હવે ચાલશે સલમાનની સરકાર!:ભાઈજાન નેતાની ભૂમિકામાં, સંસદ જેવો સેટ...'બિગ બોસ 19'માં લોકતંત્રનો ખેલ; નવી સિઝનનું ટ્રેલર રિલીઝ
રિયાલિટી શો 'બિગ બોસ 19'નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. દરેક વ્યક્તિ નવી સિઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફાઈનલી નિર્માતાઓએ શોનું ટ્રેલર રિલીઝ કરી દીધું છે, જેમાં સલમાન ખાન રાજકારણીની ભૂમિકામાં જોવા મળે છે. આ સિઝન ખાસ થવાની છે કારણ કે ટ્રેલરમાં સંસદ જેવો સેટ અને ઘરવાળાની સરકાર જોવા મળવાની છે. જિયો સ્ટારે રિયાલિટી શો 'બિગ બોસ 19' નું ટ્રેલર શેર કર્યું છે. ટ્રેલરમાં શોના હોસ્ટ સલમાન ખાનનો અનોખો અંદાજ જોઈ શકાય છે. આ વખતે શોની થીમ રાજકારણ અને સંસદથી પ્રેરિત છે. પ્રોમોમાં સલમાન એક રાજકારણીના અંદાજમાં જોવા મળે છે. તે સુરક્ષા વચ્ચે કારમાંથી નીચે ઉતરે છે અને હાથ જોડીને નમસ્તે કહે છે. પછી તે તેના ફેમસ ગીતોમાંથી એક પંક્તિથી ડાયલૉગ શરૂ કરે છે. એક્ટર કહે છે - 'એસા પહેલી બાર હું આ હૈ 18-19 સાલો મેં....'. પછી, એક્ટર કહે છે- આ વખતે શોમાં ડ્રામા નહીં ડેમોક્રેસી જોવા મળે છે. દરેક નાના-મોટા નિર્ણય ઘરના સભ્યોના હાથમાં રહેશે.' આ શોની ટેગલાઇન છે 'ઈસ બાર, ઘરવાલો કી સરકાર' છે. શોના ઇતિહાસમાં આ પહેલી વાર બનશે જ્યારે દરેક નિર્ણય ઘરના સભ્યો દ્વારા લેવામાં આવશે. 'બિગ બોસ-19' 24 ઓગસ્ટથી જિયો સ્ટાર અને કલર્સ બંને પર સ્ટ્રીમ થવા જઈ રહ્યું છે. જિયો સ્ટાર પર શોનો સમય રાત્રે 9 વાગ્યાનો રહેશે, જ્યારે કલર્સ ચેનલ પર શોનો સમય રાત્રે 10:30 વાગ્યાનો રહેશે. જિયો સ્ટારના પ્રમુખ આલોક જૈને જણાવ્યું હતું કે- બિગ બોસે હંમેશા ઉત્તમ મનોરંજન પૂરું પાડ્યું છે. 'ઘરવાલો કી સરકાર' સાથે, અમે એક નવું અને અનોખું ફોર્મેટ લાવી રહ્યા છીએ જે દર્શકો પર ઊંડો પ્રભાવ પાડશે અને તેમને વારંવાર જોવા માટે પ્રેરિત કરશે. આ બિગ બોસ જેવો શો છે જે તમે પહેલાં ક્યારેય નહીં જોયો હોય." શોમાં કુલ 15 કન્ટેસ્ટન્ટ પ્રવેશ કરશે. થોડા સમય પછી, 3 વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીઓ આવશે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, શોમાં ફક્ત 15 સિંગલ બેડ હશે, જ્યારે વાઇલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટની એન્ટ્રી પછી, ઘરમાં રહેતા સભ્યોની કુલ સંખ્યા 18 થશે. આ બિગ બોસ 19 ના સ્પર્ધકો હોઈ શકે છે- શોમાં એન્ટ્રી માટે હાલમાં જે સેલેબ્સ ચર્ચામાં છે તેમાં રામ કપૂર, મુનમુન દત્તા (બબીતાજી), ગુરચરણ સિંહ (જૂનો સોઢી), ફૈઝલ શેખ, અપૂર્વા માખીજા, પૂરબ ઝા, ગૌતમી કપૂર, ધીરજ ધૂપર જેવાં ઘણાં મોટાં નામોનો સમાવેશ થાય છે. ચાલો... જાણીએ કે આ વખતે સલમાન ખાનના રિયાલિટી શોમાં કોણ આવવાનું છે... 1. ગુરચરણ સિંહ (જૂનો સોઢી) 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના જૂના સોઢીની ભૂમિકામાં જોવા મળેલો ગુરચરણ સિંહ શોનો હિસ્સો બનશે, જોકે ગુરચરણ સિંહ તરફથી શોમાં તેમની હાજરી અંગે કોઈ અપડેટ આવ્યું નથી. 2. મુનમુન દત્તા (બબીતાજી) 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની 'બબીતાજી' પણ સલમાનના શોમાં આવી શકે છે, જોકે હજુ મીડિયા રિપોર્ટ્સ છે, નિર્માતાઓની યાદી જાહેર થઈ નથી. 3. રામ કપૂર અને ગૌતમી કપૂર આ પતિ-પત્નીની જોડી ઘણી વખત સમાચારમાં રહી છે. તાજેતરમાં રામ કપૂરે એક વેબસિરીઝના નિર્માતાઓ પર શાબ્દિક હુમલો કર્યો હતો, જેના પછી તે ચર્ચામાં આવ્યો હતો. આ ઉપરાંત ગૌતમીએ તેના અંગત જીવન વિશે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. 4. ધીરજ ધૂપર ફેમસ ટીવી શો 'કુંડલી ભાગ્ય'માં શ્રદ્ધા આર્ય સાથેની તેમની જોડી ખૂબ પસંદ કરવામાં આવી હતી. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે ધીરજ આ વખતે સલમાનના શોનો ભાગ બની શકે છે. 5. અપૂર્વા માખીજા (ધ રેબેલ કિડ) જ્યારે અપૂર્વા 'ધ ટ્રેટર્સ'માં આવી ત્યારે તેણે તેની રમતથી બધાનું દિલ જીતી લીધું હતું. હવે BB19માં શું એવી આવી ધમાકેદાર એન્ટ્રી કરશે કે કેમ એ જોવાનું રહેશે. 6. ફૈઝલ શેખ યૂટ્યૂબર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ફૈઝલ શેખ માટે આ વર્ષ ખૂબ મુશ્કેલ રહ્યું. જન્નત ઝુબૈર સાથેના તેના બ્રેકઅપની ખૂબ ચર્ચા થઈ હતી. શક્ય છે કે તે પણ સલમાનના શોમાં આવી શકે છે. 7. પૂરબ ઝા યૂટ્યૂબ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પૂરબ ઝા પણ આ શોનો ભાગ બની શકે છે. જો અપૂર્વા શોમાં આવે અને પૂરબ પણ જાય તો આ જોડી શું ધમાલ કરશે એ જોવું રસપ્રદ રહેશે.

What's Your Reaction?






