સ્ટેન્ડીંગ કમીટીની બેઠક:રોડના ખાડામાં પ્રજા હેરાન થયા બાદ હવે ભાજપના શાસકો SOP બનાવશે
ભાવનગર મહાનગર પાલિકાના ભાજપના શાસકો પાસે વહીવટ માટે કોઇ વિઝન જ ન હોય તેમ ચોમાસામાં મોટાભાગના રસ્તાઓ તુટી ગયા બાદ મુખ્ય મંત્રીની સુચના પછી રોડમાં થીગડા માર્યા બાદ હવે રોડમાં પડેલા ખાડા અંગે કમિશ્નરને એસઓપી બનાવી હોટમીક્ષ અને કોલ્ડમીક્ષ બાબતે આજે સ્ટેન્ડીંગ કમીટીમાં ચર્ચા કરવામાં આવી હતી .સ્ટેન્ડિંગ કમિટીમાં મહિલા કોલેજ થી ભાવનગર એરપોર્ટ સુધી આઇકોનીક રોડ ઉપર બ્યુટીફિકેશનનું કામ, જુદા જુદા વિસ્તારોમાં પેવિંગ બ્લોક, ચોમાસામાં પડેલા ખાડાઓમાં પરાજુ, મોરમ નાખવાની કામગીરી સાથે મેટલ ગ્રાઉટીંગ સહિતના 4.54 કરોડના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી. તદુપરાંત કોર્પોરેશન હસ્તકના બિલ્ડીંગોમાં 27 સ્થળો પર રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરવા વરસાદી પાણીના રિચાર્જિંગ સ્ટ્રક્ચર બનાવવાના 95.48 લાખના કામને મંજૂરી આપી હતી. તેમજ શહેરીજનોને તમામ પ્રકારની કોર્પોરેશન સંદર્ભિત સુવિધા માટે વોટ્સઅપ ચેટબોટ અને વોટ્સઅપ મેસેજિંગ સર્વિસ માટે મંજૂરી આપવામાં આવી હતી. કમિટી દરમિયાન રસ્તામાં પડેલા ખાડા ઉપરાંત રખડતા ઢોર બાબતની પણ સભ્યો દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે હાલમાં દ્વારા એજન્સી દ્વારા ઢોર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું તેમજ અંદાજે 500 જેટલા ઢોર પણ પકડી પશુપાલકો સામે દંડનીય કાર્યવાહી કરી હોવાની અધિકારી દ્વારા વિગતો જણાવી હતી. તેમજ કુતરા પકડવા માટે પણ પોલીસી ઘડી તેની હોસ્ટેલ બનાવવાની કાર્યવાહી ઝડપી કરવા માટે પણ સૂચના આપી હતી. સરકારી જગ્યામાં સાતથી આઠ આંગણવાડી બનશે ભાવનગર કોર્પોરેશન દ્વારા જરૂરિયાત મુજબ શહેરના જુદા જુદા વિસ્તારોમાં આંગણવાડીઓ બનાવી છે પરંતુ ઘણા સ્થળો એવા છે કે જ્યાં સરકારી જગ્યા સિવાય કોઈ વિકલ્પ નથી. જે સંદર્ભે કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા પણ કલેકટરને રજૂઆત કરી હતી અને કલેકટર દ્વારા પણ તેમાં હકારાત્મક અભિગમ દાખવ્યો હતો. જેથી આગામી દિવસોમાં સરકારી જગ્યા ફાળવ્યા બાદ સાત થી આઠ આંગણવાડી બનશે.

What's Your Reaction?






