ઉત્તરાખંડમાં ફસાયેલા 141 ગુજરાતીઓ સુરક્ષિત:તમામ પ્રવાસીઓને પરત લાવવાની કામગીરી શરૂ કરી દેવાઇ, ગુજરાત સરકાર ત્યાંની સરકાર સાથે સતત સંપર્કમાં
પાટણ જિલ્લામાંથી ચારધામની યાત્રાએ ગયેલા 24 જેટલા યાત્રિક સહિત ગુજરાતના કુલ 141 જેટલા પ્રવાસીઓ ઉત્તરાખંડમાં ફસાયા છે. જે તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે. તમામને પરત લાવવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે. ગુજરાત સરકાર ત્યાંની સરકાર સાથે સતત સંપર્કમાં હોવાનું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે. ગુજરાતના 141 પ્રવાસીઓને પરત લાવવાની કામગીરી શરૂ:ઋષિકેશ પટેલ ઉતરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં મંગળવારે વરસેલા ભારે વરસાદ પછી ખીર ગંગા નદીમાં અચાનક આવેલા પૂરના કારણે ધારેલી શહેરમાં સર્જાયેલ પુરની સ્થિતિ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, ભાવનગર અને વડોદરાના પ્રવાસીઓ ત્યાં હોવાની માહિતી રાજ્ય સરકારને મળી છે. રાજ્ય સરકારના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના અધિકારીઓ ઉત્તરાખંડના એસ.સી.ઓ.સીના અધિકારીઓ સાથે સંપર્કમાં રહીને ગુજરાતના 141 પ્રવાસીઓને પરત લાવવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે. તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે: પ્રવક્તા મંત્રી વધુમાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, હાલની ખરાબ વાતાવરણની પરિસ્થિતિને ધ્યાને રાખીને આ પ્રવાસીઓનો એરલિફ્ટ પોસિબલ ન હોવાનું ત્યાંની સરકારે જણાવ્યું છે. તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે જેમને મેડિકલ આસિસ્ટન્ટની જરૂર પડી છે તેમને તમામ પ્રકારની મેડિકલ સારવાર સહાય પૂરી પાડવામાં આવી રહી હોવાનું ઉત્તરાખંડ સરકારે જણાવ્યું છે. વધુમાં ઉમેર્યું કે, રાજ્ય સરકાર ગુજરાતથી ઉતરાખંડના ઉત્તર કાશી જગ્યામાં ફસાયેલા પ્રત્યેક નાગરિકને બચાવવા માટે પ્રયત્નશીલ અને કટિબદ્ધ છે. રાજ્ય સરકાર સતત ઉતરાખંડ સરકારના સતત સંપર્કમાં રહીને વહેલી તકે તમામ ગુજરાતના પ્રવાસીઓનો રેસ્ક્યુ કરી લેવામાં આવશે. તમામ લોકોના ફોન સ્વિચઓફ હારીજથી પહેલી ઓગસ્ટે ચારધામની યાત્રા કરવા માટે રાવળ સમાજના સગાંસંબંધીઓનું 12 સભ્યનું ગ્રુપ ટ્રેનમાં રવાના થયું હતું. જ્યારે ચાણસ્મા અને વડાવલીના મળીને 24 જેટલા પ્રવાસીનો ઉત્તરાખંડમાં મંગળવારે વાદળ ફાટવાની ઘટના બાદ મોડીરાતથી સંપર્ક થઈ રહ્યો નથી. તમામ લોકોના ફોન સ્વિચઓફ આવી રહ્યા હોવાથી તેઓ સંપર્કવિહોણા બનતાં હારીજનો રાવળ પરિવાર તેમની ભાળ મેળવવા માટે તંત્રમાં જાણ કરી છે, સાથે જ પરિવારના તમામ સભ્યો ચિંતિત બન્યા છે. 'મંગળવારે વાત થઈ ત્યારે તમામ સ્વસ્થ હતા' ચારધામની યાત્રાએ ગયેલા રમેશભાઈ રાવળના દીકરા પ્રવીણભાઈ રાવળે જણાવ્યું હતું કે મમ્મી-પપ્પા, કાકા-કાકી અને બીજા સંબંધીઓ સાથે પહેલી ઓગસ્ટના રોજ ચારધામની યાત્રાએ નીકળ્યા હતા. ગંગોત્રી પહોંચતાં પહેલાં મંગળવારે વાત થઈ ત્યારે તમામ સ્વસ્થ હતા. વાદળ ફાટવાની ઘટના અંગે અમને જાણ થતાં સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, અમારે તેમના કોઈ સંપર્ક ન થતાં અમે ચિંતાતુર છીએ, છેલ્લે લોકેશન ગંગોત્રીમાં બતાવે છે, પણ સંપર્ક થતો નથી. તમામ લોકો 50 વર્ષથી વધુ ઉંમરના છે. 'ડ્રાઇવરે અમને કહ્યું- ગંગોત્રીમાં બધા સુરક્ષિત છે' પ્રવીણભાઈ રાવળે વધુમાં જણાવ્યું, ગત મોડીરાત્રે ટૂર લઈ જનાર ડ્રાઇવર સાથે ટેલિફોનિક વાત થઈ હતી. તેમણે અમને જણાવ્યું હતું કે ગાડી નીચે ઊભી છે અને યાત્રિકો ગંગોત્રીમાં સુરક્ષિત જગ્યાએ છે. પાટણ ઉપરાંત ગંગોત્રીમાં 400થી વધુ લોકો સુરક્ષિત જગ્યાએ રખાયા હોવાનું ડ્રાઇવરે જણાવ્યું છે, જેથી પરિવારજનોએ થોડો હાશકારો અનુભવે છે, પરંતુ હજી સુધી પરિવારના કોઈપણ સભ્યનો ટેલિફોનિક સંપર્ક ન થતાં હાલમાં પણ પરિવાર ચિંતિત બન્યો છે. 'પરિવારજનો સાથે વાત ન થાય ત્યાં સુધી કેમ માનવું?' જયંતીભાઈ રાવળે જણાવ્યું હતું કે પાંચ તારીખ પછી અમારે કોઇ જોડે સંપર્ક નથી થયો. ખાલી સમાચાર આવે છે કે બધા સુરક્ષિત છે, પણ જ્યાં સુધી પરિવારજનો જોડે વાત ન થાય ત્યાં સુધી કંઇ માની શકાય નહીં. અમે ખૂબ ચિંતામાં છીએ, અમે વહીવટી તંત્રમાં રજૂઆત પણ કરી છે. વડાવલીમાં પણ પરિવારજનો ચિંતિત બીજી તરફ ચાણસ્માના વડાવલી ગામના નવ જેટલા પ્રવાસી ફસાતાં પરિવારજનો ચિંતિત છે. આ અંગે ગામના સરપંચ દ્વારા વહીવટી તંત્રને પણ જાણ કરવામાં આવી છે. અહીં પણ પરિવારના સભ્યોની ડ્રાઇવર સાથે વાત થતાં તેઓ સુરક્ષિત હોવાનું જણાવ્યુ છે, પરંતુ પરિવારના કોઈપણ સભ્યનો ત્યાંથી ટેલિફોનિક સંપર્ક ન થતાં પરિવાર હજુ ચિંતિત બન્યો છે. 'અમને કીધું, રાત્રે ફોન કરજો, પછી ફોન જ બંધ થઇ ગયા' વડાવલી ગામમાં યાત્રિકોના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે ત્રણ દિવસ અગાઉ ટેલિફોનિક વાતચીત થઈ હતી, એમાં તેમણે જણાવ્યું હતું કે ત્રણ ગાડી લઈને અમે ગણગોત્રી જવા નીકળ્યા છીએ, રાત્રે અમારો સંપર્ક કરજો, પરંતુ ત્યારથી અત્યારસુધી કોઈપણ વ્યક્તિ સાથે ટેલિફોનિક વાતચીત થઈ નથી. હાલમાં તમામ લોકોના ફોન બંધ આવે છે, જેથી અમે ચિંતામાં મુકાયા છીએ. 'અધિકારીઓને મોબાઇલ નંબર સહિતની માહિતી આપી છે' વડાવલી ગામના સરપંચે જણાવ્યું હતું કે વહીવટી તંત્રના અધિકારીઓને ગામમાંથી ચારધામની યાત્રાએ ગયેલા તમામ યાત્રિકોની ટેલિફોન નંબર સાથેની માહિતી આપવામાં આવી છે. પરિવારના એક સભ્ય- ગાડીના ડ્રાઈવર સાથે વાતચીત થતાં પરિવારના સભ્યો સુરક્ષિત હોવાનું જણાવ્યું છે, પણ હજી સુધી એકપણ પરિવારના સભ્ય સાથે ટેલિફોનિક વાતચીત થઈ નથી, જેથી સમગ્ર ગામ લોકોમાં યાત્રિકોને લઈ ચિંતા જોવા મળી રહી છે. વાતાવરણ સુધરતાં તમામનું હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ કરાશે.: અધિક કલેક્ટર આ અંગે પાટણ નિવાસી અધિક કલેક્ટર વી.સી. બોડાણાએ જણાવ્યું હતું કે પાટણ જિલ્લાના હારીજ અને ચાણસ્મા તાલુકામાંથી કુલ 15 જેટલા યાત્રાળુ ઉત્તરાખંડ રાજ્યમાં યાત્રાએ ગયા છે તેના ઉત્તર કાશીના કંટ્રોલરૂમ સાથે અમે સંપર્કમાં છીએ, તેના ટૂર ઓપરેટર સાથે પણ વાતચીત થઈ છે અને તમામ યાત્રાળુઓ સુરક્ષિત છે. તેમના પરિવારનો પણ સંપર્ક કરી તેમનાં પરિવારજનો સહી સલામત છે એવું જણાવ્યું છે. ત્યાંનું વાતાવરણ હાલ સારું ન હોઈ, કનેક્ટિવિટી મોબાઈલ કનેક્ટિવિટી ડેમેજ છે માટે તે લોકોનો સંપર્ક થઈ શકતો નથી, વાતાવરણ સુધરશે ત્યારે હેલિકોપ્ટર મારફત તેમનું રેસ્ક્યૂ કરી વારાફરથી અપડેટ લિસ્ટ કરવામાં આવશે. બીજી તરફ રાજ્ય સરકારે ઉતરાખંડ લેન્ડ સ્લાઇડમાં ગુજરાતના તમામ 141 પ્રવાસીઓ સેફ હોવાનું જણાવ્યુ

What's Your Reaction?






