મોટી સફળતા હતી. 'યુદ્ધમાં ખોટી માહિતી અને અફવાઓ એક મોટો પડકાર' CDS ચૌહાણે કહ્યું હતું કે આજકાલ યુદ્ધમાં બીજો એક પડકાર છે- ખોટી માહિતી અને અફવાઓ. ઓપરેશન સિંદૂર દરમિયાન પણ આપણા સૈનિકોને ખોટા સમાચાર સામે લડવામાં ઘણો સમય પસાર કરવો પડ્યો હતો. ભારતની રણનીતિ કોઈપણ ઉતાવળ વિના અને નક્કર તથ્યો સાથે પોતાનો મુદ્દો રજૂ કરવાની છે. ઉદાહરણ આપતાં તેમણે કહ્યું હતું કે ઓપરેશનના શરૂઆતના દિવસોમાં બે મહિલા અધિકારીઓ મીડિયા સાથે વાત કરી રહી હતી, કારણ કે એ સમયે વરિષ્ઠ અધિકારીઓ વાસ્તવિક ઓપરેશનમાં વ્યસ્ત હતા. સાયબર યુદ્ધ અંગે પણ તેમણે કહ્યું હતું કે ભલે બંને દેશોએ એકબીજા પર સાયબર હુમલા કર્યા હોય, પરંતુ ભારતની લશ્કરી પ્રણાલીઓ ઇન્ટરનેટ સાથે જોડાયેલી નથી અને તેથી તેઓ સુરક્ષિત રહ્યા. તેમણે કહ્યું હતું કે ભારતે યુદ્ધ પછી તરત જ પીછેહઠ કરી, કારણ કે લાંબા સમય સુધી સૈનિકોને તહેનાત રાખવાથી આર્થિક રીતે બોજ પડતો હતો અને વિકાસમાં અવરોધ આવતો હતો.

What's Your Reaction?






