'જીવનમાં સ્પષ્ટ બોલનાર વ્યકિત ઈન્જેકશન જેવી હોય છે':રાજકોટ મનપાની આમંત્રણ પત્રિકામાંથી નામની બાદબાકીના વિવાદ વચ્ચે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની સૂચક પોસ્ટ
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13 અને 14માં 1 ઓગસ્ટે યોજાયેલા 'નંદઘર'ના લોકાર્પણ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાંથી રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાના નામની બાદબાકી કરી દેવાતા વિવાદ સર્જાયો છે. રામભાઈ જાહેર કાર્યક્રમોમાં ખુલ્લી બોલતા હોય પક્ષે જ તેને જાહેર કાર્યક્રમોથી દૂર રાખવાની સૂચના આપી હોવાની વાતો વહેતી થતા શહેર ભાજપ પ્રમુખ અને મેયરે સ્પષ્ટતા કરવી પડી હતી. તો બીજી તરફ હાલ દિલ્હીમાં સંસદનું સત્ર ચાલી રહ્યું હોય રામભાઈ દિલ્હીમાં હોવાથી તેની પ્રતિક્રિયા સામે આવી નથી. પરંતુ, છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયામાં અલગ અલગ પોસ્ટ કરી રાજકોટમાં ચાલી રહેલા વિવાદ પર સૂચક જવાબ આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. રામ મોકરિયાએ આજે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા લખ્યું કે, જીવનમાં સ્પષ્ટ બોલનાર વ્યકિત ઈન્જેકશન જેવી હોય છે. તે થોડા સમય માટે દુઃખે છે પણ ફાયદો આજીવન રહે છે. રામભાઈના સૂચક પોસ્ટ પહેલા સમગ્ર વિવાદ જાણી લઈએ રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13 અને 14માં નવનિર્મિત નંદઘરના લોકાર્પણનો કાર્યક્રમ 1 ઓગસ્ટે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં રાજકોટ મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓ સહિત લોકસભાના સાંસદ પુરુષોત્તમ રૂપાલાનું નામ હતું. પરંતુ, કોઈ કારણોસર રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાના નામની જ બાદબાકી કરી દેવાતા વિવાદ સર્જાયો હતો. રામભાઈ પક્ષની ચિંતા કર્યા વગર જાહેર કાર્યક્રમમાં બોલતા હોય તેને કાર્યક્રમોથી દૂર રાખવા માટે સૂચના અપાઈ હોવાની સૂચના આપવામાં આવી હોવાની ચર્ચા શરૂ થઈ હતી. જો કે, આ પ્રકારની કોઈ બાબત ન હોવાનું રાજકોટ શહેર ભાજપ પ્રમુખ અને મેયરે જણાવ્યું હતું. 'રામભાઈ સાચાબોલા'ને આખાબોલા છે, અમે કોઈ માઠું લગાડતા નથી કે બાદબાકી કરતા નથી' રાજકોટ મનપાના કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાંથી રાજ્યસભાના સાંસદના નામની બાદબાકી મુદ્દે બે દિવસ પહેલા મેયર નયનાબેન પેઢડિયાએ જણાવ્યું હતું કે, રામભાઈ આખાબોલા અને સાચાબોલા છે. અમે કોઈ માઠું લગાડતા નથી કે અમારા વડીલની બાદબાકી કરતા નથી. (સંપૂર્ણ સમાચાર વાંચો) બે દિવસમાં સોશિયલ મીડિયા પર બે પોસ્ટ કરી જવાબ આપ્યો દિલ્હીમાં હાલ સંસદનું સત્ર ચાલી રહ્યું હોય રામ મોકરિયા ત્યાં હાજર છે. રાજકોટના વિવાદ પર તેઓ પૂર્ણ વિરામ મૂકે છે કે સવાલો ઉભા કરે છે તે જોવું મહત્વનું રહેશે. હાલ તો તે છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પોતાના વિરોધીઓને જવાબ આપતા હોય તેમ લાગી રહ્યું છે. પોતાના વિશે એક બુકમાં લખાયેલા પરિચયનું પેજ પોસ્ટ કર્યું 6 ઓગસ્ટે રામ મોકરિયાએ એક બુકના પેજનો સ્ક્રીન શોટ શેર કર્યો હતો. જેમાં લખાયેલું છે કે, રાજ્યસભાના સભ્ય થયા પછી રાજકોટ શહેર ભાજપ એકમના પદાધિકારીઓ સાથે માન સન્માનના પ્રશ્ને ઘર્ષણ થતા રહેતા હતા. સ્થાનિક સ્તરે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજકોટ શહેર પોલીસ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલતા ગેરવહીવટ, ભ્રષ્ટાચારના પ્રશ્નો આગળ કર્યા હતા. ઈન્જેકશનનું ઉદાહરણ આપી કટાક્ષ કર્યો રામ મોકરિયા રાજ્યસભાના સાંસદ બન્યા બાદ વહીવટીતંત્ર સાથે બેઠક હોય કે પક્ષનો કાર્યક્રમ હોય સ્પષ્ટ બોલતા હોય છે. જેના કારણે વિવાદ પણ સર્જાતા રહે છે. આજે ( 7 ઓગસ્ટે) કરેલી સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, 'જીવનમાં સ્પષ્ટલ બોલનાર વ્યકિત ઈન્જેકશન જેવી હોય છે. તે થોડા સમય માટે દુઃખે છે પણ ફાયદો આજીવન રહે છે.' રાજકારણના આ સમાચાર પણ વાંચોઃ પૂર્વ મંત્રીની ચેલેન્જ-'ભ્રષ્ટાચારમાં નામ આવે તો આપઘાત કરી લઈશ' રાજકોટના રાજકારણના 50 વર્ષ પૂર્ણ કરતા ભાજપના સિનિયર આગેવાન અને પૂર્વ મંત્રી ગોવિંદ પટેલે આજે(7 ઓગસ્ટ, 2025) પોતાનો 76મો જન્મ દિવસ ઉજવ્યો હતો. જેમાં તેમણે રાજકીય સફરના અનુભવો વર્ણવ્યા હતા.તેમણે શિક્ષણ સમિતિનો સ ન આવડતો હોવા છતાં ચેરમેન બનાવ્યા હોવાનું નિખાલસપૂર્વક સ્વીકાર્યું હતું. આ ઉપરાંત જૂથવાદ અંગે જણાવ્યું કે, ઝાઝા વાસણ હોય તો ખખડે. જોકે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મોકરીયાની અવગણના અંગે મૌન રહ્યા અને પોતાનું ક્યાંક ભ્રષ્ટાચારમાં નામ આવે તો આપઘાત કરી લેશે તેવી ચેલેન્જ પણ આપી. ( સંપૂર્ણ સમાચાર વાંચો)

What's Your Reaction?






