ક્રિકેટ રમ્યા બાદ સમરસ હોસ્ટેલ મેદાનમાં જ ઢળી પડ્યો:જુનાગઢના ખેડૂત પરિવારના એકના એક પુત્રનું હાર્ટ-એટેકથી મોત; રાજકોટમાં સરકારી ભરતીની તૈયારી કરતો હતો
રાજકોટમાં વધુ એક યુવાનનું એકાએક ઢળી પડ્યા બાદ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. 10 ઓગસ્ટની સાંજે સમરસ હોસ્ટેલ સામેના મેદાનમાં ક્રિકેટ રમ્યા બાદ મેદાનમાં જ અચાનક ઉભા-ઉભા ઢળી પડતા જૂનાગઢ જિલ્લાના વતની સાત્વિક રામસિંહ સોલંકી (ઉં.વ.22)નું મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે, યુવાન રાજકોટમાં છેલ્લા છ મહિનાથી રૂમ રાખીને રહેતો હતો, તેમજ સરકારી નોકરીની પરીક્ષા માટે તૈયારી કરતો હતો. ખેડૂત પરિવારના એકના એક પુત્રનું મોત થતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. યુવકને બેભાન હાલતમાં સારવારમાં ખસેડાયો હતો પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ શહેરમાં આવેલ સમરસ હોસ્ટેલ નજીક મેદાનમાં ગઈકાલે રવિવાર હોવાથી યુવાનો ક્રિકેટ રમતા હતા. આ પછી અચાનક એકા-એક સાત્વિક રામસિંહ સોલંકી (ઉં.વ.22) નામનો યુવાન ઢળી પડ્યો હતો. જેને બેભાન હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતા પોલીસે આવી મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી મોતનું સાચું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં યુવકને હાર્ટ-એટેક આવ્યો હોવાનું સામે આવ્યું હતું. જે અંગે પોલીસ દ્વારા યુવકના પરિવારને જાણ કરતા જૂનાગઢ જિલ્લામાં રહેતા પરિવારજનો રાજકોટ દોડી આવ્યા હતા. એકના એક પુત્રના મોતથી પરિવાર ઘેરા શોકમાં પોલીસ પૂછપરછ દરમિયાન યુવાન મૂળ જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના અકાળા ગીર ગામનો વતની હોવાનું અને રાજકોટમાં રૂમ ભાડે રાખી છેલ્લા છ મહિનાથી રહેતો હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં તે સરકારી નોકરી પરીક્ષા માટે તૈયારી કરતો હતો. તેના પિતા રામસિંહભાઈ ખેડૂત છે. મૃતક યુવાન સાત્વિક સોલંકી પરિવારનો એકનો એક દીકરો હતો, જેનું મોત નીપજતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો.

What's Your Reaction?






