ભાસ્કર ફોલોઅપ:કચ્છમાં લંપી બીમારીનો સર્વે પશુપાલન વિભાગ દ્વારા માત્ર ચોપડા પર જ કરાયો
કચ્છમાં લંપીના કેસ વધતા સંયુક્ત પશુપાલન નિયમક કચ્છ દોડી આવ્યા હતા અને કચ્છ પશુપાલન વિભાગ સાથે બેઠક યોજીને સમગ્ર કચ્છમાં મેગા સર્વે હાથ ધરવાની સૂચના આપી હતી. ત્યાર બાદ કચ્છ પશુપાલન વિભાગ દ્વારા સર્વે હાથ ધરાયો હતો. તેમાં 91 કેસ પોઝિટિવ અને 27 એક્ટિવ કેસ હોવાનું સામે આવ્યું હતું. જોકે તંત્ર દ્વારા આ સર્વે માત્ર ચોપડા પર કરાયો હોવાનું સામે આવી રહ્યુ છે, કારણ કે માંડવી તાલુકામાં સરકારી ચોપડે માત્ર 4 જ કેસ નોંધાયેલા છે. જ્યારે માંડવીના બાગ ગામમાં જ 20 થી વધ એક્ટીવ હોવાનું બાગના પશુપાલક સાગર નાગુએ જણાવ્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યું કે અમારી 2 વાછરડી હાલ લંપીગ્રસ્ત છે. અમારા પરિવારના જ 8 જેટલા પશુઓમાં લંપીના કેસો સામે આવ્યા છે. અને તેની સારવાર અમે કરાવી રહ્યા છીએ.પરંતુ છેલ્લા ચાર પાંચ દિવસમાં જે સર્વે હાથ ધરવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે. તેમાં અમારા બાગ ગામમાં આવો કોઈ સર્વે કરવામાં આવ્યો નથી. એકાદ માસ અગાઉ વેકસીનેશન કેમ્પ યોજાયો હતો. પણ હાલ આવો કોઈ સર્વે થયો નથી. ત્યારે હવે સવાલ એ થાય છે કે તંત્ર દ્વારા ક્યાં અને કેવી રીતે સર્વે કરાયો છે? દર વખતે જે કોઈ પણ વિભાગ દ્વારા સર્વે થતા હોય છે તે માત્ર એક ઔપચારિકતા હોવાનું સામે આવતું હોય છે. ફરી એક વખત લંપી ગ્રસ્ત પશુઓના સર્વેમાં પણ તંત્ર દ્વારા માત્ર ચોપડે જ સર્વે કરાવ્યો હોવાની વાત પશુપાલકો જણાવી રહ્યા છે. પશુપાલન અધિકારીએ જણાવ્યું હતું કે હાલ માત્ર કચ્છમાં 27 જ કેસ જ એક્ટિવ કેસ છે. પરંતુ સમગ્ર કચ્છમાં આંકડો ખૂબ જ મોટો હોવાનું પશુપાલકો જણાવી રહ્યા છે. ત્યારે પશુપાલન વિભાગના ઘોડો ક્યાં દોડે છે તે એક મોટો સવાલ ચર્ચાઇ રહ્યો છે.

What's Your Reaction?






