વિશ્વ તમાકુ નિષેધ દિવસે વેરાવળમાં જાગૃતિ અભિયાન:એર ડાન્સર બલૂન દ્વારા 'નો ટોબેકો યૂઝ'નો સંદેશ, કલેક્ટર સહિત અધિકારીઓની ઉપસ્થિતિ
વેરાવળ બસ સ્ટેશન ખાતે 31મી મે, 2025ના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી. કલેક્ટર એન.વી.ઉપાધ્યાય અને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરની ઉપસ્થિતિમાં 'નો સ્મોકિંગ, નો ટોબેકો યૂઝ'નો સંદેશ આપતું એર ડાન્સર બલૂન લોન્ચ કરવામાં આવ્યું. જિલ્લા તમાકુ નિયંત્રણ સેલે પેસિવ સ્મોકિંગના નુકસાન અને તમાકુથી થતા કેન્સર જેવા જોખમો વિશે લોકોને જાગૃત કર્યા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અરુણ રોય અને એપિડેમિક મેડીકલ ઓફિસર ડૉ. ગોસ્વામીએ તમાકુના દુષ્પરિણામો સમજાવ્યા. એન.ટી.સી.પી. સોશિયલ વર્કર ડી.જે.વ્યાસે તમાકુ અધિનિયમ કોટપા-2003 અંતર્ગત શપથ લેવડાવ્યા. આ વર્ષની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને તમાકુના આકર્ષણથી દૂર રાખવાનો છે. તમાકુ ઉદ્યોગો દ્વારા સ્વાદ અને અન્ય લાક્ષણિકતાઓ ઉમેરી યુવાનોને આકર્ષવાના પ્રયાસો સામે જાગૃતિ ફેલાવવામાં આવી. કાર્યક્રમમાં ડેપો મેનેજર દિલિપ શામળા, સરકારી હોસ્પિટલનો સ્ટાફ, જિલ્લા એપિડેમિક-મેલેરિયા સ્ટાફ, વેરાવળ તાલુકાના આરોગ્ય કર્મચારીઓ, જનસેવા ટ્રસ્ટ ઈન્ડિયન રેયોનની ટીમ અને મુસાફરોએ ભાગ લીધો.

What's Your Reaction?






