દર્દીઓને હાલાકી:ભચાઉથી પાટણની એસટી બસ બંધ થતાં દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા
ભચાઉ એસટી ડેપો દ્વારા ભચાઉ થી પાટણ જતી વહેલી સવારની એસટી બસને બંધ કરી દેવાતા ભચાઉ અને રાપર તાલુકાના પ્રવાસીઓ અને દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે. બસ સેવા ફરી શરૂ કરાય તેવી માગ ઉઠી છે. આ લોકલ એસટી બસ ભચાઉ તાલુકાના મેઘપર, ખારોઈ, કકરવા અને રાપર તાલુકાના રામવાવ તેમજ મુખ્ય મથક રાપરથી પાટણ બાજુ જતા ગ્રામ્ય વિસ્તારના લોકો માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ હતી તેવા સમયે જ ભચાઉ એસટી ડેપો દ્વારા એકાએક આ રૂટને બંધ કરી દેવાતા ઘણા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને ભચાઉ અને રાપર તાલુકાના અનેક લોકો જે વર્ષોથી પાટણની હોસ્પિટલોમાં દવા અને સારવાર લે છે તેમના માટે પરેશાની પેદા થઇ છે. ભચાઉ થી વહેલી સવારે 05:30 વાગે ઉપડી અને પરત મોડી સાંજના ભચાઉ ફરતી બસ સેવા ફરી શરૂ કરાય તેવી માગ ઉઠી છે. આ બાબતે ભચાઉ ડેપો મેનેજર મયુર રાઠોડે જણાવ્યું હતું કે ભચાઉ ડેપોમાં અપૂરતા સ્ટાફ અને યોગ્ય રીતે બસ ન હોતા આ રૂટની બસ હંગામી ધોરણે બંધ કરવામાં આવી છે જે એકાદ અઠવાડિયામાં ફરીથી શરૂ થઈ જશે. એસટી તંત્ર દ્વારા યોગ્ય રીતે ચકાસણી કરીને જરૂરી રૂટો બંધ કરવામાં ન આવે તે ઇચ્છનીય છે. ભચાઉ એસટી ડેપોને ઘણા સમયથી બસની ફાળવણી ન કરવામાં આવતા કેટલાક કાયમી રૂટો પર અસર જોવા મળી રહી છે ત્યારે તંત્ર તાત્કાલિક પગલા લે તેવી લોકોની માંગ ઉઠી છે.

What's Your Reaction?






