રૂપાખેડામાં નવપરિણીતાનું મોત:લગ્નના 33 દિવસમાં પૂજાબેનનો મૃતદેહ હોસ્પિટલમાં મળ્યો, પરિવારનો હત્યાનો આરોપ
ફતેપુરાના રૂપાખેડા ગામમાં 22 વર્ષીય નવપરિણીતા પૂજાબેનનું શંકાસ્પદ મોત થયું છે. પૂજાબેનના લગ્ન 28 એપ્રિલે ઝાલોદ તાલુકાના ગામડી ગામથી રૂપાખેડાના અક્ષય સુરેશભાઈ વાદી સાથે થયા હતા. લગ્ન બાદ દંપતી મજૂરી માટે બહારગામ ગયું હતું. ત્યાં ઝઘડો થતાં પૂજાબેનને તેના પિયરમાં મૂકી દેવામાં આવ્યા. 28 મેના રોજ પંચોની સમજાવટથી પૂજાબેન સાસરે પરત ફર્યા. 31 મેની રાત્રે લગભગ 1 વાગ્યે અક્ષયના કાકા અમરસિંગભાઈએ પૂજાબેનના પિતાને ફોન કર્યો. તેમણે જણાવ્યું કે પૂજાબેને ગળે ફાંસો ખાધો છે. તેમને સંતરામપુર દવાખાને લઈ જવામાં આવી રહ્યા છે. પિયરપક્ષના લોકો સંતરામપુર પહોંચ્યા ત્યારે સાસરીયાઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. સુખસર પોલીસે તપાસ શરૂ કરી છે. મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. પિયરપક્ષે સાસરીયાઓ પર હત્યાનો આરોપ મૂક્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ આ મોત આત્મહત્યા છે કે હત્યા તે સ્પષ્ટ થશે. પિયરપક્ષે ઘટનાની ઊંડાણપૂર્વક તપાસની માગણી કરી છે.

What's Your Reaction?






