ક્રાઇમ અને કોર્ટ ડ્રામાથી ભરેલી રોમાંચક વેબસીરીઝ:'ક્રિમિનલ જસ્ટિસ 4'માં પંકજ ત્રિપાઠીની એક્ટિંગ પકડી રાખશે, અડધી સિઝન રીલિઝ કરી ફેન્સની આતુરતા વધારી
એક્ટર પંકજ ત્રિપાઠી ફરી એકવાર માધવ મિશ્રા બનીને કોર્ટમાં પરત ફર્યા છે. આ વખતે OTT પ્લેટફોર્મ JioCinema પર સીરીઝના માત્ર પહેલા 3 એપિસોડ જ રિલીઝ થયા છે.આટલાં ઓછા એપિસોડ્સમાં એક જટિલ અને ભાવનાત્મક કેસ દર્શાવવાનો નિર્ણય જોખમી હતો. તેનાથી દર્શકોને કંઇક ખુટતું હોય તેવું લાગી શકે છે. જોકે, આગળના એપિસોડ્સને લઈને ઉત્સુકતા અકબંધ રહે છે. દિવ્ય ભાસ્કરે આ સીરીઝને 5માંથી 3.5 સ્ટાર રેટિંગ આપ્યું છે. સીરીઝનો પ્લોટ શું છે? જાણીતા સર્જન ડૉ. રાજ નાગપાલ (મોહમ્મદ ઝીશાન અય્યુબ) પર તેની પ્રેમિકા રોશની સલૂજા (આશા નેગી)ની હત્યાનો આરોપ છે. આ મામલો મીડિયાની હેડલાઇન્સમાં છે, પોલીસ પુરાવા એકઠા કરે છે, પરંતુ ત્યારે માધવ મિશ્રા (પંકજ ત્રિપાઠી)ની એન્ટ્રી થાય છે, જે કેસને અલગ દૃષ્ટિકોણથી જોવાનું શરૂ કરે છે. જેમ જેમ કેસ આગળ વધે છે, તેમ તેમ ઘણા પાત્રો શંકાના દાયરામાં આવે છે. વાર્તા એવી છે કે, દરેક એપિસોડ પછી દર્શકો વિચારતા રહી જાય છે: શું જે વ્યક્તિને બધા લોકો દોષિત માને છે, તે ખરેખર દોષિત છે? સ્ટાર કાસ્ટની એક્ટિંગ કેવી છે? માધવ મિશ્રા તરીકે પંકજ ત્રિપાઠી હંમેશાની જેમ, દરેક સીનમાં પોતાની રમુજી, દેશી અને રહસ્યમય શૈલીથી દર્શકોને જકડી રાખે છે. આ સીરીઝમાં મોહમ્મદ ઝીશાન અયુબે રાજ નાગપાલની ભૂમિકા ભજવી છે. તેના પાત્રમાં મૂંઝવણ, પીડા અને બેચેની છે. જોકે, કેટલાક ઇમોશનલ સીન્સમાં વધુ ઊંડાણ દર્શાવી શકાયું હોત. આશા નેગીએ રોશની સલુજાની ભૂમિકા ભજવી છે. ઓછો સ્ક્રીન ટાઇમ હોવા છતાં, એક્ટ્રેસે એક આત્મનિર્ભર અને ભાવુક યુવતીનું પાત્ર અસરકારક રીતે ભજવ્યું છે. રાજની પત્ની બનેલી સુરવીન ચાવલાનું પાત્ર મૌન છે, છતાં ઘણું બધું કહી જાય છે. જોકે, સ્ક્રીપ્ટ તેના પાત્રને થોડો વધુ વિસ્તાર આપી શકતી હતી. પીડિત પક્ષના પ્રાઇવેટ પ્રૉસિક્યૂટર લેખાનું પાત્ર ભજવતી શ્વેતા બાસુ પ્રસાદનો આત્મવિશ્વાસ અને કોર્ટમાં આક્રમક શૈલી તેના પાત્રમાં જીવ રેડી દે છે. લેખાનું પાત્ર દર્શાવે છે કે જ્યારે અંગત લાગણીઓ ન્યાયની લડાઈમાં પ્રવેશ કરે છે, ત્યારે ન માત્ર કાયદો, પણ માણસાઈ પણ દાવ પર લાગે છે. માધવની સામે તેની ટક્કર સીરીઝને એક અલગ ધાર આપે છે. બાકીના કલાકારોમાં મીતા વશિષ્ઠ અને ખુશ્બુ અત્રેએ પણ પોતાના પાત્રોને ખૂબ જ પ્રામાણિક્તાથી ભજવ્યાં છે. ડિરેક્શન અને ટેકનિકલ પાસું કેવું છે? ડિરેક્ટર રોહન સિપ્પીએ વાર્તાને ભાવનાત્મક અને કાનૂની ડ્રામા વચ્ચે સંતુલિત કરવાનો પ્રયાસ કર્યો છે. માધવની એન્ટ્રી, કોર્ટમાં દલીલબાજી અને કેસના લેયર્સ ખોલવાના સીન્સ સારા છે, પરંતુ કેટલાક ટર્નિંગ પોઈન્ટ્સમાં તણાવ અને ડ્રામા નબળો પડી જાય છે. એપિસોડ્સ ખૂબ જ ટાઇટ છે, પરંતુ કેટલીક જગ્યાએ સીન્સ ઉતાવળે પૂરા કરવામાં આવ્યા હોય તેવું લાગે છે, જેના કારણે અસર થોડી નબળી પડે છે. સંવાદોમાં ચોકસાઈ છે, જે ક્યારેક હળવા તો ક્યારેક તીક્ષ્ણ લાગે છે. પટકથા (સ્ક્રીન પ્લે) ક્યારેક ખૂબ જ છીછરી રહે છે, ઊંડાણ અને ટ્રીટમેન્ટ વધુ સારી આપી શકાઈ હોત. કેમેરાએ લાગણીઓ અને કોર્ટની ગંભીરતાને ખૂબ સારી રીતે કેપ્ચર કર્યું છે. ખાસ કરીને ક્લોઝ શોટ્સ ખૂબ જ અસરકારક છે. મ્યૂઝિક કેવું છે? બેકગ્રાઉન્ડ સ્કોર સીનને અનુરૂપ છે પરંતુ કેટલીક ક્ષણોમાં વધુ રોમાંચ અને લાગણી ઉમેરી શકાઈ હોત. સીરીઝનું ફાઇનલ વર્ડિક્ટ, જોવી જોઈએ કે નહીં? આ સીરીઝની શરૂઆત રસપ્રદ અને સંવેદનશીલ રીતે થાય છે. કેસમાં સસ્પેન્સ છે, પાત્રોમાં તણાવ છે અને કોર્ટમાં દલીલો કડક છે. ઓછા એપિસોડની મર્યાદાએ શોની ભાવનાત્મક પકડ થોડી નબળી પાડી છે પરંતુ અભિનય અને વળાંકો શોને જીવંત રાખે છે.

What's Your Reaction?






