'માતા-પિતાના ઝઘડાને લીધે સ્કૂલે જવામાં શરમ આવતી':રણબીર કપૂરે જૂના દિવસો યાદ કર્યા- 'રાત્રે ઝઘડા અને વસ્તુ તૂટવાના અવાજથી ઊંઘ ઊડી જતી'
રણબીર કપૂર અને આલિયા ભટ્ટને બોલિવૂડના ક્યુટ કપલ માનવામાં આવે છે. આલિયા ઘણીવાર તેની લાઇફ વિશે અપડેટ આપતી રહે છે, પરંતુ રણબીર હંમેશા તેના અંગત જીવનને ખાનગી રાખે છે. સામાન્ય રીતે તે તેના રિલેશનશિપ વિશે કે ફેમેલી વિશે જાહેરમાં વાત કરતો નથી પરંતુ તેનો એક જૂનો ઇન્ટરવ્યૂ સામે આવ્યો છે, જેમાં તે તેના માતા-પિતા, નિતુ સિંહ અને ઋષિ કપૂર,ના સંબંધો, ઝઘડાઓના કારણે તેના પર કેવી અસર પડી તે વિશે ખૂલીને વાત કરે છે. TBIP (ધ બીગ ઇન્ડિયન પિક્ચર) મેગેઝીનને આપેલા એક જૂના ઇન્ટરવ્યૂમાં તેણે યાદ કર્યું કે, કેવી રીતે તે તેના માતા-પિતાના ઝઘડા અને વસ્તુઓ તોડવાના અવાજોથી રાત્રે જાગી જતો અને બેસી રહેતો. રણબીરે કહ્યું, 'તે સમયે પ્રેસની ચિંતા નહતી કારણ કે હું ફાયર ઝોનમાં હતો. હું મારા માતા-પિતા સાથે રહેતો હતો અને તેમને તે તબક્કામાંથી પસાર થતાં જોતો હતો, હું પણ તેમનો જ ભાગ હતો. હું ત્યાં જ હતો. અમે બંગલોમાં રહીએ છીએ. મારા માતા-પિતા નીચે રહે છે અને હું ઉપરના માળે. મને આજે પણ યાદ છે, હું અડધીરાત્રે 1 વાગ્યાથી વહેલી સવારે 5 વાગ્યા સુધી, સતત 4 કલાક સીડી પર બેસી રહેતો અને તેમના ઝઘડાઓ અને વસ્તુ તૂટવાના અવાજો સાંભળતો હતો.' રણબીરે જણાવ્યું કે, તેના માતા-પિતાના લગ્નજીવનની સમસ્યાઓ હેડલાઇન્સ બનતા હોવાથી તેને સ્કૂલમાં મિત્રોની ખૂબ શરમ આવતી હતી. રણબીરે કહ્યું, 'દરેક લોકો આમાંથી પસાર થતાં હોય છે, પણ મારા માતા-પિતા સેલિબ્રિટી હતાં, જેથી આ બધું મીડિયામાં આવતું. મારા માટે સ્કૂલમાં આ શરમજનક હતું. ભલે તમારા મિત્રો તમારી સામે આ વાત જાહેર ન કરે કારણ કે તેઓ સારા મિત્રો હોય છે, પણ ક્યાંકને ક્યાંક તમે એ અનુભવી શકો છો કે, 'મને તારા જીવનમાં શું થઈ રહ્યું છે, તેની બધી જ જાણ છે.' પણ તમારે તેનો સામનો કરવો જ પડે છે. તમારા માટે સૌથી અગત્યનું છે કે, તમારા માતા-પિતા વચ્ચે બધું બરાબર થઈ જાય. તેઓ આ બધી પરિસ્થિતિમાંથી બહાર આવી જાય અને ફરીથી તેમના સંબંધો મધુર બની જાય.' નોંધનીય છે કે, ઋષિ કપૂરનું 30 એપ્રિલ 2020ના રોજ 67 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. દિવંગત એક્ટર કેન્સરથી પીડાઈ રહ્યા હતા. નિતુ અને રણબીરે તેમની સારવાર અને રિકવરી દરમિયાન ખૂબ સંભાળ રાખી હતી. રણબીર કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો, હાલમાં એક્ટર બીગ સ્કેલ પર બની રહેલી 'રામાયણમ્'ના શૂટિંગમાં વ્યસ્ત છે. ઉપરાંત તે ધૂમ સિરીઝની આગામી ફિલ્મ 'ધૂમ 4'માં પણ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. તેમજ તે પત્ની આલિયા અને વિક્કી કૌશલ સાથે સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'લવ એન્ડ વોર'માં પણ જોવા મળશે.

What's Your Reaction?






