'અમારો એકનો એક ભાઈ હતો, રક્ષાબંધને રાખડી કોને બાંધીશું':જૂનાગઢમાં પત્ની અને સાસરિયાના ત્રાસથી આત્મહત્યા કરનારા યુવકની છ બહેનોનું આક્રંદ
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અગતરાય ગામના યુવકે પત્ની સહિતના સાસરિયાઓના ત્રાસથી આત્મહત્યા કરી લેતા બહેનોએ ન્યાયની માગ કરી છે. રક્ષાબંધનના બે દિવસ પૂર્વે એકનો એક ભાઈ ગુમાવનાર 6 બહેનોએ આક્રંદ સાથે કહ્યું હતું કે, મારો ભાઈ મારી ભાભીને લેવા માટે ગયો હતો. ત્યારે તેના સાસરિયાઓએ તેને ઢોરમાર માર્યો હતો અને સમાધાન માટે 10 લાખ રૂપિયાની માગણી કરી હતી. જેથી મારા ભાઈએ કંટાળીને જિંદગી ટૂંકાવી લીધી. અમારી માગણી છે કે, મારા ભાઈને મરી જવા મજબૂર કરનારાઓને કડકમાં કડક સજા થાય. બે દિવસ બાદક રક્ષાબંધનનું પર્વ છે ત્યારે આક્રંદ કરતા બહેનોએ કહ્યું કે, અમારો એકનો એક ભાઈ ચાલ્યો ગયો, રક્ષાબંધને રાખડી કોને બાંધીશું? પત્ની સહિતના સાસરિયાઓના ત્રાસથી યુવકે જિંદગી ટૂંકાવી હતી કેશોદ તાલુકાના અગતરાય ગામના રહેવાસી નિલેશ દાફડાના લગ્ન લગભગ છ મહિના પહેલા પીપળી ગામ (બાવાની) ખાતે રહેતા કાનાભાઈ રાવલિયાની દીકરી જિજ્ઞાસા સાથે થયા હતા. નિલેશના પરિવારમાં છ બહેનો વચ્ચે તે એકનો એક ભાઈ હતો, અને તેના લગ્ન થતાં પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો. પરિવારે અને ખાસ કરીને તેની બહેનોએ ઘણા સપના જોયા હતા કે તેમનો ભાઈ લગ્નજીવનમાં સુખી થશે અને તેમનો પરિવાર આગળ વધશે. પરંતુ, આ સપનાઓ માત્ર થોડા સમય માટે જ રહ્યા. લગ્નના એક મહિના પછી, કોઈ અગમ્ય કારણોસર નિલેશ અને જિજ્ઞાસા વચ્ચે ઝઘડાઓ શરૂ થયા. આ ઝઘડા એટલા વધી ગયા કે જિજ્ઞાસાએ પતિને છોડીને રિસામણે તેના પિયર, પીપળી ગામ, ચાલી જવાનો નિર્ણય લીધો. નિલેશે તેને પાછી લાવવાના ઘણા પ્રયાસો કર્યા. તે ઘણીવાર તેને મનાવવા ગયો, પરંતુ દરેક વખતે તેને નિષ્ફળતા જ હાથ લાગી. પત્નીને લેવા ગયેલા યુવકને સાસરિયાએ માર માર્યો નિલેશે લગ્નજીવન બચાવવા માટે સતત પ્રયાસો ચાલુ રાખ્યા. જ્યારે તેની પત્ની પરત ન આવી, ત્યારે તે તેને સમજાવવા અને ઘરે પાછી લાવવા માટે પીપળી ગામે ગયો. ત્યાં, તેના સાસરિયા પક્ષમાંથી સસરા કાનાભાઈ રાવલિયા, પત્ની જિજ્ઞાસા, અને અન્ય બે વ્યક્તિઓએ (જેમાં કાજલ રાવલિયા અને તેનો પતિ નીતિન રાવલિયાનો સમાવેશ થાય છે) ભેગા મળીને નિલેશને ઢોર માર માર્યો. આટલું જ નહીં, પરંતુ તેઓએ નિલેશને અપશબ્દો પણ કહ્યા. 'માર ભાઈને માર મારી સમાધાન માટે 10 લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી' આ મામલે મૃતકની બહેન સવિતાબેન પરમારે જણાવ્યું કે, "મારો ભાઈ તેને લેવા ગયો હતો, ત્યારે તેના સાસરિયાઓએ તેને ગંભીર રીતે માર્યો હતો. તેઓએ સમાધાન કરવા માટે દસ લાખ રૂપિયાની માંગણી કરી હતી. અમે મજૂરી કરીને અમારો ગુજરાન ચલાવીએ છીએ. મારો ભાઈ આટલી મોટી રકમ ક્યાંથી લાવી શકે? પૈસા ન આપવાના કારણે મારા ભાઈને ખૂબ ત્રાસ આપવામાં આવ્યો હતો." આપઘાતનો પ્રયાસ અને બાર દિવસનો સંઘર્ષ સાસરિયાઓ દ્વારા કરવામાં આવેલા શારીરિક અને માનસિક ત્રાસથી નિલેશ સંપૂર્ણપણે ભાંગી પડ્યો હતો. તેને લાગ્યું કે હવે તેના જીવનનો કોઈ અર્થ નથી રહ્યો. 26 જુલાઈના રોજ તેણે હતાશામાં આવીને એસિડ પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. તેને તાત્કાલિક કેશોદની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો. જોકે, તેની ગંભીર હાલત જોતા તેને વધુ સારવાર માટે જૂનાગઢ અને ત્યારબાદ રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. નિલેશે બાર દિવસ સુધી મૃત્યુ સામે સંઘર્ષ કર્યો, પરંતુ આખરે ૨ ઓગસ્ટના રોજ રાજકોટ ખાતે તેનું દુઃખદ અવસાન થયું. આ સમાચાર મળતા જ તેના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો અને છ બહેનોએ પોતાના એકના એક ભાઈને ગુમાવ્યો. નિલેશે આપઘાત કરતા પહેલા સુસાઈડ નોટ લખી નિલેશે આપઘાત કરતા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેણે પોતાની વેદના અને ત્રાસ આપનાર વ્યક્તિઓના નામ સ્પષ્ટપણે લખ્યા છે. જેમાં લખ્યું છે કે, "મારી હારે ફ્રોડ થયો હોવાથી હું આ પગલું ભરું છું. મારા મેરેજ જિજ્ઞાસા રાવલિયા રહેઠાણ પીપળી (બાવાની) સાથે કર્યા. બે મહિના બાદ તે તેના ઘરે જતી રહી, ત્યારબાદ હું તેને પાછી લાવ્યા બાદ તે 15 દિવસ રહી અને પાછી ચાલી ગઈ, ત્યારથી મને બ્લોક કરી દીધો. પછી મને કાજલ રાવલિયા તથા તેમનો પતિ નીતિન રાવલિયા ધમકી આપી રહ્યા છે, 10 લાખ રૂપિયા આપ, એમ તેના પપ્પા કાનભાઈ રાવલિયાએ પણ એ જ માંગણી કરી હતી. જિજ્ઞાસા રાવલિયાને મારી સાથે મેરેજ નહોતા કરવા તો મારી જિંદગી શું કામ બગાડી? હું મારી છ બહેનોનો એક ભાઈ હતો. હું મારી જિંદગી સારી રીતે જીવતો હતો. મેં કોઈનું અત્યાર સુધીમાં ખરાબ નથી કર્યું તો મારી હારે કેમ એવું કર્યું? એને (પત્ની જિજ્ઞાસા રાવલિયાને ઉદ્દેશીને) હું મરી જાઉં તો મને માફ કરજે..બાય... આ રક્ષાબંધને અમે રાખડી કોને બાંધીશું? નિલેશના અવસાન બાદ તેની બહેનોએ ભારે હૈયે પોતાની વેદના વ્યક્ત કરી. સવિતાબેન પરમારે જણાવ્યું, "અમારે છ બહેનો વચ્ચે તે એકનો એક ભાઈ હતો. અમે રક્ષાબંધનનો તહેવાર આવવાનો છે. હવે અમે કોને રાખડી બાંધશું? અમે નિરાધાર થઈ ગયા છીએ. અમારા ભાઈને મરવા મજબૂર કરનાર જવાબદાર વ્યક્તિઓને કડકમાં કડક સજા થાય અને અમને ન્યાય મળે તેવી અમારી માંગ છે. આ સમાચાર પણ વાંચોઃ અમદાવાદમાં પોલીસ પતિની હત્યા કરી પત્નીનો આપઘાત સુરત બાદ અમદાવાદમાં પણ લગ્નેતર સંબંધનો કરુણ અંજામ આવ્યો છે. મૂળ રાજકોટ જસદણના અને હાલમાં દાણીલીમડા પોલીસલાઇનમાં રહેતા પોલીસકર્મચારી મુકેશભાઈ પરમારનું મહિલા પોલીસકર્મચારી સાથે અફેર ચાલતું હતું. તેઓ થોડા દિવસ પોતાની પત્ની જોડે અને થોડા દિવસ પ્રેમિકા પાસે રહેતા હતા. આ બાબતે મૃતક પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા પણ થતા હતા. આ મામલે આજે(4 ઓગસ્ટ) મામલો ઉગ્ર બનતાં તેમને પહેલા પત્ની સંગીતાબેનને હેલ્મેટ માર્યું, બાદમાં પત્નીએ પતિને ઘોડિયાનો પાયો મારતાં તેમનું મોત નીપજ્યું હતું. હત્યા બાદ પત્નીએ સુસાઇડ નોટ લખી ગળાફાંસો ખાઈ લીધો હતો. (સંપૂર્ણ સમાચાર વાંચો)

What's Your Reaction?






