મિસ વર્લ્ડ 2025નો તાજ થાઇલેન્ડની ઓપલ સુચાતાના શિરે:નંદિની ગુપ્તા છેલ્લા બે પડાવ ચૂકી, ભારતનું 7મું ટાઇટલ આવતાં આવતાં રહી ગયું
થાઇલેન્ડનાં ઓપલ સુચાતા ચુઆંગશ્રીએ પ્રતિષ્ઠિત મિસ વર્લ્ડ 2025નો તાજ જીતી લીધો છે. શનિવારે હૈદરાબાદના HITEX એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાયેલા ફાઇનલમાં મિસ વર્લ્ડ 2024 ક્રિસ્ટીના પિસ્ઝકોવાએ તેમને તાજ પહેરાવ્યો. આ સ્પર્ધામાં મિસ ઇથોપિયાને પ્રથમ રનર-અપ (બીજો ક્રમાંક), મિસ પોલેન્ડ સેકન્ડ રનર-અપ (ત્રીજો ક્રમાંક) અને મિસ માર્ટિનિક (ચોથો ક્રમાંક) પ્રાપ્ત કર્યો છે. દુનિયાની સૌથી મોટી સૌંદર્ય સ્પર્ધા મિસ વર્લ્ડની ફાઇનલ શનિવારે હૈદરાબાદમાં સાંજે તેલંગાણાના HITEX એક્ઝિબિશન સેન્ટર ખાતે શરૂ થઈ હતી. ભારતની નંદિની ગુપ્તાએ વિશ્વભરના 108 દેશોના સ્પર્ધકો વચ્ચે ટૉપ-20માં સ્થાન મેળવ્યું હતું. જોકે, તેણી ટૉપ-8ની રેસમાંથી બહાર નીકળી ગઈ હતી. 72મા મિસ વર્લ્ડ સ્પર્ધાના નિર્ણાયક પેનલમાં એક્ટર સોનુ સૂદનો સમાવેશ થયો હતો, જેમને મિસ વર્લ્ડ હ્યુમેનિટેરિયન એવોર્ડ પણ મળ્યો. બ્યુટી વિથ અ પર્પઝ માટે 2025 ગ્લોબલ એમ્બેસેડર સુધા રેડ્ડી પણ જજ હતા. 2014 મિસ ઇંગ્લેન્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીના પબ્લિક હેલ્થ ફિઝિશિયન ડૉ. કેરીના તુરેલ પણ પેનલમાં હતા. જ્યુરીનું નેતૃત્વ મિસ વર્લ્ડના અધ્યક્ષ જુલિયા મોર્લી સીબીઇએ કર્યું હતું. ભૂતપૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર, એક્ટર રાણા દગ્ગુબાતી અને નમ્રતા શિરોડકર પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. એક્ટર અને રાજકારણી ચિરંજીવી પણ મિસ વર્લ્ડ 2025ના ફાઇનલમાં હાજર રહ્યા હતા. ભારતમાં સતત બીજા વર્ષે મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. 2024માં 71મા મિસ વર્લ્ડ સ્પર્ધા મુંબઇમાં યોજાઇ હતી. જેમાં ચેક રિપબ્લિકના ક્રિસ્ટીના પિસ્ઝકોવાને મિસ વર્લ્ડનો તાજ જીત્યો હતો. નોંધનીય છે કે, મિસ વર્લ્ડના 72 વર્ષના ઇતિહાસમાં અત્યારસુધી 6 ભારતીયએ આ ખિતાબ જીત્યો છે, જેમાં રિતા ફારિયા, ઐશ્વર્યા રાય, પ્રિયંકા ચોપરા, યુક્તા મુખી, ડાયના હેડન અને માનુષી છિલ્લરનો સમાવેશ થાય છે.

What's Your Reaction?






