રાજકોટ ક્રાઇમ ન્યૂઝ:કોલેજીયન યુવતીનો પીછો કરી લગ્ન કરવા દબાણ કરતા યુવાન સહિત 2 સામે FIR
રાજકોટના સ્લમ ક્વાર્ટરમાં રહેતી અને ત્રંબામાં આવેલી આયુર્વેદિક કોલેજમાં અભ્યાસ કરતી કોલેજીયન યુવતીએ આઇટીઆઇમાં અભ્યાસ કરતા એક યુવાન સામે યુનિવર્સિટી પોલીસ મથકમાં છેડતી અને હેરાનગતિની ફરિયાદ નોંધાવી છે. યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, ફરિયાદી પોતાના ઘરેથી પોતાની ત્રંબા આયુર્વેદીક કોલેજ અભ્યાસ માટે સીટી બસમાં બેસી અપડાઉન કરતાં હતા. ત્યારે રઘુરાજસિંહ પરમાર આઈ.ટી.આઈમાં અભ્યાસ કરતો હોવાથી પરીચય કેળવી તેની સાથે બોલચાલના સંબંધ રાખ્યા હતા. જોકે ત્યારબાદ યુવતીને યુવકનું વર્તન યોગ્ય ન લાગતાં સંબંધ તોડી નાખ્યા હતા. આમ છતાં આરોપી અવારનવાર બોલચાલના સંબંધ રાખવા અને લગ્ન કરવા દબાણ કરતો હતો અને એક વખત યુવતીનો હાથ પકડી લીધો હતો. આ યુવાન ઘરેથી કોલેજ સુધી યુવતીનો પીછો કરતો હતો. આ દરમિયાન આ યુવાને તેના મિત્ર હરદેવ સાથે મળી યુવતી અને તેની માતાને બિભત્સ ગાળો આપી હતી અને જો બોલચાલના સંબંધ નહીં રાખે તો યુવતી અને તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાથે જ સમાજમાં બદનામ કરી નાખીશ તેવી ધમકી આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. લોન મંજૂર કરાવવાના નામે પૈસા ઉઘરાવી 2 શખ્સો ફરાર શહેરના કાલાવડ રોડ ઉપર આવેલી વૃંદાવન સોસાયટીમાં સરકારી આવાસમાં રહેતા 48 વર્ષિય લોન એજન્ટ નુરજહાબેન ઓસમાનમિયા કાદરીએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં મુકેશ વાઘેલા અને રાકેશ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, તેને મહિલા ગ્રુપ લોન નામનું પેમ્પલેટ મળ્યું હતું. રૂપિયા 1 કલાક અને 2 લાખની લોન માટે પેમ્પ્લેટમાં બતાવવામાં આવેલા સરનામાં મુજબ નાણાવટી ચોક પાસે આવેલ જાસલ કોમપ્લેક્ષના બીજા માળે ઓફીસ નં.248 માં પહોંચ્યા હતા. જ્યાં આ મહિલાને દર મહિને રૂપિયા 30,000નો પગાર આપશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું અને કસ્ટમર શોધી આપવાનું કહ્યું હતું. જે પછી આ મહિલા 65 કસ્ટમર શોધી લાવી હતી અને કસ્ટમર દીઠ લીધેલા રૂપિયા 10,000 લેખે રૂ.6.50 લાખ ઓફિસ ધારક બંને વ્યક્તિને આપ્યા હતા. જોકે બાદમાં આ બંને શખ્સો ઓફિસના તાળા મારી નાસી ગયા છે. જેથી આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 2 મહિલાને મોલમાંથી ચીજ વસ્તુઓની ચોરી કરવી ભારે પડી શહેરના કાલાવડ રોડ ઉપર આવેલા ક્રિસ્ટલ મોલમાં સ્થિત ડી માર્ટ સ્ટોરમાંથી 2 મહિલા ચીજ વસ્તુઓની ચોરી કરી બેગમાં લઈ જતા ઝડપાઈ જતા બંને સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ડી માર્ટના આસિસ્ટન્ટ મેનેજર વસીમભાઇ મંસુરીએ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, શહેરની શ્રમજીવી સોસાયટીમાં રહેતા મોનાબેન શાહ અને સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે લક્ષ્મણ ટાઉનશીપમાં રહેતા પ્રીતિબેન શાહ તા. 2 ઓગસ્ટના સાંજે 8 વાગ્યે મોલમાં આવ્યા હતા અને મોલમાંથી બહાર નીકળી રહ્યા હતા. ત્યારે બંને મહિલાનું બેગ ચેક કરવામાં આવ્યું હતું ત્યારે બેગમાંથી 15 ચીજ વસ્તુઓ નીકળી હતી. જેની કિંમત રૂ.5142 થતી હતી, જો કે આ મહિલાઓ દ્વારા તેનું બિલ બનાવવામાં આવ્યું ન હતું. જેથી બંને સામે ચોરીની ફરિયાદ નોંધાઈ છે. સુરેન્દ્રનગરનો ફરાર આરોપી રાજકોટમાંથી ઝડપાયો સુરેન્દ્રનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં B.N.S. કલમ 78(1) (ii), 248(a), 336(4), 308(2), 308(5), 340(2), 221, 54 મુજબના ગુનાના કામે ઋતુરાજભાઈ લાલજીભાઇ આલ (ઉ.વ. 36, રહે. ચોકડી, ચુડા, સુરેન્દ્રનગર) નામનો આરોપી છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો હતો. જે રાજકોટમાં જિલ્લા પંચાયત ચોક પાસે ઊભો હોવાની બાતમી રાજકોટ એ-ડિવિઝન પોલીસની ટીમને મળતા પોલીસથી પહોંચી ગઈ હતી અને આ શખ્સને ઝડપી લીધો હતો. બાદમાં તેને સુરેન્દ્રનગર એસ.ઓ.જી. બ્રાંચને સોંપવા તજવીજ હાથ ધરી હતી. પતિને પડોશી સહિત ત્રણ શખ્સોએ માર માર્યો સંદીપસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.24, રીક્ષા ડ્રાઇવીંગ, રહે. રામધામ સોસાયટી, રતનપર, મોરબી રોડ,રાજકોટ) એ કુવાડવા રોડ પોલીસ મથકમાં પડોશી રવિરાજસિંહ પરમાર, બદુભાઇ તથા જયદીપભાઇ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, પત્નિ તેમની સામે રહેતા રવિરાજસિંહના ઘર પાસે બેસવા જતા હોવાનું પસંદ ન હતું. જેથી 2 ઓગસ્ટના બપોરે રવિરાજસિંહના માતાને મારા પત્નીને અહિ સુકામ બેસવા દયો છો તેવું કહેતા રવિરાજસિંહ અને તેની સાથેના 2 શખ્સોએ પ્લાસ્ટિક અને લોખંડના પાઇપ તેમજ લાકડાના ધોકા વડે શરીર અને ગુપ્ત ભાગે માર માર્યો હતો. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. કંપનીની કોપી કરી વેચાણ કરતા ત્રણ વેપારી સામે ફરિયાદ રાજકોટના કુવાડવામાં Pidilite Industries Limited કંપનીની ફેવિક્વિકના પેકેટ ઉપર લોગો, લખાણ, ચિત્રોની કોપી કરી વેચાણ કરતા ત્રણ વેપારી સામે કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં નોઇડાની આ કંપનીમાં નોકરી કરતા નિશ્ચય જૈને જણાવ્યું છે કે, કુવાડવાના વેપારી પરેશ સોજીત્રાએ ખોડીયાર સેલ્સ એજન્સીમાં રૂ.980ની કિંમતની 196, રમેશ ધોણીયાએ જય બાલાજી સેલ્સ એજન્સીમાં રૂ.1120ની કિંમતની 224 અને હિત સુદાણીએ આઇ ખોડલ પાન એન્ડ કોલ્ડ્રીંક્સમાં 225ની કિંમતની 45 એમ કુલ રૂ. 2325ની કિંમતની 465 ફેવિક્વિકમાં કોપી કર્યું હતું.

What's Your Reaction?






