શ્વેતલ સૂતરિયાએ એક નહીં, બે પ્રોફેસર પાસે 75-75 લાખ માગ્યા:પત્નીને સરકારી પરીક્ષા પાસ કરાવવા કેન્દ્ર સુધી પહોંચ્યા, યુનિ.માં MSWનો કોર્સ બંધ થતાં તેમની ઉડાન ઇન્સ્ટિ.માં ચાલુ કર્યો
ગુજરાત યુનિવર્સિટીમાં સરકાર દ્વારા નિયુક્ત સિન્ડિકેટ સભ્ય અને ABVPના કોષાધ્યક્ષ શ્વેતલ સુતરિયાએ યુનિ.ના HRDC (હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ સેન્ટર)ના ડાયરેક્ટરને ધમકી આપીને 75 લાખ માગ્યા હતા. જોકે, આ મામલે ગુજરાત યુનિ.માં ફરિયાદ કરતા ખૂબ મોટો વિવાદ થયો હતો. જે બાદ શ્વેતલ સુતરિયાનું રાજીનામુ લેવામાં આવ્યું છે. શ્વેતલ સુતરિયાએ માત્ર આ ડાયરેક્ટરને જ નહીં પરંતુ સરકારી ભરતી પરીક્ષા લેતા એક સેક્શન અધિકારીને પણ ધમકી આપીને 75 લાખની માગણી કરી હતી. એટલે કે, કુલ બે વ્યક્તિઓ પાસેથી 1.50 કરોડની માગણી કરી હતી. એટલું જ નહીં પોતાની પત્નીને સરકારી ભરતીની પરીક્ષામાં પાસ કરાવવા માટે પરીક્ષા કેન્દ્ર સુધી પણ પહોંચ્યા હતા. જગદીશ જોશીને ઘર ભેગા કરવાની ધમકી આપી 75 લાખ માગ્યા હતા ABVPમાં વર્ષોથી રહેલા અને ગુજરાત યુનિવર્સિટીના બીજી ટર્મના સિન્ડિકેટ સભ્ય તરીકે નિમણૂક થયેલા શ્વેતલ સુતરિયાએ ગુજરાત યુનિવર્સિટીના હ્યુમન રિસર્ચ ડેવલોપમેન્ટ સેન્ટરના ડાયરેક્ટર પ્રોફેસર જગદીશ જોશીને પોતાની ઓફિસ બોલાવીને 75 લાખ રૂપિયાની માંગણી કરી હતી. ગ્રાન્ટમાંથી જે રકમ આવે છે તેમાંથી પૈસા આપવા પડશે તેવું કહ્યું હતું અને જો પૈસા ના આપે તો જગદીશ જોશી વિરુદ્ધ અને તેમના વિભાગ વિરુદ્ધ એક ફરિયાદ કરીને તેની તપાસ કમિટી બનાવી જગદીશ જોશીને ઘર ભેગા કરવાની ધમકી આપી હતી. આ અંગે જગદીશ જોશીએ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને પુરાવા સાથે ફરિયાદ કરી હતી. જેથી કુલપતિ કચેરી દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. લાંબા વિવાદ બાદ અને મીડિયામાં મામલો સામે આવતા શ્વેતલ સુતરિયાનું રાજીનામું ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવ્યું છે. સરકારી ભરતી પરીક્ષા લેતા OSD પાસે પણ 75 લાખ માગ્યા હતા શ્વેતલ સુતરિયાએ માત્ર એક વિભાગના વડા પાસે નહીં પરંતુ ગુજરાત યુનિવર્સિટીના સેક્શન ઓફિસર અને સ્પર્ધાત્મક સરકારી ભરતીની પરીક્ષાની કામગીરી સંભાળી રહેલા ઓએસડી ધર્મેન્દ્ર ચાવડા પાસે પણ 75 લાખ રૂપિયાની માંગણી કરી હતી.તેમના પરીક્ષાના થતી આવકમાંથી 75 લાખ રૂપિયા આપવા પડશે નહીં તો તેમની સામે પણ ફરિયાદ કરવાની ધમકી આપીને તેમાં તપાસ કમિટીમાં પોતે તથા અન્ય સિન્ડિકેટ સભ્યોને સાથે રાખીને ધર્મેન્દ્ર ચાવડાને પણ ઘર ભેગા કરી દેવાની ધમકી આપી હતી. પત્નીને સરકારી પાસ કરાવવા કેન્દ્ર સુધી પહોંચ્યા હતા એટલું જ નહીં શ્વેતલ સુતરિયાના પત્ની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતીની પરીક્ષા આપવા માટે ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા કેન્દ્રમાં આવ્યા હતા. આ ભરતી પ્રક્રિયાની પરીક્ષા ધર્મેન્દ્ર ચાવડાની અધ્યક્ષતામાં લેવાઈ રહી હતી. આ દરમિયાન શ્વેતલ સુતરિયા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચ્યા હતા અને પોતાની પત્નીને પાસ કરાવવા માટેના અનેક પ્રયત્નો કર્યા હતા. પરંતુ તેમના આ પ્રયત્નોમાં તેમને સફળતા મળી ન હતી. ધર્મેન્દ્ર ચાવડા અને અન્ય લોકોએ તેમને મનાઈ કરી દીધી હતી જેથી તેઓ પરત ગયા હતા. આ ઘટનાના સીસીટીવી પણ ગુજરાત યુનિવર્સિટી પાસે પુરાવા તરીકે રાખવામાં આવ્યા છે. શ્વેતલ સુતરિયાએ બંને વિરુદ્ધ રજિસ્ટ્રારને ફરિયાદ કરી હતી આ તમામ ઘટના બન્યા બાદ ધર્મેન્દ્ર ચાવડા અને જગદીશ જોશીએ શ્વેતલ સુતરિયાને 75-75 લાખ રૂપિયા ના આપતા શ્વેતલ સુતરિયાએ 31 ઓક્ટોબરે બંને વિરુદ્ધ ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રારને લેખિતમાં ફરિયાદ કરી હતી. ખર્ચ તથા આવકની વિગતવાર અહેવાલ માંગ્યો હતો. આ બંનેને ધમકી પણ આપી હતી કે આ ફરિયાદમાં તે તપાસ કમિટી બનાવશે જેમાં તપાસ કમિટીના ચેરમેન સિન્ડિકેટ સભ્ય અને તેમના ગુરુ આશિષ અમીન રહેશે અને તે તપાસ કમિટીના સભ્ય રહેશે તથા અન્ય લોકોને પણ સાથે રાખશે. જે બાદ અગાઉ જેમ તેમણે એક ધારાસભ્ય સાથે રહીને યુનિવર્સિટીના અન્ય પ્રોફેસર વિરુદ્ધ સીએમઓ અને પીએમઓમાં ફરિયાદ કરી હતી તેમ કરીને તેમને યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ કરી ઘર ભેગા કરશે. યુનિ.માં MSWનો કોર્સ બંધ થતાં તેમની ઉડાન ઇન્સ્ટિટ્યૂટમાં ચાલુ કર્યો ગુજરાત યુનિવર્સિટીના સમાજવિદ્યા ભવનમાં એમએસડબલ્યુનો કોર્સ પણ ચાલી રહ્યો હતો. આ કોર્સ યુનિવર્સિટી દ્વારા વિવાદના કારણે બંધ કરવામાં આવ્યો હતો. આ વર્ષે જ્યારે કોર્સ બંધ કરવામાં આવ્યો ત્યારે શ્વેતલ સુતરિયાની ભલામણથી શ્વેતલ સુતરિયા જે ઉડાન ઇન્સ્ટિટ્યૂટમાં ટ્રસ્ટી છે તે ઇન્સ્ટિટયૂટમાં આ ખાનગી કોર્સ ચલાવવામાં આવી રહ્યો છે. જેની 60 બેઠકની ગુજરાત યુનિવર્સિટી દ્વારા તેમને મંજૂરી પણ આપવામાં આવી છે. એટલે કે ગુજરાત યુનિવર્સિટીના અંદર જે કોર્સ ચાલી રહ્યો હતો તે કોર્સ હવે તેમની ખાનગી ઇન્સ્ટિટયૂટમાં ચાલી રહ્યો છે. જેમાં એક વિદ્યાર્થી દીઠ 15,000 રૂપિયા ફી પણ રાખવામાં આવી છે. મેં તપાસમાં સહકાર માટે જાતે જ રાજીનામું આપ્યું છે: શ્વેતલ સુતરિયા દિવ્ય ભાસ્કરે શ્વેતલ સુતરિયા સાથે વાતચીત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે, મેં જગદીશ જોશી અને ધર્મેન્દ્ર ચાવડા વિરોધ તેમના કૌભાંડની ફરિયાદ કરી છે તેથી તેમણે મારા સામે 75 લાખની માંગણીની ખોટી ફરિયાદ કરી છે. આ અંગે આવનારા દિવસોમાં હું પુરાવા આપીશ. મેં તપાસમાં સહકાર માટે જાતે જ રાજીનામું આપ્યું છે.

What's Your Reaction?






