180 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ:75 કરોડનાં ખર્ચે બરડામાં બનશે નવો સફારી પાર્ક, 180 કરોડના વન વિભાગનાં કામોનાં ઈ-લોકાપર્ણ
પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના બરડા વન્યજીવ અભ્યારણ ખાતે યોજાયેલા વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે 143 વર્ષના લાંબા સમય બાદ બરડા ડુંગરમાં સિંહોએ કુદરતી રીતે પુનઃ વસવાટ શરૂ કર્યો છે, તે વાતનો આનંદ છે. બરડામાં સિંહ સંરક્ષણ માટે તમામ જરૂરી સહાય સુવિધાઓ આપવામાં આવશે. વડાપ્રધાનના વિઝન અને વન વિભાગની પ્રો-એક્ટિવ પ્રેક્ટિસીસને લીધે ગીરમાં સિંહોની સફળ સંવર્ધન-ગાથા વૈશ્વિક બની છે. આપણા વનરાજનો વૈભવ જળવાઈ રહે અને ભવિષ્યમાં પણ સતત વધતો રહે તે માટે ‘પ્રોજેકટ લાયન’ શરૂ કરાવ્યો છે. આ પ્રોજેક્ટમાં સિંહના હેબિટેટ અને વસતિ પ્રબંધન, વન્ય પ્રાણી આરોગ્ય, માનવ અને પ્રાણી ઘર્ષણ, સ્થાનિક લોકોનો સહકાર, પ્રવાસન વિકાસ, વૈજ્ઞાનિક સંશોધન અને તાલીમ, ઇકો ડેવલપમેન્ટ તેમજ જૈવ વિવિધતાના સંરક્ષણ જેવી બાબતોને આવરી લેવામાં આવી છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી હસ્તે વન અને વન્યસૃષ્ટીના સંરક્ષણ તથા પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે રૂ.180કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરી કરવામાં આવ્યું હતું. બરડા અભયારણ્ય શુ - શુ વિકાસના કામો થશે બરડા અભયારણ્ય ખાતે મુખ્યમંત્રીએ 248 હેકટર વિસ્તારમાં નવીન સફારી પાર્ક અને ઇન્ટરપ્રિટેશન સેન્ટર તેમજ પ્રવાસી સુવિધાઓ અંગેની જાહેરાત કરી હતી. આ સુવિધાઓ રૂપિયા 75 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે. આ ઉપરાંત તૃણાહારી પ્રાણીઓના સંવર્ધન પ્રજનન કાર્યક્રમ માટે 10.96 કરોડના ખર્ચે બ્રીડિંગ સેન્ટરોનું નિર્માણ, વન વસાહતી ગામો અને ઇકો સેન્સેટિવ ઝોન વિસ્તારમાં ઇકો ડેવલપમેન્ટની કામગીરી માટે રૂ.7.57 કરોડના ખર્ચે 137 કામો, જે.આઈ.સી.એ પ્રોજેક્ટ હેઠળ 720 ગામડાઓમાં રૂ 35.62 કરોડના ખર્ચે સામૂહિક વિકાસ કામો અંગેની જાહેરાત કરાઈ છે રૂ.7 કરોડના ખર્ચે વન્યપ્રાણી માટે રેસ્ક્યુ સેન્ટર અને ક્વિક રિસ્પોન્સ સિસ્ટમ, રૂ.21 કરોડના ખર્ચ બરડા વિસ્તારના માલધારીઓ માટે સ્વૈચ્છિક સ્થળાંતરની યોજના, 9.94 કરોડના ખર્ચે ફ્રન્ટ લાઈન સ્ટાફ માટે કુલ 20 આવાસ અને ઓફિસ બિલ્ડીંગના કામો, રૂ.5 કરોડના ખર્ચે ચાડવા રખાલમાં કેરાકલ (હેણોતરા) સંવર્ધન, રૂ. 65 લાખના ખર્ચે સી.એસ.આ.2 હેઠળ ગીર વિસ્તારના ટ્રેકર્સનો વીમા અને સ્વાસ્થ્ય કવચ, રૂ.6.98કરોડના ખર્ચે પેટ્રોલિંગ અને મોનિટરિંગ માટે 3 રેસ્કયુ વ્હિકલ 200 બાઇક અને 44 યુટિલિટી વ્હિકલ અર્પણ કરવામાં આવ્યા હતા તથા 24 ઇકો ટુરિઝમ સાઇટના બુકિંગ પોર્ટલનો શુભારંભ કરાવ્યો હતો.

What's Your Reaction?






