કાયદો હાથમાં લઈ જાહેરમાં ધોલાઈ, LIVE દૃશ્યો:વડોદરામાં બ્રિજ પર પાર્ક કરેલી કારને પાછળથી ટક્કર મારનાર એક્ટિવાચાલકને કારમાંથી ઊતરેલા લોકોએ ઢીબી નાખ્યો, 4 સામે ફરિયાદ
વડોદરા શહેરની દરબાર ચોકડી પાસે આવેલા બ્રિજ પર પાર્ક કરેલી કારને એક્ટિવા ચાલકે પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતને પગલે કારમાંથી ઉતરેલી મહિલા અને પુરુષોએ મળીને એક્ટિવા ચાલકને ઢીબી નાખ્યો હતો. કારમાંથી ઉતરેલા લોકોએ રીતસરનો કાયદો હાથમાં લઇ લીધો હોય તેવા દૃશ્યો વીડિયોમાં જોવા મળ્યા હતા. આ સમયે લોકોનુ ટોળુ એકત્રિત થઇ ગયુ હતુ અને યુવકને વધુ મારથી બચાવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ અંગેની જાણ થતાં માંજલપુર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને જાહેરમાં મારામારી કરીને ભયનું વાતાવરણ ઊભુ કરવા બદલ કારમાં બેઠેલા ત્રણ તેમજ એક્ટિવા ચાલક સહિત 4 લોકો સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે ફરિયાદી બની ચાર સામે ગુનો નોંધ્યો વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે, આરોપી ભાવિન કાંતિભાઇ મનાણી (રહે. કિર્તીધામ સોસાયટી, જીવરાજપાર્ક, અમદાવાદ), પરેશ ગિરધરભાઇ ટાંક (ઉં.વ.42), (રહે. આધ્યાઓરા-2, સેવાસી ગામ, ગોત્રી વડોદરા), જાનકી પરેશભાઈ ટાક (ઉં.વ.40), (રહે. આધ્યાઓરા-2, સેવાસી ગામ, ગોત્રી વડોદરા) અને વિજયભાઇ રામચંદ્ર ઘોઘવાલે (રહે. ઓમ રેસિડેન્સી, અટલાદરા વડોદરા)એ ન્યૂ માંજલપુર બ્રિજ ઉપર અકસ્માત બાદ બખેડો કરીને ભયનું વાતાવરણ ઉભુ કર્યું હતું. તમામે ઝઘડો કરીને છુટ્ટાહાથની મારામારી કરી હતી અને જાહેરમાં સુલેહ શાંતિનો ભંગ કર્યો હતો, જેથી ચારેય આરોપી સામે સરકાર તરફે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બધા બહેનો અને ભાઇઓએ મળીને મને માર્યોઃ વિજય 57 વર્ષીય એક્ટિવા ચાલક વિજય રામચંદ્ર ઘોઘવાલેએ જણાવ્યું હતું કે, તે લોકોએ બ્રિજ પર પાર્કિંગ લાઇટ ચાલુ રાખીને કાર ઉભી રાખી દીધી હતી. પછી મારી એક્ટિવા તેમની કારની પાછળ અથડાઇ હતી, એટલે આ બધા મને મારવા માટે ફરી વળ્યા છે. બધા બહેનો અને ભાઇઓએ મળીને મને માર્યો છે. આ મારી એક્ટિવા તૂટેલી પડી છે. એમનો વાંક હોવાથી તેમની કાર સ્થળ પરથી હટાવી લીધી છે. આ ઉપરાંત સ્થાનિકોએ જણાવ્યું હતું કે, મહિલાઓ અને પુરુષોએ મળીને આ માણસને માર માર્યો હતો અને દાદાગીરી કરી હતી. એક્ટિવાએ કારને ટક્કર મારચા બે બાળકોને ઈજા પહોંચીઃ મહિલા કારમાં બેઠેલા મહિલાએ જણાવ્યું હતું કે, અમે પાર્કિંગ લાઇટ ચાલુ રાખીને બ્રિજ પર ઉભા હતા અને આ સમયે એક્ટિવા ચાલક ફૂલ સ્પીડમાં આવ્યો હતો અને અમારી કારને ટક્કર મારી હતી. કારમાં અમારા બે બાળકો બેઠા હતા, તેમને વાગ્યું છે. અકસ્માત બાદ એક્ટિવા ચાલક અમને ધક્કા મારવા લાગ્યા હતા, જેથી અમારા ઘરના મહિલાને વાગ્યું છે અને લોહી નિકળવા લાગ્યું છે. વડોદરામાં અકસ્માત-મારામારીની ધટનામાં વધારો ઉલ્લેખનિય છે કે, વડોદરા શહેરમાં છેલ્લા 3 મહિનાથી અકસ્માતોની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે અને અકસ્માત બાદ મારામારીની ઘટનાઓ પણ બને છે. કેટલાક લોકો કાયદો હાથમાં લઇને મારામારી કરે છે. કેટલાક લોકો વાહન સ્પીડમાં ચલાવીને લોકોના જીવ પણ જોખમમાં મૂકે છે, ત્યારે પોલીસ આ મામલે કાર્યવાહી કરે તે જરૂરી છે.

What's Your Reaction?






