‘એક વર્ષનો હતો ત્યારથી તબલાં વગાડું છું’:સુરતના નાનકડા તબલા માસ્ટર મોલુ પર પૈસાનો વરસાદ, ‘કીર્તિદાનથી જિજ્ઞેશ કવિરાજ સુધી બધા ડાયરામાં મને બોલાવે છે’
‘હું 6 વર્ષનો હતો ત્યારે મેં પહેલી વાર બહુ મોટા સ્ટેજ પર તબલાં વગાડ્યાં હતાં. બહુ જ મોટું બધું સ્ટેજ હતું અને ઝાઝું બધું પબ્લિક ય હતું, પણ મને જરાય બીક નહોતી લાગી, હોં! હું તો મસ્ત મારી ધૂનમાં તબલાની ધૂન વગાડતો હતો.’ ‘કીર્તિદાન ગઢવી, જિગ્નેશ કવિરાજ, ઉમેશ બારોટ, રાજદાન ગઢવી, વિવેકભાઈ સંચાળા, ગોપાલ સાધુ સહિત મોટા ભાગના કલાકારો સાથે મેં તબલાં વગાડ્યાં છે. અને બધાયને તબલાં પર મારો હાથ બહુ જ ગમે છે.’ આ નાનકડા તબલા માસ્ટરને તમે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા પર જોયો જ હશે. 9 વર્ષનો મૌલિક હરિયાણી અત્યારે ગુજરાતી લોક સંગીતની દુનિયામાં ઘણું મોટું નામ કમાઈને બેઠો છે. એટલું જ નહીં, તબલાં પર પોતાના નાનકડા હાથની કમાલના કારણે સોશિયલ મીડિયા પર પણ મૌલિકનું ક્રેઝી ફેન ફોલોઇંગ છે, લાખો લોકો ‘મોલુ મ્યુઝિક’ના ફેન છે. ઇન્સ્ટાગ્રામ પર ‘મોલુ મ્યુઝિક’ના પોણા પાંચ લાખ ફોલોઅર્સ છે, જ્યારે યુટ્યુબ પર તેના સબસ્ક્રાઇબર્સનો આંકડો બે લાખને અડું અડું થાય છે. આવડી નાનકડી ઉંમરે ભણવાની સાથે સાથે આટલું મોટું સ્ટારડમ માણતા મૌલિક સાથે ‘દિવ્ય ભાસ્કરે’ વાત કરી. તો ચલો, મોલુ સાથે આજે આપણે પણ તબલાની થાપ પર વાતો માંડીએ. ધીનક ધીનક ધીન તા તા... પ્રશ્ન : પહેલાં તો તારું આખું નામ અને ઉંમર કહી દે અમને. મૌલિક : (જાણે કોઇ સ્કૂલની પરીક્ષા આપતો હોય તેમ કાલીઘેલી ભાષામાં મૌલિક જવાબ આપવા માંડ્યો) મારું નામ મૌલિક રાધેશ્યામભાઈ હરિયાણી. મારી ઉંમર 9 વર્ષ છે અને હું તબલાવાદક છું. હું અત્યારે ચોથા ધોરણમાં ભણું છું પ્રશ્ન : તારાં મમ્મી-પપ્પા શું કરે છે? મૌલિક : મારા પપ્પા TV ટેક્નિશિયન છે, અને મમ્મી ઘરકામ કરે છે. નવ વર્ષની નાનકડી ઉંમરે બહુ મોટું એક્સપોઝર મળવાને કારણે મૌલિકમાં થોડી ઠાવકાઇ આવી છે. પરંતુ હજીયે તેની અંદરનું બાળપણ અને તેની નિર્દોષતા હાવી છે. એટલે જ મીડિયા સાથે વાત કરતી વખતે મૌલિકને શું જવાબ આપવા તે સમજાય નહીં તે સ્વાભાવિક છે. આ માટે જ અમારી સાથે વાત કરતી વખતે મૌલિકના મોટા બાપુજી એવા ઘનશ્યામભાઇ હરિયાણી તેની સાથે બેઠા હતા, અને મૌલિક જ્યાં અટકે ત્યાં જવાબ આપતા હતા. પોતાના પરિવારની સંગીતમય પરંપરા વિશે વધુ માહિતી આપતા ઘનશ્યામભાઇએ ઉમેર્યું, ‘અમારું આખું ઘર ત્રણ પેઢીથી સંગીતમાં જ છે. મૌલિકના દાદા પરષોત્તમ હરિયાણી ભજનિક હતા. મારો મોટો દીકરો અવધીશ હરિયાણી સંગીતનો ટીચર છે અને સાથે સિંગર પણ છે. અને હવે અમારો મોલુ પણ તબલાવાદક અને ભજનિક થઈ ગયો છે. પ્રશ્ન : મૌલિક, તું આટલા બધા પ્રોગ્રામમાં તબલાં વગાડે છે. પણ હજીયે તું માંડ નવ વર્ષનો જ છો. તો તેં શરૂ ક્યારે કર્યું હતું? મૌલિક : હું તો નાનો હતો ત્યારથી જ તબલાં વગાડું છું! આંકડો માંડીને કહું તો હું 6 વર્ષનો હતો ત્યારથી જ પ્રોગ્રામ કરું છું. ઘનશ્યામભાઈ : એમ તો મોલુ એક વર્ષનો હતો ત્યારથી જ તબલાં પર થાપ મારવા માંડ્યો હતો. અમારા ઘરમાં તબલાં પડ્યાં હોય તો એ તબલાં સુધી પહોંચી ન શકે તો પણ એને બસ તબલાં જ વગાડવા હોય. જો કશું ન મળે તો એની પોતાની છાતી પર તબલાં વગાડવા માંડે. એના બંને હાથ તબલાની જેમ જ ટપાટપ થયા કરે. ઇશ્વરે જ એનામાં આ કળા ઉમેરીને મોકલ્યો છે એવું અમને લાગે છે. પ્રશ્ન : પહેલીવાર કોના પ્રોગ્રામમાં તબલાં વગાડવા ગયો હતો? મૌલિક : પહેલી વાર તો વિવેકભાઈ સાંચલાના પ્રોગ્રામમાં તબલાં વગાડ્યાં હતાં. બહુ જ મોટું બધું સ્ટેજ હતું અને દૂર દૂર સુધી દેખાય એટલું ઝાઝું બધું પબ્લિક ય હતું. પણ મને જરાય બીક નહોતી લાગી, હોં! (આટલું બોલતાં બોલતાં તો મૌલિકની નાનકડી આંખોમાં ઉત્સાહના દીવડા ટમટમવા માંડે છે.) પ્રશ્ન : તું આખો દિવસ શું શું કરે? તારું ટાઈમ ટેબલ શું હોય? અને તબલાં એમાં ક્યાં વાગે? મૌલિક : જુઓ, સવારે ઊઠીને ભણવાના ટ્યુશનમાં જઉં. બપોરે 12 વાગ્યાથી સ્કૂલે જવાનું. સાંજે ઘરે આવી 6 વાગ્યે તબલાંના ક્લાસીસમાં જતો રહું. એક કલાક શીખીને રાતે ઘરે આવું પછી જમીને તબલાંનો રિયાઝ કરવા બેસી જાઉં. ઊંઘ આવે ત્યાં સુધી આજે શીખ્યો હોય એ વગાડું ને પછી સૂઈ જઉં. પ્રશ્ન : તો ટ્યુશન, સ્કૂલ, તબલાં, રિયાઝ આ બધામાં તું થાકી નથી જતો? મૌલિક : બધું થઈ જાય. હું થાકતો જ નથી. મને તો આ બધું ગમે છે. ને ગમતી વસ્તુ કરીએ એમાં થાક શેનો લાગે? પ્રશ્ન : મહિને કેટલા પ્રોગ્રામમાં તબલાં વગાડવા જાય છે? મૌલિક : જેટલા મળે એટલા, ક્યારેક 2-3 આવે તો ક્યારેક 5-6 ય મળી જાય. પ્રશ્ન : તો બીજા દિવસે સવારે સ્કૂલે જવાનું હોય, ને પ્રોગ્રામ તો મોડી રાત સુધી ચાલતા હોય. પછી બીજા દિવસે સ્કૂલમાં ઊંઘ ન આવે? આ સવાલનો જવાબ મૌલિક આપે તે પહેલાં જ તેના મોટા પપ્પા ઘનશ્યામભાઇ બોલી ઊઠે છે... ઘનશ્યામભાઈ : અરે, ઊંઘ સાથે તો અમારા મોલુને 36નો આંકડો છે! ઊંઘ તો એને આવે જ નહિ અને થાકે પણ નહીં. અને કદાચ સ્કૂલમાં થોડું ઘણું મોડું થયું હોય તો સ્કૂલવાળા પણ ઘણો સપોર્ટ કરે છે. મૌલિક : સ્કૂલમાં તો બધા મારા ફેન છે, બધા બહુ જ પ્રેમ કરે છે. પ્રશ્ન : તને કોણ તબલાં વગાડે એ સૌથી વધુ ગમે? મૌલિક : ઉસ્તાદ ઝાકિર હુસૈન! એ મારા ફેવરિટ છે, મારે એમની જેવું જ બનવું છે. પ્રશ્ન : તબલા વગાડવામાં તને સૌથી અઘરું શું લાગે? મૌલિક : કંઈ જ નહીં, તબલાં વગાડવામાં તો મને કશું અઘરું લાગતું જ નથી. મારા હાથ તબલાં પર પડે અને અવનવી ધૂનો નીકળવા માંડે. પછી તો હું ક્યાંક કોઇ બીજી દુનિયામાં ખોવાઇ ગયો હોઉં એવું લાગવા માંડે. એટલે, કંઈ કહેતાં કંઈ જ અઘરું નથી લાગતું. પ્રશ્ન : કયા કયા મોટા કલાકારો સાથે તેં તબલાં વગાડ્યાં છે? મૌલિક : લગભગ બધા જ. બધા જ જાણીતા કલાકારો સાથે મેં તબલાં વગાડી લીધાં છે. કીર્તિદાન ગઢવી, જિગ્નેશ કવિરાજ, ઉમેશ બારોટ, રાજદાન ગઢવી, વિવેકભાઈ સંચાળા, ગોપાલ સાધુ સહિત મોટા ભાગના કલાકારો સાથે મેં તબલાં વગાડ્યા છે. અને બધા જ મારાં બહુ જ વખાણ કરે છે. પ્રશ્ન : ઘનશ્યામભાઈ, આટલા નાનકડા છોકરાનું આટલું મોટું સોશિયલ મીડિયા અને બિઝનેસ હેન્ડલ કરવા તમારે શું શું મહેનત કરવી પડે છે? ઘનશ્યામભાઈ : મૌલિકનું સોશિયલ મીડિયા અને બીજું બધું અવધીશ (મોટો ભાઈ) હેન્ડલ કરે છે અને બાકી એનું સ્કૂલે જવાનું અને ઘરનું બધુ હું સંભાળી લઉં છું. બને ત્યાં સુધી એવી ટ્રાય કરીએ છીએ કે, ક

What's Your Reaction?






