'સફળતાના નશાએ મને દારૂડિયો બનાવી દીધો હતો':જોની લીવરે ખુલાસો કર્યો- 'ચોપાટીએ દારૂ પીને પડ્યો હોઉં, ત્યારે પોલીસ ઘરે મુકવા આવતી'
કોમેડિયન જોની લીવર તાજેતરમાં જ કોમેડિયન સપન વર્માના યુટ્યુબ શોમાં તેમની દીકરી જેમી લીવર સાથે દેખાયા હતા. વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે, તેઓ દિવસે ફિલ્મોનું શૂટિંગ કરતા હતા અને રાત્રે સ્ટેજ પર્ફોર્મન્સ આપતા હતા. આ બધા વચ્ચે તેઓ ખૂબ દારૂ પીતા હતા. જોનીએ કહ્યું કે, 'હું સવારે 4 વાગ્યા સુધી ચોપાટી પર બેસીને દારૂ પીતો હતો. ઘણી વાર પોલીસ આવતી, પણ જ્યારે તેઓ મને ઓળખી લેતા, ત્યારે તેઓ કહેતા- અરે જોની ભાઈ અને તેઓ મને તેમની કારમાં બેસાડતા, જેથી હું સુરક્ષિત રહી શકું.' જોનીએ કહ્યું કે, 'સતત કામ અને દારૂ પીવાથી મારું શરીર થાકી જતું હતું. છતાં પણ હું પરફોર્મ કરતો હતો.' તેમણે કહ્યું કે, 'હું લોકોને કહું છું કે મર્યાદામાં પીઓ. મેં મર્યાદા ઓળંગી દીધી હતી. હું દારૂડિયા બની ગયો હતો. આ બધું કરવાનો કોઈ ફાયદો નથી.' જોનીએ 24 વર્ષથી સંપૂર્ણપણે દારૂ છોડી દીધો જોની લીવરે એમ પણ કહ્યું કે, સફળતાનો નશો તેના માથામાં ચઢી ગયો હતો. જોનીએ કહ્યું, એક સમય હતો, જ્યારે મારા વગર કોઈ ફિલ્મ બનતી નહોતી. હું સતત આંતરરાષ્ટ્રીય શો કરતો હતો, દેશ-વિદેશમાં ફરતો હતો. તેમાં હું મારી જાતને ખોઈ બેઠો. જોનીએ કહ્યું કે, 'મેં 24 વર્ષ પહેલાં દારૂ છોડી દીધો હતો અને ત્યારથી એક પણ વાર દારૂ પીધો નથી.' આ વર્ષે જોનીની ત્રણ ફિલ્મો રિલીઝ થઈ છે, જેમાં 'બેડ એસ રવિ કુમાર', 'બી હેપ્પી' અને 'હાઉસફુલ 5'નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 'વેલકમ ટુ ધ જંગલ' પણ રિલીઝ થવા જઈ રહી છે, પરંતુ તેની રિલીઝ તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી.

What's Your Reaction?






