આલે લે! તમન્ના ભાટિયાએ તો કોહલી જેવું કર્યું:'સ્પિરિટ' વિવાદ વચ્ચે દીપિકાનો જૂનો વીડિયો લાઇક કરી સપોર્ટ કર્યો, પછી અચાનક કહ્યું- ઇન્સ્ટાગ્રામની ભૂલ છે
દીપિકા પાદુકોણ અને સંદીપ રેડ્ડી વાંગા વચ્ચે 'સ્પિરિટ' ફિલ્મને કારણે શાબ્દિક લડાઈ ચાલી રહી છે. અહેવાલો અનુસાર, દીપિકા પાદુકોણે ફિલ્મ 'સ્પિરિટ' માટે સંદીપ વાંગા સમક્ષ ઘણી માગણીઓ મૂકી હતી, જેમાં 8 કલાકની શિફ્ટ, 20 કરોડ રૂપિયા ફી અને તેલુગુ ભાષામાં ડબિંગ નહીં કરવાની માગણીનો સમાવેશ થાય છે. એવું માનવામાં આવે છે કે આ કારણે વાંગાએ દીપિકાને બહારનો રસ્તો બતાવ્યો હતો. ઉપરાંત તૃપ્તિ ડિમરીને ફિલ્મમાં મુખ્ય ભૂમિકા આપવામાં આવી હતી. હવે દીપિકાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ જૂના વીડિયોમાં દીપિકા એક ઇવેન્ટમાં બેઠેલી જોઈ શકાય છે. આ 2020ની ફિલ્મ 'છપાક' ની પ્રેસ-કોન્ફરન્સ છે, જેનું મેનેજમેન્ટ પણ એક્ટ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક્ટ્રેસ તમન્ના ભાટિયાનું નામ પણ આ વિવાદમાં ઘૂસી ગયું છે. એક જૂના ઈન્ટરવ્યૂમાં દીપિકાને પૂછવામાં આવ્યું કે રણવીર સિંહ તમારા પતિ છે અને તેઓ છપાકના નિર્માતા પણ છે. આના પર એક્ટ્રેસે કહ્યું - ફિલ્મ મારા પોતાના પૈસા પર બનાવવામાં આવી છે. આ કોણે કહ્યું? આ મારી પોતાની મહેનત છે. આ વીડિયો એક્ટ્રેસ તમન્ના ભાટિયાને ખૂબ ગમ્યો, જેના પછી એવું માનવામાં આવતું હતું કે તે વાંગા વિરુદ્ધ દીપિકાના સમર્થનમાં બહાર આવી છે, જોકે તમન્નાએ આ માટે ઇન્સ્ટાગ્રામને દોષી ઠેરવ્યું. તેણે પોતાનો વીડિયો શેર કર્યો, જેમાં તેણે નિરાશ દેખાઈ એવાં ઍક્સ્પ્રેશન આપ્યાં. તેણે એમ પણ લખ્યું- શું ઇન્સ્ટાગ્રામ આ વસ્તુને સરખી કરી દેશે, કારણ કે લોકો એના સમાચાર બનાવી રહ્યા છે અને મારી પાસે કામ છે. યુઝર્સે વિરાટ કોહલીને યાદ કર્યો! દીપિકાના સમર્થનમાં આવ્યા પછી પાટલી બદલતા લોકો તમન્ના ભાટિયાની મજાક ઉડાવવામાં આવી રહી છે. યુઝર્સે ક્રિકેટર વિરાટ કોહલીને યાદ કર્યો છે, જેમણે અવનીત કૌરના ફોટાને લાઇક કર્યા પછી આ પ્રકારની જ સ્પષ્ટતા આપી હતી. શું તમન્નાએ વિરાટ કોહલીની મજાક ઉડાવવી છે? એ જ સમયે કેટલાક લોકો બોલિવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયાની પોસ્ટને ક્રિકેટર વિરાટ કોહલી પર મજાક તરીકે જોઈ રહ્યા છે. ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ તાજેતરમાં એક્ટ્રેસ અવનીત કૌરની એક પોસ્ટ લાઇક કરી હતી. જોકે થોડા સમય પછી વિરાટે એ લાઇક દૂર કરી દીધું, પરંતુ આ દરમિયાન વિરાટના લાઇકનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો, જેના કારણે આ બાબતને લઈને વિવિધ ચર્ચાઓ શરૂ થઈ ગઈ. બાદમાં વિરાટને આ મામલે સ્પષ્ટતા આપવી પડી. વિરાટ કોહલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી અને લખ્યું, 'હું સ્પષ્ટ કરવા માગું છું કે અલ્ગોરિધમે ભૂલથી એક ઈન્ટરેકશન નોંધ્યું છે. આ પાછળ મારો કોઈ ઈરાદો નહોતો. હું તમને વિનંતી કરું છું કે કૃપા કરીને કોઈ બિનજરૂરી અફવાઓ ન ફેલાવો. સમજવા બદલ આભાર. દીપિકા પાદુકોણને ફિલ્મ 'સ્પિરિટ'માંથી કાઢી મૂકવામાં આવી તમને જણાવી દઈએ કે અભિનેત્રી દીપિકા પાદુકોણને તાજેતરમાં જ ફિલ્મ 'સ્પિરિટ'માંથી બહાર કરવામાં આવી છે. આ ફિલ્મના દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગા છે, જેમણે 'કબીર સિંહ' અને 'એનિમલ' જેવી હિટ ફિલ્મો બનાવી છે. હવે આ ફિલ્મમાં દીપિકાની જગ્યાએ તૃપ્તિ ડિમરીને કાસ્ટ કરવામાં આવી છે. દીપિકા બિનવ્યાવસાયિક માગણીઓ કરી રહી હોવાના આરોપો હતા. ઉપરાંત સંદીપ રેડ્ડી વાંગાએ દીપિકાનું નામ લીધા વિના આરોપ લગાવ્યો છે કે તેણે ફિલ્મ છોડતાંની સાથે જ ફિલ્મની સ્ક્રિપ્ટ લીક કરી દીધી હતી. સંદીપ રેડ્ડી વાંગાએ તેમના સત્તાવાર X એકાઉન્ટ પર લખ્યું કે જ્યારે હું કોઈ અભિનેતાને મારી સ્ક્રિપ્ટ સંભળાવું છું ત્યારે મને તેના પર 100 ટકા વિશ્વાસ છે. અમારી વચ્ચે એક નોન-ડિસ્કલોઝર ઍગ્રીમેન્ટ છે, પણ સ્ક્રિપ્ટ લીક કરીને તમે બતાવ્યું છે કે તમે શું છો (નામ લીધા વગર દીપિકાને ટોણો માર્યો). એક યુવાન એક્ટરનું અપમાન કરવું અને મારી સ્ટોરી લીક કરવી, શું આ તમારો નારીવાદ છે? એક ફિલ્મ-નિર્માતા તરીકે મેં મારી કળા પર ઘણાં વર્ષોની સખત મહેનત કરી છે. ફિલ્મ મેકિંગ મારા માટે બધું જ છે, સાથે જ એક હિન્દીની કહેવત શેર કરી તેણે એક્ટ્રેસ પર પોતાની ભડાસ કાઢી. જોકે સંદીપ રેડ્ડી વાંગાએ પોતાની પોસ્ટમાં કોઈનું નામ લીધું નથી, પરંતુ એ સ્પષ્ટ છે કે તેમણે આ પોસ્ટ દીપિકા પાદુકોણ માટે કરી છે, કારણ કે થોડા સમય પહેલાં જ તેને ફિલ્મમાંથી દૂર કરવામાં આવી છે.

What's Your Reaction?






