'સુલતાન' ફેમ વરુણ શર્માનો મોટો દાવ:'પારિવારિક મનુરંજન'માં પંકજ ત્રિપાઠી અને અદિતિ રાવ હૈદરીની અનોખી કેમેસ્ટ્રી દેખાડશે, ફિલ્મનું શૂટિંગ શરૂ
પંકજ ત્રિપાઠી અને અદિતિ રાવ હૈદરીની અનોખી જોડી ફેમિલી ફિલ્મ 'પારિવારિક મનુરંજન'માં જોવા મળવાની છે. આ ફિલ્મનું આજથી (5 જૂન) ઉત્તરપ્રદેશના લખનઉમાં શૂટિંગ શરૂ થયું છે. એક 'પરફેક્ટલી મિસમેચ્ડ' જોડી દર્શાવતી આ ફિલ્મ હાસ્ય, પ્રેમ, ધમાલ અને સંગીતથી ભરપૂર હોવાનો દાવો પંકજ ત્રિપાઠી અને અદિતિ રાવ હૈદરી કરી રહ્યા છે. 'પારિવારિક મનુરંજન'માં પ્રથમ વખત પંકજ અને અદિતિ વચ્ચે ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી જોવા મળશે. આ અનોખી સ્ટારકાસ્ટ દરેક પેઢીના દર્શકોને ખુશ કરશે તેવી અપેક્ષા છે. સંસ્કૃતિ, તહેઝીબ (શિષ્ટાચાર), માન-મર્યાદા, ભાષા અને ભોજન માટે જાણીતા લખનઉ શહેરના બેકડ્રોપ પર આધારીત આ ફિલ્મ સિચ્યૂએશનલ કોમેડીને હૃદયસ્પર્શી લાગણીઓ સાથે સહેલાઈથી ભેળવી દેશે. 'વાર્તા એટલી આકર્ષક હતી કે હું ના ન પાડી શક્યો' ફિલ્મ વિશે પંકજ ત્રિપાઠીએ કહ્યું કે, 'સ્ક્રીપ્ટમાં કંઈક એટલું આકર્ષક રીતે સરળ છતાં અનિવાર્યપણે રમુજી હતું કે, હું ના પાડી શક્યો નહીં. આ એવી વાર્તા છે, જે તેની હૂંફથી તમને ધીમેથી સ્પર્શી જાય છે. અદિતિ સાથે કામ કરવાની આ મારી પહેલી તક છે, મેં હંમેશા તેના અભિનય કૌશલ્યની પ્રશંસા કરી છે. ઉપરાંત વરુણ શર્મા, અલી અબ્બાસ ઝફર અને પ્રોડ્યૂસર્સ વિનોદ ભાનુશાલી અને હિમાંશુ મહેરા સાથે સર્જનાત્મક રીતે ભાગીદારી કરવા પણ ઉત્સુક છું, જેઓ આવી વાર્તાને સમર્થન આપી રહ્યા છે.' 'આવી વાર્તા ભાગ્યે જ જોવા મળે છે' અદિતિ રાવ હૈદરીએ કહ્યું, 'સ્ક્રીપ્ટ વાંચતા સમયે હું સતત સ્મિત કરી રહી હતી. આવી વાર્તા ભાગ્યે જ જોવા મળે છે. પરિસ્થિતિઓમાંથી ઉદભવતી કોમેડી, અનઅપેક્ષિત ટ્વિસ્ટ એન્ડ ટર્ન અને સૌથી અગત્યનું વાર્તાના હૃદયમાં રહેલી હૂંફ અને સાદગી મને ખૂબ ગમી. પંકજ સર સાથે કામ કરવું એક ટ્રીટ હશે. તેઓ આ શૈલીના માસ્ટર છે અને મારા માટે શીખવાની આ મોટી તક અને આનંદ બનશે.' 'વાર્તાના મૂળમાં ધમાલ અને હાસ્ય રહેલા છે'- ડિરેક્ટર ડિરેક્ટર વરુણ વી. શર્માએ કહ્યું, 'પારિવારિક મનુરંજનની વાર્તા મારા હૃદયની ખૂબ નજીક છે, જેના મૂળ ધમાલ અને હાસ્યમાં રહેલા છે. પંકજ સર અને અદિતિ પહેલી વાર સાથે આવી રહ્યા છે, અમે સ્ક્રીન પર કંઈક તાજગીસભર, હૂંફાળું, પ્રામાણિક અને રમુજી લાવવા માટે ઉત્સાહિત છીએ.' નોંધનીય છે કે, વરુણ શર્મા ફિલ્મ 'કિલ દિલ' (2014) અને 'સુલતાન' (2016)માં સ્ક્રિપ્ટ સુપરવાઈઝર હતા. જ્યારે એક્શન થ્રિલર ફિલ્મ 'ટાઈગર ઝિંદા હૈ' (2017)માં ચીફ આસિસ્ટન્ટ ડિરેક્ટર રહ્યા હતા. તેમણે 'બંટી ઔર બબલી 2'થી ડિરેક્ટોરિયલ ડેબ્યૂ કર્યું છે. 'પારિવારિક મનુરંજન' દ્વારા ભાનુશાલી સ્ટૂડિયો લિમિટેડ અને AAZ ફિલ્મ્સ ભાગીદારીની શરૂઆત કરી રહ્યા છે. વિનોદ ભાનુશાલી અને હિમાંશુ મહેરા દ્વારા પ્રોડ્યૂસ થયેલી અને અલી અબ્બાસ ઝફર દ્વારા સર્જનાત્મક રીતે નિર્મિત આ ફિલ્મ બ્રિજેન્દ્ર કાલા અને વરુણ શર્માએ લખી છે. જોકે, હજુ ફિલ્મની રિલીઝ ડેટ સહિતની અન્ય વિગતો જાહેર કરવામાં આવી નથી.

What's Your Reaction?






