એકતાનગર વહીવટી સંકુલમાં ઓપરેશન શિલ્ડની સિવિલ ડિફેન્સ મોકડ્રિલ:ડ્રોન હુમલાની સ્થિતિમાં 400 લોકોને સુરક્ષિત બહાર કઢાયા, 7 ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ અનુસાર નર્મદા જિલ્લામાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત સિવિલ ડિફેન્સ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટેચ્યૂ ઓફ યુનિટી એકતાનગરના વહીવટી સંકુલના સાતમા માળે આતંકી ડ્રોન હુમલાની સ્થિતિ ઊભી કરવામાં આવી હતી. ઈમર્જન્સી સાયરન વગાડીને બિલ્ડિંગમાં રહેલા તમામ કર્મચારીઓને એલર્ટ કરવામાં આવ્યા હતા. ફાયર ફાયટરોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. મોકડ્રિલમાં 7 વ્યક્તિઓને ઈજાગ્રસ્ત બતાવવામાં આવ્યા હતા. તેમને એમ્બ્યુલન્સ દ્વારા પહેલા ટ્રોમા સેન્ટર અને પછી ગરૂડેશ્વર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, પોલીસ, ડોગ સ્ક્વોડ અને સ્વયંસેવકોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી સલામતી પોલીસ, એકતાનગર પોલીસ અને સિવિલ ડિફેન્સના સ્વયંસેવકોએ 400 લોકોને બસ દ્વારા સલામત સ્થળે ખસેડ્યા હતા. ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત મેરા યુવા ભારત માય ભારત નર્મદાના 25થી 30 યુવાનોએ રાજપીપલા એસ.ટી.ડેપો ખાતે યોજાયેલી મોકડ્રિલમાં બચાવ કામગીરીમાં ભાગ લીધો હતો. બોમ્બ ડિસ્પોઝલ અને ડોગ સ્ક્વોડની ટીમે સમગ્ર બિલ્ડિંગની તપાસ કરી હતી. કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતાં ઓલ ક્લિયરનો સિગ્નલ આપવામાં આવ્યો હતો. તમામ સરકારી વિભાગો અને બચાવ એજન્સીઓએ સમયમર્યાદામાં પોતાની ફરજ બજાવી મોકડ્રિલને સફળ બનાવી હતી.

What's Your Reaction?






