પોરબંદરમાં ત્રણ મોટા કાર્યક્રમોની જાહેરાત:બીચ ક્લીનિંગ, આંબા મનોરથ અને કલા પ્રદર્શન યોજાશે
પોરબંદર શહેરમાં આગામી દિવસોમાં ત્રણ મહત્વપૂર્ણ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. વિશ્વ પર્યાવરણ દિવસ-2025 નિમિત્તે 4 જૂને સવારે 6:30 કલાકે પોરબંદર ચોપાટી ખાતે બીચ ક્લિનિંગ કાર્યક્રમ યોજયો હતો. આ કાર્યક્રમ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, શ્રીરામસી સ્વિમિંગ ક્લબ અને ગુજરાત એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના સંયુક્ત ઉપક્રમે યોજયો હતો. સાંદિપની વિદ્યાનિકેતનના શ્રીહરિ મંદિરમાં 6 જૂને જયેષ્ઠ શુક્લ એકાદશીના દિવસે આંબા મનોરથનું આયોજન થશે. પૂજ્ય રમેશભાઈ ઓઝાના સાન્નિધ્યમાં યોજાનાર આ કાર્યક્રમમાં શ્રીહરિ ભગવાન સહિત સર્વે વિગ્રહોને કેરીનો ભોગ ધરાવાશે. ભક્તો સવારે 8થી 1 અને સાંજે 4:30થી 8 વાગ્યા સુધી દર્શનનો લાભ લઈ શકશે. નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન દ્વારા 6-7-8 જૂન દરમિયાન "પ્રતિબિંબ કલાપર્વ" મેગા આર્ટ શોનું આયોજન થશે. ખીજડી પ્લોટ ગાર્ડન ખાતે યોજાનાર આ પ્રદર્શનમાં સ્થાનિક કલાકારોના ચિત્રો, ફોટોગ્રાફી અને મૂર્તિઓ પ્રદર્શિત થશે. આ કલા પ્રદર્શન ૫ જૂને સાંજે 6:30 વાગ્યે ખુલ્લું મુકાશે.

What's Your Reaction?






