'બાપ રે...સલમાનનો ગુસ્સો જોઈ હું તો ડરી ગઈ!':'હમ દિલ દે ચૂકે સનમ'ની એક્ટ્રેસે શૂટિંગનો કિસ્સો સંભળાવ્યો, કહ્યું- જોરથી દરવાજો પછાડી ચાલતી પકડી
એક્ટ્રેસ શીબા ચઢ્ઢાએ તાજેતરમાં ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ' ના શૂટિંગની ઘણી વાતો શેર કરી. શીબાએ જણાવ્યું કે ફિલ્મના સેટ પર સલમાન ગુસ્સે થઈ ગયો હતો, જેને જોઈ એક્ટ્રેસ ડરી ગઈ હતી. સિદ્ધાર્થ કન્નનને આપેલા ઇન્ટરવ્યૂમાં શીબાએ જણાવ્યું હતું કે- શૂટિંગ દરમિયાન, ટ્રોલી કે ટ્રેક પર ચાલતી વખતે, સલમાન લપસી ગયો અને ગુસ્સામાં સેટ પરથી બહાર નીકળી ગયો. તેણે દરવાજો એટલો જોરથી બંધ કર્યો કે તેની પાછળ બેઠેલા એક વૃદ્ધ લાઇટમેનને થોડી ઇજા થઈ. આ ઘટનાથી શીબા ગભરાઈ ગઈ. શીબાએ કહ્યું- "મેં વિચાર્યું, હે ભગવાન! શું આ રીતે સ્ટાર્સ સાથે કામ કરવું શક્ય છે?" આ પછી શીબાએ બીજી ઘટનાનો ઉલ્લેખ કર્યો. એક સીનમાં સલમાનને શીબાને ગળે લગાવવાની હતી, પરંતુ સલમાને તે સીન કરવાની ના પાડી દીધી. શીબાએ કહ્યું, તે સીનમાં તેણે મને ગળે લગાવવાનું હતું, પણ સલમાને કહ્યું- 'હું ગળે નહીં લગાવું.' સલમાનના આ વલણને કારણે, શૂટિંગ થોડા સમય માટે બંધ કરવામાં આવ્યું હતું. બાદમાં, ડિરેક્ટર સંજય લીલા ભણસાલીએ પોતે તેની સાથે વાત કરી અને તેને મનાવી લીધો અને સ્ક્રિપ્ટ મુજબ સીન શૂટ કરવામાં આવ્યું. હાલમાં, શીબા ZEE5 ની વેબ સિરીઝ 'બકૈતી' માં જોવા મળી રહી છે. આ કોમેડી-ડ્રામા સિરીઝનું નિર્દેશન અમિત ગુપ્તા દ્વારા કરવામાં આવ્યું છે. આ શો 1 ઓગસ્ટના રોજ રિલીઝ થયો હતો અને આમાં શીબા ગાઝિયાબાદના એક મધ્યમ વર્ગના પરિવારની સ્ટોરીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

What's Your Reaction?






