16 વર્ષથી નાના 4 બાળકો એવરેસ્ટ બેઝ કેમ્પ પહોંચ્યા:-15 ડિગ્રી અને ઠંડા પવનો વચ્ચે 5364 મીટરની હાઇટ સુધીનું ટ્રેકિંગ, રોજ 8 થી 9 કલાક ચાલ્યા; પ્રેક્ટિસ માટે પાવાગઢ જતા
અત્યારે બાળકો મોબાઇલમાં સતત મોબાઇલમાં વ્યસ્ત જોવા મળતા હોય છે. તેમાં પણ વેકેશનમાં તો બાળકો મોબાઇલની બહાર નીકળતા જ નથી. આવી પરિસ્થિતિમાં વડોદરા શહેરના ગાંધી અને શાહ પરિવારે પોતાના બાળકોને આ વેકેશનમાં અનોખો અનુભવ કરાવ્યો. બંને પરિવાર 4 બાળકોને પોતાની સાથે એવરેસ્ટ બેઝ કેમ્પ સુધીના ટ્રેકિંગમાં લઇ ગયા હતા. મેઘનાબેન ગાંધી, સત્યેન ગાંધી તેમની પુત્રીઓ પદ્મજા(ઉં.15), ધનશ્રી(ઉં.10)ને અને રાધા શાહ તેમની પુત્રી કનિષ્કા(ઉં.16) અને કરણ (ઉં.11) સાથે લઈ ગયા હતાં. જ્યાં ટ્રેકિંગ દરમિયાન ઘણી વાર તાપમાન -15 ડિગ્રી સેલ્સિયસ થઈ જતું હતું અને ઠંડા પવનો પણ ફૂંકાતા હતાં. તેમ છતાં 4 બાળકોએ તેમની સાથે સતત 9 દિવસ સુધી ટ્રેકિંગ કર્યું હતું. ખૂબ તકલીફો પડી પણ અમને ખૂબ મજા આવી 11 વર્ષના કરણ શાહે જણાવ્યું હતું કે, અમે લોકો ટ્રેકિંગ કરીને એવરેસ્ટ બેઝ કેમ્પ ગયા હતા. જ્યાં પહોંચવામાં 9 દિવસનો સમય લાગ્યો હતો. મારો આ અનુભવ ખૂબ સારો રહ્યો. એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચવામાં ખૂબ તકલીફો પડી પણ અમને ખૂબ મજા આવી. મને આ અનુભવ ફરીથી કરવાની ઇચ્છા છે. અમે પ્રેક્ટીસ કરવા દર અઠવાડિયે પાવાગઢ જતા 10 વર્ષની ધનશ્રી ગાંધીએ જણાવ્યું હતું કે, એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી 5364 મીટરની હાઇટ પર ટ્રેકિંગ કરીને પહોંચ્યા હતા. મારો અનુભવ ખૂબ સરસ રહ્યો હતો. અમારી જર્ની દરમિયાન મેં ઘણા બધા માઉન્ટેન જોયા હતા. આ ટ્રેકિંગ પહેલા મારી મમ્મીએ મને તાલીમ આપી હતી. અમે 3 મહિનામાં સુધી 100 ફ્લોર ચઢ-ઉતરની પ્રેક્ટિસ કરી હતી. આ ઉપરાંત અમે દર અઠવાડિયે પાવાગઢ જતા હતા અને ત્યાં પગથિયાંની ચઢઉતર કરતા હતા. અમે બાળકોની સાથે ટ્રેકિંગ કરીએ તેવું વિચાર્યું રાધા શાહે જણાવ્યું હતું કે, હું અને મારી મિત્ર મેઘના સાથે દર વર્ષે ટ્રેકિંગ કરવા માટે જાઉં છું. જો કે, આ વર્ષે અમે બાળકોની સાથે ટ્રેકિંગ કરીએ તેવું વિચાર્યું હતું. જેથી બાળકોને પણ આઉટડોર એક્પિરીયન્સ આપી શકાય. બાળકોને કન્મ્ફર્ટથી દૂર અને નોર્મલ લાઇફથી દૂર લઇ જવાનો હેતુ હતો. પર્વતો વચ્ચેની જિંદગી કેવી છે, તેવો અનુભવ બાળકોને કરાવવો હતો. નેચરની મજા પણ છે, તે બાળકોને બતાવવું હતું. અત્યારે બાળકો મોબાઇલમાં વ્યસ્ત હોય છે જેથી બાળકોને મોબાઇલથી દૂર કરીને એન્જોય કરે અને નેચરની નજીક જઇ શકે તે માટે અમે તેમને સાથે લઇ ગયા હતા. હિંમત કરીને નાના બાળકોને પણ સાથે લઇ ગયા મેઘના ગાંધીએ જણાવ્યું હતું કે, અમે દર વર્ષે ટ્રેકિંગ પર જઇને છીએ પણ આ વર્ષે અમે બાળકોને પણ સાથે લઇ ગયા હતા. મોટા બાળકોનો તો વાંધો નહોતો, પરંતુ હિંમત કરીને નાના બાળકોને પણ સાથે લઇ ગયા હતા. વેકેશનમાં મોબાઇલ અને આઇપેડથી દૂર લઇ જવા માટે અમે તેમને સાથે લઇ ગયા હતા. મારી 15 વર્ષની દીકરી અને 10 વર્ષની દીકરીને સાથે લઇ ગયા હતા અને મારા પતિ પણ સાથે આવ્યા હતા. બાળકોનું બધા સાથે બોન્ડિંગ સારું રહ્યું હતું. છેલ્લા દિવસોમાં તો રોજ 8થી 9 કલાક ચાલવુ પડતું તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આજે બાળકો આવા સાહસ માટે જતાં હોય ત્યારે અગાઉ તેમને માનસિક રીતે સજ્જ કરવા ખૂબ જરૂરી હતા. અમે આ ટ્રેકિંગમાં કયા પડકારો છે તેના વીડિયો બતાવ્યાં હતા. કયા રોમાંચ માણવા મળશે અને કડકડતી ઠંડી પડશે તે સહન કરવી પડશે, જેવી વાતો કરીને તૈયાર કર્યાં હતા. પર્વત પર અનેક મુશ્કેલીઓ વચ્ચે બાળકોએ અમારી સાથે ટ્રેકિંગ કર્યું હતું. ઊંચાઇ પર હવા પાતળી થઇ જાય, જેથી સતત પાણી બાળકોને પીવડાવવું પડતું હતું. ઘણી વખત વાતાવરણ બદલાઇ જતું અને બરફ વર્ષા શરૂ થઇ જતી હતી. અમે 15 દિવસ માટે ગયા હતા. જ્યાં 9 દિવસ ચાલ્યા હતા. શરૂઆતમાં રોજ 4થી 5 કલાક ચાલતા હતા, પરંતુ છેલ્લા દિવસોમાં તો રોજ 8થી 9 કલાક ચાલવુ પડતું હતું.

What's Your Reaction?






