'મોટા પપ્પા BJPમાં છે, એટલે પોલીસ ફરિયાદ નથી લેતી':પાટીદાર દીકરીએ રડતાં રડતાં કહ્યું, પિતાની હત્યા કરી હશે, મમ્મીને હેરાન કરે છે, રાજકારણમાં હોય તો કોઈનો પણ જીવ લઈ શકો?
રાજકોટમાં એક પાટીદાર સમાજની વિધવા મહિલાને તેનાં જ પરિવારજનો દ્વારા હેરાનપરેશાન કરવામાં આવી રહી હોવાનો મામલો સામે આવ્યો છે. મુંબઈમાં રહેતી દીકરી ક્રિસ્ટીના પટેલે રડતાં રડતાં સોશિયલ મીડિયામાં વીડિયો અપલોડ કરી ન્યાયની માગ કરી છે. તેમજ આ અંગે રાજકોટ પોલીસ કમિશનરને અરજી પણ કરી છે. ક્રિસ્ટીનાના માતા અંજુબેન પરેશભાઈ અમૃતિયાએ પોલીસ કમિશનરને કરેલી અરજીમાં આનંદ દિનેશ અમૃતિયા, દિનેશ અમૃતભાઈ અમૃતિયા, બિપિન અમૃતિયા અને અશોક અમૃતિયાના નામ આપ્યા છે. ક્રિસ્ટીનાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા વીડિયોમાં કહ્યું છે કે મોટા પપ્પા ભાજપમાં છે, માટે પોલીસ ફરિયાદ નથી લેતી અને રાજકારણમાં હોય તો તમે શું કોઈને મારી પણ નાખી શકો છો.? રાજકારણનો આવો ખરાબ ફાયદો ન ઉઠાવવો જોઈએ, હવે તો મને એવું લાગી રહ્યું છે કે આ લોકોએ જ મારા પપ્પા(પરેશ અમૃતલાલ અમૃતિયા)ની હત્યા કરી નાખી હશે, હું શું કરું એ મને સમજ નથી આવતું. હું મુંબઈ રહું છું, મારી માતા રાજકોટ રહે છે. હું ગુજરાત પોલીસ પાસે એક્શનની અને મારી માતાની સલામતીની માગ કરું છું, આટલું તો પોલીસ કરી જ શકે. 'મારા પિતાનાં પરિવારજનોએ તેમની બધી મિલકત લઈ લીધી છે' મુંબઈ રહેતી પાટીદાર દીકરીએ રડતાં રડતાં કહ્યું હતું કે હું ઘણા સમયથી ઘણી સમસ્યાઓનો સામનો કરી રહી છું. મેં કોઈ દિવસ સોશિયલ મીડિયાનો ઉપયોગ નથી કર્યો. મારા પિતાના અવસાન પછી હું ઘણું બધું જોઈ રહી છું. મારા પિતાનાં પરિવારજનોએ તેમની બધી મિલકત લઇ લીધી છે, મને એનાથી પણ કોઈ ફેર નથી પડ્યો, અમે કોઈ રિએક્શન નથી આપ્યું, અમે લીગલ એક્શન લીધા છે, જે બધા લોકો લેતા હોય છે. હું મુંબઈ આવી છું અને મારાં મમ્મી રાજકોટમાં એકલાં રહે છે. મારા મોટા પપ્પા જેનું નામ છે બિપિન અમૃતિયા, ભાઈ આનંદ અમૃતિયા, અને એક અન્ય શખસ, જેનું મને નામ નથી ખબર. આ લોકોએ મારી માતા પર એટેક કર્યો છે. મારા ઘરમાં ઘૂસી મારી માતા સાથે ખરાબ હરકતો કરી છે. અમે પોલીસને બોલાવી, પણ તેમણે કોઈ એક્શન ના લીધી, એટલે કે તેમણે અમારી ફરિયાદ ન લીધી. કમિશનર સાથે વાત કરવાની કોશિશ કરી, પણ તેઓ કોઈ એક્શન લેતા નથી. 'રાજકારણમાં હોય તો શું કોઈની હત્યા પણ કરી શકો?' 'મારા મોટા પપ્પા ભાજપમાં કંઇક છે, એનો મતલબ છે કે તમે રાજકારણમાં છો તો એ વાતનો ફાયદો ઉઠાવી તમે કોઈની હત્યા પણ કરી નાખો.? મારી માતાને કંઈક થઇ ગયું હોત તો હું શું કરત.? જે લોકોએ મારી માતાને બચાવી તેનો હું આભાર માનું છું. પોલીસ ફરિયાદ કેમ નથી લઇ રહી? હું એ જાણવા માગું છું. કોઈનો જીવ જોખમમાં હોય તો ફરિયાદ કેમ લેવામાં નથી આવતી, કારણ કે એ ભાજપમાં છે, આ વાતનો પ્લીઝ ફાયદો ન ઉઠાવો, રાજકારણમાં છો તો શું કોઈનો જીવ લઇ લેશો.? હવે મને એવું લાગે છે મારા પિતાની અચાનક ડેથ થઇ ગઈ છે, તેમને કોઈ રોગ નહોતો તો આ લોકોએ જ તેમની હત્યા કરી હશે. મને સમજમાં નથી આવતું કે હું શું કરું...હું મુંબઈ રહું છું, મારી માતા ત્યાં રહે છે, ગુજરાત પોલીસ પાસે એક્શન અને મારી માતાની સલામતી માગું છું, આટલું તો પોલીસ કરી જ શકે.' ઉલ્લેખનીય છે કે જ્યાં એક તરફ પાટીદાર સમાજ બહેન-દીકરીઓની સલામતી માટે સભાઓ કરી રહ્યું છે, ત્યાં બીજી તરફ આ સમાજની જ એક વિધવા મહિલા પોતાના ન્યાય માટે આમ-તેમ દોડી રહી છે.

What's Your Reaction?






