ટેરિફ પર ટકરાવ: બ્રાઝિલે ટ્રમ્પને રોકડું પરખાવ્યું:લુલા ડિ સિલ્વાનો જવાબ- હું PM મોદીને ફોન કરીશ, જિનપિંગને ફોન કરીશ; પણ ટ્રમ્પને નહીં
અમેરિકા તરફથી 50% ટેરિફ અંગેના તણાવ વચ્ચે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડિ સિલ્વાએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરવાનો ઇનકાર કર્યો છે. ટ્રમ્પે કહ્યું છે કે લુલા જ્યારે ઇચ્છે ત્યારે મારી સાથે વાત કરી શકે છે. લુલાએ આ પ્રસ્તાવ ફગાવી દીધો છે. લુલાએ કહ્યું કે તેઓ ટ્રમ્પને ટેરિફ વિશે વાતચીત કરવા માટે ફોન નહીં કરે. તેમણે કહ્યું કે બ્રાઝિલ આ મુદ્દાના ઉકેલ માટે વિશ્વ વેપાર સંગઠન (WTO)નો આશરો લેશે. રાજધાની બ્રાઝિલિયામાં એક કાર્યક્રમ દરમિયાન, લુલાએ કહ્યું, હું શી જિનપિંગને ફોન કરીશ, હું વડાપ્રધાન મોદીને ફોન કરીશ, પણ ટ્રમ્પને ફોન નહીં કરું. હું પુતિનને ફોન નહીં કરું કારણ કે તેઓ અત્યારે યાત્રા કરી શકતા નથી. પણ હું બીજા ઘણા રાષ્ટ્રપતિઓ સાથે વાત કરીશ. ટ્રમ્પે બ્રાઝિલ પર 50% ટેરિફ લાદ્યો અમેરિકાએ હાલમાં બ્રાઝિલ પર 50% ટેરિફ લાદ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, પૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો સામે કરવામાં આવી રહેલી કાર્યવાહીને કારણે આ ટેરિફ લાદવામાં આવ્યો છે. ટ્રમ્પે બોલ્સોનારો સામેની કાર્યવાહીને બદલાની કાર્યવાહી ગણાવી છે. 2022ની ચૂંટણી હાર્યા બાદ બોલ્સોનારો પર બળવાનું કાવતરું ઘડવાનો આરોપ છે. આનાથી વોશિંગ્ટન અને રિયો ડી જાનેરો વચ્ચેના સંબંધો વધુ બગડ્યા છે. બોલ્સોનારો પર 8 જાન્યુઆરી 2023ના રોજ બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયામાં થયેલા રમખાણો માટે કથિત રીતે બળવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. ટ્રમ્પની માંગ- બોલ્સોનારોનો કેસ બંધ થવો જોઈએ ટ્રમ્પે ગયા મહિને એક નિવેદનમાં કહ્યું હતું કે બ્રાઝિલમાં મુક્ત ચૂંટણીઓ પર હુમલો થઈ રહ્યો છે અને અમેરિકન લોકોની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર નિયંત્રણ કરવામાં આવી રહ્યું છે. આ કારણે, 1 ઓગસ્ટ, 2025 થી બ્રાઝિલથી અમેરિકા આવતા તમામ ઉત્પાદનો પર 50% ટેરિફ લાદવામાં આવશે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, "બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બોલ્સોનારો એક આદરણીય નેતા છે. તેમની સાથે જે રીતે વર્તન કરવામાં આવ્યું તે આંતરરાષ્ટ્રીય સ્તરે શરમજનક છે. આ કેસ તાત્કાલિક બંધ થવો જોઈએ." તેમણે બ્રાઝિલની સુપ્રીમ કોર્ટના બોલ્સોનારોને આગામી ચૂંટણીમાં ભાગ લેવાથી રોકવાના આદેશ અને ટ્રમ્પના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ અને રમ્બલ પર સેન્સરશીપના આદેશોનો પણ ઉલ્લેખ કર્યો.

What's Your Reaction?






