શ્વાનને રમાડવાના મુદ્દે જામનગરમાં હિંસક ઘર્ષણ:દિગ્વિજય પ્લોટમાં બે પરિવારો વચ્ચે મારામારી, તલવાર-પાઈપથી એક બીજા પર હુમલો કર્યો, 6 લોકો ઘાયલ
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં કૂતરા રમાડવા જેવી નજીવી બાબતે બે પરિવારો વચ્ચે હિંસક ઘર્ષણ સર્જાયું છે. આ ઘટનામાં બંને પક્ષના મળીને કુલ 6 વ્યક્તિઓ ઘાયલ થયા છે. તમામને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના અનુસાર, દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં કમલેશ હીરાનંદ મંગેના સગીરવયના પુત્રને શ્વાન રમાડવાના મુદ્દે પાડોશી રમેશ દામાએ માર મારતાં વિવાદ શરૂ થયો હતો. આ ઘટના બાદ બંને પરિવારો વચ્ચે તંગદિલી વધી ગઈ હતી. તણાવ વધતાં બંને પરિવારના સભ્યો પાઈપ, ધોકા અને તલવાર જેવા ધારદાર હથિયારો સાથે સામસામે આવી ગયા હતા. બંને જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં કુલ 6 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. ઘાયલોમાં એક જૂથના કનૈયાલાલ હીરાનંદ મંગે, કમલેશ હીરાનંદ મંગે, સમીર કમલેશ મંગે અને નિમેશ કમલેશભાઈ મંગેનો સમાવેશ થાય છે. સામા પક્ષે નીતેશ રમેશભાઈ દામા અને હિંમત રમેશભાઈ દામાને પણ ઈજાઓ થઈ છે. તમામ ઘાયલોને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. નિકુંજસિંહ ચાવડા અને સર્વેલન્સ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી ગઈ હતી. કનૈયાલાલ મંગેએ રમેશ દામા, નીતિશ દામા અને હિમત દામા સામે ફરિયાદ નોંધાવી છે. સામે પક્ષે નીતીશ દામાએ કમલેશ મંગે અને કનૈયાલાલ મંગે સામે સીટી એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કલમ 324, 118-1, 115-2, 352, 351 હેઠળ કેસ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

What's Your Reaction?






