પોરબંદરમાં ડ્રોન એટેક સામે તૈયારી:કોસ્ટગાર્ડ રેસિડેન્સીમાં ઓપરેશન શિલ્ડની સિવિલ ડિફેન્સ મોકડ્રિલ, સુરક્ષા એજન્સીઓએ બચાવ કામગીરીનો કર્યો અભ્યાસ
પોરબંદરના ધરમપુર સ્થિત કોસ્ટગાર્ડ રેસિડેન્સી ક્વાટર્સમાં ડ્રોન એટેક સામે તૈયારીઓના ભાગરૂપે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. ઓપરેશન શિલ્ડ અંતર્ગત યોજાયેલી આ મોકડ્રીલમાં રાહત અને બચાવ કામગીરીની પ્રેક્ટિસ કરવામાં આવી. મોકડ્રીલ દરમિયાન 108 એમ્બ્યુલન્સ અને સુરક્ષા દળોને તૈનાત કરી તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. પોલીસ, નેશનલ કેડેટ કોર્પ્સ અને આરોગ્ય સ્ટાફે ઈજાગ્રસ્તોને સ્ટ્રેચર દ્વારા એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ પહોંચાડ્યા. અન્ય લોકોને સુરક્ષિત સેફ હાઉસમાં ખસેડવામાં આવ્યા. ઇન્ચાર્જ કલેક્ટર બી.બી. ચૌધરીએ જણાવ્યું કે હવાઈ હુમલાની સ્થિતિમાં નાગરિક સંરક્ષણને વધુ અસરકારક બનાવવા આ કવાયત હાથ ધરવામાં આવી. મોકડ્રીલમાં નેહરુ યુવા કેન્દ્ર, એનસીસી, પોલીસ, બીએસએફ, કોસ્ટગાર્ડ, આરોગ્ય વિભાગ અને 108 એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓએ ભાગ લીધો. સાંજે 8 કલાકે બ્લેક આઉટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નાગરિકોને ઘરની લાઇટ્સ બંધ રાખવા અપીલ કરવામાં આવી. આ મોકડ્રીલમાં રેવન્યુ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, મહાનગરપાલિકા અને અન્ય કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ, કર્મચારીઓ અને સ્વયંસેવકો જોડાયા હતા.

What's Your Reaction?






