મોરબીમાં ઓપરેશન શિલ્ડની સિવિલ ડિફેન્સ મોકડ્રિલ:વાંકાનેર નજીક સિરામિક એકમમાં ડ્રોન એટેક અને શહેરમાં બ્લેક આઉટ
મોરબી જિલ્લામાં સરકારના ઓપરેશન શિલ્ડ અંતર્ગત સિવિલ ડિફેન્સ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. વાંકાનેર નજીક આવેલા સિરામિક એકમમાં સાંજે 5 વાગ્યે ડ્રોન એટેકની મોકડ્રીલ યોજવામાં આવી હતી. સિનારિયો મુજબ, સિરામિક એકમ પર ડ્રોન એટેક થતાં આગ લાગી હતી અને કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા. આપાતકાલીન સાયરન વાગતાં જ કર્મચારીઓ સચેત થઈને એકમની બહાર નીકળી ગયા હતા. જિલ્લા કંટ્રોલ રૂમને તરત જ જાણ કરવામાં આવી હતી. ઢુવા અને પાડધરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ સૌથી પહેલા ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ, વાંકાનેર સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટર પણ પહોંચ્યા હતા. ફાયર ફાઈટરે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. સામાન્ય ઈજાગ્રસ્તોને ઢુવા અને પાડધરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. ગંભીર ઈજાગ્રસ્તોને વાંકાનેર સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અન્ય કર્મચારીઓને એન.એચ.એ.આઈ.ના ટોલ પ્લાઝા ખાતેના આશ્રયસ્થાનમાં ખસેડવામાં આવ્યા હતા. રાત્રે 8થી 8:30 દરમિયાન વાંકાનેર શહેરમાં બ્લેક આઉટનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના મોટાભાગના વિસ્તારોમાં લોકોએ પોતાના ઘર, દુકાન અને કારખાનાઓમાં તમામ લાઈટો બંધ રાખીને સહકાર આપ્યો હતો.

What's Your Reaction?






