ભાસ્કર બ્રેકિંગ: વિરોધ સામે સરકાર ઝૂકી:રૂ.1600 કરોડનો વાપી-વ્યારા ફોરલેન પ્રોજેક્ટ રદ, નેશનલ હાઇવે 56ને ફોરલેન કરવા સામે આદિવાસીઓએ ઉગ્ર આંદોલન કર્યું હતું
કેન્દ્ર સરકારના મહત્વના પાર-તાપી-નર્મદા રિવર લિંક યોજનાની મંજુરી સામે દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજે ઉગ્ર આંદોલન કરતાં સરકારે આ પ્રોજેકટની સ્થગિતની જાહેરાત કરી હતી,તેવી જ રીતે વાપી-શામળાજી ને.હા.56ને ફોરલેન બનાવવાની જાહેરાત થઇ હતી.આ પ્રોજેકટ સામે પણ એક ઇંચ જમીન આદિવાસી નહીં આપે તેવા સુત્રો સાથે ઉગ્ર વિરોધ થયો હતો,પરંતુ હવે આ વિરોધની અસર જોવા મળી રહી છે. સરકારે આ પ્રોજેકટને સ્થગિત કર્યો છે. થોડા દિવસો પહેલા કેન્દ્ર સરકારે પારડી-કપરાડા ફોન લેન માટે 800 કરોડની મંજુરી આપી છે. જેની સામે વાપી-વ્યારા ફોન લેનનો પ્રોજેકટ રદ થતાં 1600 કરોડ નામંજૂર થયા છે. હાલ વાપીથી સોનગઢ-વ્યારા સુધી 130 કિ.મી.માં જમીન સંપાદનની એન્ટ્રી પાછી ખેંચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વાપી-શામળાજી નેશનલ હાઇવે 56 આદિવાસી પટ્ટામાંથી પસાર થાય છે. વર્ષ 2022-23માં સરકારે નેશનલ હાઇવેને વિકસાવવા ફોર લેનની જાહેરાત કરી હતી. સરકારની જાહેરાતની સાથે આ વિસ્તારના ગામોમાં સરવે અને જમીન સંપાદનની પ્રક્રિયા અધિકારીઓએ શરૂ કરી હતી. આ દરમિયાન અનેક ગામોમાં આદિવાસી સમાજના લોકોએ આ પ્રોજેકટનો વિરોધ કર્યો હતો.વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની અધ્યક્ષતામાં ઉગ્ર વિરોધ અને રેલીઓ પણ યોજાઇ હતી. સરકાર આ પ્રોજેકટ રદ કરે તેવી માગ કરવામાં આવી હતી,આ સમયે સરકારે આશ્વાસન આપ્યુ હતું.પરંતુ હાલ વાપી-શામળાજી ને.હા.56માં વાપીથી વ્યારા-સોનગઢ 130 કિ.મી.માં જમીન સંપાદનની એન્ટ્રી પાછી ખેંચવા અધિકારીઓએ પ્રક્રિયા શરૂ કરી છે. ઠેર-ઠેર આદિવાસી સમાજના વિરોધના કારણે સરકારે આ પ્રોજેકટને સ્થગિત કર્યો છે. જેથી આદિવાસી પટ્ટામાં પાર-તાપી-નર્મદા રિવર લિંકની જેમ વાપી-વ્યારા ફોરલેન પ્રોજેકટ પણ સ્થગિત થયો છે. એક પ્રોજેકટ મંજુર તો એક સ્થગિત નેશનલ હાઈવે 848 (NH-848)ના પારડીથી કપરાડા સુધીના 37.08 કિલોમીટરના ફોર-લેન અપગ્રેડેશન પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે, જેનો અંદાજિત ખર્ચ ₹825.72 કરોડ છે.તો બીજી તરફ વ્યારા-વાપી ફોન લેન અપગ્રેડેશન માટે (130 કિમી.)1 કિ.મી. પર 15થી 20 કરોડનો ખર્ચ થવાનો હતો. એટલે કે 1500થી 2000 કરોડનો ખર્ચ થવાનો હતો. પરંતુ આ પ્રોજેકટ સ્થગિત કર્યો છે. આમ એક પ્રોજેકટને મંજુરી મળી છે તો બીજા રોડનો પ્રોજેકટ નામંજુર થયો છે. એન્ટ્રીઓ પાછી ખેંચવા મંજૂરી માગવામાં આવી વાપી-શામળાજી ને.હા. 56માં વ્યારાથી વાપી સુધીનો ફોરલેનનો પ્રોજેકટ સ્થગિત કરવામાં આવ્યો છે.આ પ્રોજેકટમાં જમીન સંપાદનમાં એન્ટ્રીઓ પાછી ખેંચવા સરકાર સમક્ષ મંજૂરી માગવામાં આવી છે.આ મંજૂરી મળતાં તમામ એન્ટ્રીઓ પાછી ખેંચવામાં આવશે. - અમિત ચૌધરી, પ્રાંત અધિકારી,ધરમપુર 1 કિ.મી.માં 15થી 20 કરોડનો ખર્ચ થવાનો હતો વ્યારા-વાપી પ્રોજેકટ સ્થગિત કરાયો છે. અલગ રૂટ પર વિચારાશે. આ ફોન લેન માટે 1 કિમી માટે અંદાજીત 15-20 કરોડનો ખર્ચ થવાનો હતો. હાલ પ્રોજેકટ થશે નહીં. - અનુજ શર્મા,પીડી, એનએચએઆઇ કપરાડા-ધરમપુરના ગામોને અસર થતી હતી વાપી શામળાજી ફોર લેન રોડમાં ધરમપુર અને કપરાડા તાલુકાના 14 જેટલા ગામોની જમીન જાય છે. જેમાં ધરમપુરના 9 ગામો અને કપરાડાના 5 ગામોનો સમાવેશ થાય છે. જેમાં ગામના મકાનો અને વૃક્ષોનો સમાવેશ થતો હતો. આ સાથે વાપી તાલુકાના બે ગામોનો પણ સમાવેશ થતો હતો. આ કારણોસર આદિવાસીઓએ વિરોધ કર્યો હતો મોટાપોંઢાના સ્થાનિકોએ જણાવ્યું હતું કે કોઈપણ પ્રોજેક્ટ માટે સરકાર રાજપત્ર બહાર પાડે તો તેનો ડીટેલ પ્રોજકેટ રિપોર્ટ હોય છે. જેમાં એ તમામ જાણકારી આપવામાં આવતી હોય છે કે કેટલાક કુવા જશે, કેટલા ઝાડ કપાશે, કેટલા ઘરો રોડ માર્જીનમાં જશે,કેટલા લોકોની જમીન જશે. પરંતુ આ માહિતી જાહેર કરાઇ ન હતી.આદિવાસીઓના ઘર,મિલકતો અને ઝાડો વધુ જતાં હોવાથી વિરોધ થતો હતો. સરવે કરવા આવેલા તે સમયે કર્મચારીઓ પણ સાચી માહિતી આપતાં ન હતાં. આ વિસ્તારમાં ફોરલેન હાઇવે બનવાનો હતો સરકારે વાપી-શામળાજી ને.હા.ને વિકસાવવાની જાહેરાત કરી હતી જેમાં દક્ષિણ ગુજરાતમાં વ્યારા,સોનગઢ, ઉનાઇ, વાંસદા, ધરમપુર,નાનાપોંઢા,મોટાપોંઢા અને વાપી સુધીનો સમાવેશ થાય છે. હવે વ્યારાથી શામળાજી સુધી ફોર લેન બની શકે છે.

What's Your Reaction?






