સુરત ક્રાઇમ ન્યૂઝ:દુબઈ રીટર્ન મહિલાને કેનેડાના વર્ક વિઝા કરાવવાનું ભારે પડ્યું, પૂર્વ પ્રેમિકાના પુત્રનું અપહરણ કરીને ખંડણી માંગનાર ઝડપાયો
સુરતના મોટા વરાછાની દુબઈ રીટર્ન મહિલાને કેનેડાનું વર્ક વિઝા કરાવવાનું ભારે પડી ગયું હતું. ઇન્સ્ટાગ્રામ પર લોભામણી જાહેરાત જોઈ વેસુના સ્કાઈ મેકોન ઇમિગ્રેશનના સંપર્કમાં આવેલી રંજનબેન શામજીભાઈ તળાવીયા નામની મહિલાને અંકિતા વિકાસ મિસ્ત્રી, જેનીલ શૈલેષ પ્રજાપતિ અને રાજેશ શાહ નામના સંચાલકોએ કુલ 25 લાખ રૂપિયા પડાવી છે. દુબઈમાં એકાઉન્ટ મેનેજર તરીકે કામ કરનાર રંજનબેન જાન્યુઆરી 2025માં ઘરે હતાં, ત્યારે તેઓએ કેનેડાના વર્ક વિઝા માટે ઇન્સ્ટાગ્રામ પર કંપનીનો સંપર્ક કર્યો હતો. કંપનીના વેસુ સ્થિત ઓફિસે પતિ સાથે મળવા ગયા હતા જ્યાં તેમને એક કલાકના 72.45 કેનેડિયન ડોલરનું પગાર, મેડિકલ અને ઇન્સ્યુરન્સની લાલચ આપી કામગીરી શરૂ કરવામાં આવી હતી. ફરિયાદ પ્રમાણે, થોડા સમય બાદ રંજનબેનને વિઝાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવાનું કહી ટુકડાઓમાં 25 લાખ રૂપિયા ભરાવ્યા હતા અને પાસપોર્ટ પણ લઇ લેવાયો હતો. તેમજ ટિકિટ ટૂંક સમયમાં મળશે તેમ કહી મોબાઈલ બંધ કરી દેવામાં આવ્યા હતા. જ્યારે નિયમિત સંપર્ક કરતા કોઈ જવાબ ન મળતાં અને ઓફિસ પણ બંધ થતાં રંજનબેનને ઠગાઈની શંકા ગઈ હતી. બાદમાં વેસુ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આરોપી અંકિતા મિસ્ત્રી, જેનીલ પ્રજાપતિ અને રાજેશ શાહ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પૂર્વ પ્રેમિકાના પુત્રનું અપહરણ કરીને ખંડણી માંગનાર ઝડપાયો સુરતના ઉત્રાણ વિસ્તારમાં યુપીના યુવકે પરિણીતાના પુત્રનું અપહરણ કરીને ખંડણી માંગતા હડકંપ મચી ગયો હતો. મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી સલમાન મુઝજફર નામનો યુવક પહેલા યૂપીમાં રહેતી પરિણીતાને પ્રેમ કરતો હતો. પરિણીતાના ત્યાં લગ્ન થઈ જતા, ત્યારબાદ પણ પ્રેમ સંબંધ ચાલુ રહ્યો હતો. જોકે જ્યારે પરિણીતાનું સ્થળાંતર થઈને તે પતિ સાથે સુરત આવી ગઈ, ત્યારબાદ તેણે સલમાન સાથે સંબંધ તોડી નાખ્યા હતા. એથી નારાજ થયેલા સલમાને સુરત આવી દબાણ શરૂ કર્યુ. સંતોષ ન મળતા, એક દિવસ તેનું સાત વર્ષનું બાળક વડાપાવ ખવડાવવાનો બહાનો બનાવીને સાથે લઈ જતાં તેનું અપહરણ કરી લીધો અને પત્નીને ધમકી આપી કે, જો સંબંધમાં ન આવો તો બાળકને મારી નાખીશ, અને 10,000ની ખંડણી પણ માગી હતી. આ અંગે પતિએ તરત ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મોબાઈલ નંબરના આધારે તપાસ શરૂ કરી હતી. કુશળ કામગીરી હેઠળ મળેલા લોકેશનના આધારે કતારગામ વિસ્તારમાં તપાસ શરૂ કરીને અંતે આરોપી સલમાન મુઝજફરભાઈ હુસેન (ઉ.વ.29), રહેવાસી મોહમ્મદ મુનિરભાઈના ગોડાઉન, સરદાર હોસ્પિટલ નજીક, વેડ રોડ, મૂળ યુ.પી.ને ઝડપી લીધો હતો. તેની પાસેથી બાળકને હેમખેમ બચાવી લેવામાં આવ્યો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપી સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કરોડોનું બુકિંગ લીધા બાદ બિલ્ડરોએ હાથ ખંખેર્યા સિટીલાઈટ વિસ્તારમાં રહેતા બિલ્ડર ભરત મોહન ભારવાણી અને દલાલ વિજય સામે ખટોદરા પોલીસે બે અલગ ફરિયાદો દાખલ કરી છે. આરોપ છે કે દમણના કથીરીયા ગામે “સ્કાય ડેક” નામે શરૂ કરાયેલા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં ભ્રમમાં મૂકીને કરોડો રૂપિયા ફલેટ બુકિંગના નામે ઉઘરાવ્યા બાદ પ્રોજેક્ટ પૂર્ણ કરવો રહેતો મૂક્યો હતો. ઉમરાગામના નવ પલ્લવ બંગલોઝમાં રહેતા અશોકભાઈ સોપારીવાલાએ પોતાની અને પત્ની અરૂણાબેનના નામે સાત ફ્લેટ બુક કરાવી તેના બદલામાં રૂપિયા 1,75,00,000 ચૂકવ્યા હતા, જ્યારે ઘોડદોડ રોડના આધાર શીલા એપાર્ટમેન્ટમાં રહેતા જયેશકુમાર દલાલે બે ફ્લેટ માટે રૂપિયા 22,22,000 ભરી આપ્યા હતા. બિલ્ડર ભારવાણી અને દલાલ વિજયે પૈસા લઈ લેતા કબજા રસીદ તો આપી હતી, પરંતુ પ્રોજેક્ટ પૂરું ન કરતાં રોકાણકારોના રૂપિયા ફસાયા હતા. ઘણા સમય સુધી રાહ જોવાઈ છતાં કોઈ નિરાકરણ ન આવતા બંને રોકાણકારોએ ખટોદરા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ફરિયાદોને આધારે મોનાલીસા પાર્ક, સિટીલાઈટના રહેવાસી ભરત મોહન ભારવાણી અને તેના સાથી વિજય વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

What's Your Reaction?






