શિક્ષક પિતાનો બે પુત્ર સાથે સામૂહિક આપઘાત કેસ:પત્ની અને પ્રેમીના રિમાન્ડ નામંજૂર, જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા; બંને સામે જિલ્લા પંચાયત કચેરીમાં રિપોર્ટ કરાશે
સુરતમાં થોડા સમય પહેલા એક હૃદયદ્રાવક ઘટના બની હતી, જ્યાં એક શિક્ષકે પોતાના બે પુત્રોની હત્યા કર્યા બાદ પોતે આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનામાં મૃતક શિક્ષક અલ્પેશભાઈની પત્ની ફાલ્ગુની અને તેના પ્રેમી નરેશ રાઠોડની સંડોવણી બહાર આવતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી. જ્યારે કોર્ટે ઉમરા પોલીસ દ્વારા માંગવામાં આવેલા પાંચ દિવસના રિમાન્ડ નામંજૂર કરી, બંને આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. બીજી બાજુ બને સરકારી કર્મચારી હોવાથી ઉમરા પોલીસ બંને સામે થયેલા કેસ અંગે જિલ્લા પંચાયત કચેરીમાં રિપોર્ટ કરાશે. આ પણ વાંચો: ફાલ્ગુનીએ રડતાં-રડતાં કબૂલ્યું, 'મારી ભૂલ થઈ ગઈ સાહેબ':સોલંકી પરિવાર ફરવા જતો ત્યારે નરેશ પણ સાથે આવતો, અલ્પેશે ત્રણ વીડિયો બનાવ્યા બે પુત્રોને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી અલ્પેશભાઈ નામના શિક્ષકે પોતાના જ ઘરમાં પોતાના બે માસૂમ પુત્રોને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. આ કરુણ ઘટના પાછળ અલ્પેશભાઈની પત્ની ફાલ્ગુનીના અન્ય પુરુષ સાથેના સંબંધો કારણભૂત હોવાનું બહાર આવ્યું હતું. મૃતકે પોતાની સુસાઈડ નોટ અને ડાયરીમાં આ અંગે વિગતવાર ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેણે પોતાની વેદના વ્યક્ત કરી હતી અને પોતાની પત્ની અને તેના પ્રેમીને જવાબદાર ઠેરવ્યા હતા. પોલીસ તપાસમાં ફાલ્ગુની અને તેના પ્રેમી નરેશ રાઠોડની ભૂમિકા સ્પષ્ટ થતાં પોલીસે બંનેની ધરપકડ કરી હતી. પોલીસે રિમાન્ડની માંગણી કરી ધરપકડ બાદ ઉમરા પોલીસે ફાલ્ગુની અને નરેશ રાઠોડને આજે કોર્ટમાં રજૂ કર્યા હતા અને પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. પોલીસનું કહેવું હતું કે, આ કેસમાં ઘણા પાસાઓ પર તપાસ બાકી છે. પોલીસે કોર્ટમાં દલીલ કરી હતી કે, અલ્પેશભાઈએ પોતાની ડાયરીમાં જે વિગતો લખી છે તે અંગે બંને આરોપીઓની પૂછપરછ કરવી જરૂરી છે. ખાસ કરીને, અલ્પેશભાઈ અને ફાલ્ગુની-નરેશ વચ્ચે છેલ્લા સમયમાં શું વાતચીત થઈ હતી, નરેશે અલ્પેશભાઈને કોઈ ધમકી આપી હતી કે કેમ, અને આ સમગ્ર ઘટનાક્રમ પાછળનું સાચું કારણ શું હતું તે જાણવા માટે પોલીસને રિમાન્ડની જરૂર છે. પોલીસ આક્ષેપ કરી રહી હતી કે, બંને આરોપીઓ પાસેથી આ ઘટના સાથે જોડાયેલી ઘણી ગુપ્ત માહિતી મેળવવાની છે. કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા જોકે, કોર્ટે પોલીસની દલીલોને ધ્યાનમાં લીધા બાદ પણ પાંચ દિવસના રિમાન્ડની માંગણી નામંજૂર કરી હતી. કોર્ટે ફાલ્ગુની અને નરેશ રાઠોડને પોલીસ કસ્ટડીને બદલે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ આપ્યો હતો. પોલીસનું આગામી પગલું ઉમરા પોલીસે જણાવ્યું છે કે, ભલે કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા હોય, પરંતુ આ કેસની તપાસ ચાલુ રહેશે. પોલીસે જણાવ્યું કે તેઓ બંને આરોપીઓની ધરપકડ અંગે જિલ્લા પંચાયત કચેરીમાં જાણ કરશે. આ ઉપરાંત, પોલીસ દ્વારા અલ્પેશભાઈની ડાયરી અને અન્ય પુરાવાના આધારે તપાસ આગળ ધપાવવામાં આવશે.

What's Your Reaction?






