રાજકોટ ક્રાઇમ ન્યૂઝ:સમૂહલગ્નનાં નામે છેતરપિંડી કરનાર આરોપી જામીન મુક્ત, સાઈબર ક્રાઈમે ફ્રોડ કેસમાં 81 લાખની રકમ અરજદારોને પરત અપાવી
રાજકોટમાં સમૂહલગ્નના નામે 8 લાખથી વધુનો ફાળો ઉઘરાવી છેતરપિંડી કર્યાંના ગુનામાં આરોપી ચંદ્રેશ છાત્રોલા જામીન મુક્ત થયો છે. રેલનગરમાં સમૂહ લગ્નનું આયોજન કરી લગ્નના સ્થળે ખાણીપીણી સહિતની વ્યવસ્થા ન કરી, લગ્નનું આયોજન ન કરી ધરે તાળુ મારી આરોપીઓ નાસી ગયા હતા. જેમાં લગ્ન મંડપમાં હાજર કુલ 28 વરવધુના કુલ રૂ. 8,40,000 રોકડ મેળવી જેની પહોંચ આપી તેમજ જુદા જુદા દાતા પાસેથી કન્યાઓને આપવાનો કરીયાવર તથા રોકડ મેળવી ફાળો તેમજ દર દાગીના મેળવી લઇ કોઇ સમુહ લગ્નનું આયોજન નહી કરી 8,40,000 અંકે રૂપિયા આઠ લાખ ચાલીસ હજાર જેવી રકમ ઉઘરાવી ઉચાપત કરી આરોપીઓએ ગુનો કર્યો હતો. બનાવ અંગે પ્રદ્યુમનનગર પોલીસે ફરિયાદ નોંધી હતી. જેમાં ફરાર થઈ ગયેલ આરોપી ચંદ્રેશ જગદીશ છાત્રોલા ઝડપાતા તેની ધરપકડ કરી રિમાન્ડ બાદ કોર્ટ સમક્ષ રજુ કરતાં મુખ્ય આરોપી ચંદ્રેશ છાત્રોલાએ જામીન અરજી કરી હતી. જેમાં આરોપીના વકીલની ધારદાર દલીલોને ધ્યાને લઈ કોર્ટેએ આરોપીને જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ ફરમાવ્યો હતો. સાઈબર ક્રાઈમે ફ્રોડમાં ગયેલા 81.63 લાખની રકમ અરજદારોને પરત અપાવી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અરજદારોનો મુદામાલ સમયસર પરત મળી જાય તે માટેનું અભિયાન ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. તેના ભાગ રૂપે શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડી.સીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ અને એસીપી સી.એમ. પટેલ દ્વારા સાઇબર ફ્રોડમાં ગયેલ નાણા પરત અપાવવા સુચના આપવામાં આવી હતી. જેને લઈ સાઈબર ક્રાઈમ પીઆઈ જે.એમ. કૈલા, એમ.એ. ઝણકાત, આર.જી. પઢીયાર, બી.બી. જાડેજા, અને એસ.ડી. ગીલવા અને ટીમે નેશનલ સાઈબર ક્રાઈમ રીપોર્ટીંગ પોર્ટલ પરથી આવેલ અરજીના આધારે તપાસ હાથ ધરી હતી. મે-2025માં પોલીસની ટીમ દ્વારા સાઈબર ફ્રોડનો શિકાર બનેલા લોકોને કુલ 81.63 લાખની રકમ પરત અપાવી છે. વધુમાં પોલીસે લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે લોકો લોભ લાલચ અને ડરના કારણે તેમજ ટેકનોલોજીની જાણકારીના અભાવે સાઈબર ફ્રોડનો ભોગ બની રહ્યા છે. તો લોકોએ પણ સાવચેતી રાખવી જરૂરી છે. આમ છતાં ઓનલાઈન ફ્રોડનો ભોગ બનો ત્યારે હેલ્પલાઈન નંબર 1930 ઉપર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી હતી. વૃધ્ધાના ગળામાંથી સોનાના ચેઇનની ચિલઝડપ કરનાર સ્કૂલ વાન ચાલક ઝડપાયો રાજકોટમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક એક વૃદ્ધાના ગળામાંથી સોનાનો ચેઈન ઝૂંટવી લેનાર સ્કૂલ વાન ચાલકને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આરોપીએ દેવું થઈ જવા અને સ્કૂલ વાન રિપેર કરાવવા માટે પૈસાની જરૂરિયાત ઊભી થતાં આ ગુનો આચર્યાની કબૂલાત કરી છે. ડ્રીમ સિટી પાસે રહેતા 62 વર્ષીય વીણાબેન પટેલ તેમના પતિ સાથે તુલસી હાઈટ્સમાં રહેતા જેઠના ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન સાંજના સમયે ફિલ્ડ માર્શલ રોડ પર સ્પીડવેલ પાર્ટી પ્લોટના બીજા ગેટ પાસે પાછળથી બાઈક ચાલક આવ્યો અને તેમના ગળામાંથી 1,00,000 રૂપિયાની કિંમતનો સોનાનો ચેઈન ઝૂંટવી પરસાણા ચોક તરફ નાસી છૂટ્યો હતો. સમગ્ર મામલે પોલીસની ટીમે તપાસ શરૂ કરી હતી. બાતમી અને હ્યુમન સોર્સિસના આધારે આનંદ નગર મેઈન રોડ પર રહેતા શ્યામ ઉર્ફે જાંબુ દિનેશ સોલંકીને પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે તેની પાસેથી ચીલઝડપ કરેલો સોનાનો ચેઈન અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલું બાઈક મળી કુલ 1,30,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી સ્કૂલ વાન ચાલક છે અને તેના પર દેવું વધી ગયું હતું. ઉપરાંત, તેની સ્કૂલ વાનનો અકસ્માત થતાં તેને રિપેર કરાવવા માટે પૈસાની તાત્કાલિક જરૂર હતી, જેથી તેણે ચીલઝડપ કરી હોવાનું કબૂલ્યું છે. દીયર, નણંદ સહિતનાએ ગળાટુંપો આપી ભાભીને પાણી ભરેલ ખાડામાં નાખી દીધા રાજકોટનાં ભગવતીપરાના જોશનાબેન ભલગામ પર દીયર અને નણંદ સહિતનાએ હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ફરિયાદી 60 વર્ષીય જોશનાબેને જણાવ્યા અનુસાર, તેમના બીજા લગ્ન ખોડાભાઈ સાથે થયા છે. આઠ દિવસ પહેલા તેમના સાસુ શારદાબેનનું બીમારીથી અવસાન થયું હતું. સાસુના મૃત્યુ બાદ નણંદ શોભનાબેન અને દીયર ઓઘાભાઈ અવારનવાર તેમના પર સાસુની હત્યા કરવાનો અને રૂ. 33 હજાર પડાવી લેવાનો આરોપ મુકતા હતા. આ બાબતે સમજાવવા છતાં તેઓ ઘરે આવી મારપીટ કરતા હતા. ગત સાંજે ભાણેજ સંગીતાના કહેવાથી જોશનાબેન કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાસે પહોંચ્યા હતા. જ્યાં નણંદ અને દીયર સહિતના લોકોએ તેમને માર મારી, કપડાં વડે ગળાટુંપો આપી પાણી ભરેલા ખાડામાં ફેંકી દીધા હતા. જોશનાબેનના હાથમાં ખાડાની પાળી આવી જતા તેઓ ડૂબ્યા નહોતા અને બૂમાબૂમ કરતા રાહદારીઓએ તેમને બચાવ્યા હતા. આજીડેમ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

What's Your Reaction?






