વરસાદનો હાલ:બપોરે 10 મિનિટમાં ધોધમાર અડધો ઇંચ વરસાદ વરસી ગયો
ભાવનગર શહેર અને જિલ્લામાં ચોમાસાનો હજી બીજો રાઉન્ડ બરાબર જામ્યો નથી. જો કે ભાવનગર શહેરમાં આજે બપોરના સમયે માત્ર 10 મિનિટમાં જ અડધો ઇંચ જેટલો વરસાદ અષાઢી ધારાએ વરસી ગયો હતો. જો કે જિલ્લામાં અન્ય ક્યાંય વરસાદ વરસ્યો ન હતો. જિલ્લામાં કુલ વરસાદ 528 મી.મી. થયો છે. એટલે કે જિલ્લામાં એવરેજ 84.08 ટકા વરસાદ વરસી ગયો છે. શહેરમાં આજે સવારથી બફારો જામ્યો હતો. આજે રક્ષાબંધનના પર્વે શહેરીજનોને બપોરના 12 વાગ્યા બાદ અકળામણ અનુભવી હતી. જો કે બપોરના 3 વાગ્યા બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને બાદમાં માત્ર 10 મિનિટમાં જ અડધો ઇંચ જેટલો વરસાદ આ શ્રાવણીના પર્વે અષાઢી ધારાએ વરસી ગયો હતો. શહેરમાં આજના 11 મી.મી. વરસાદ સાથે આ ચોમાસામાં કુલ વરસાદ 478 મી.મી. થઇ ગયો છે. જે સિઝનના કુલ વરસાદ 62.73 ટકા થઇ ગયો છે. ભાવનગર જિલ્લામાં આ ચોમાસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ સિહોરમાં 798 મી.મી. વરસ્યો છે જ્યારે સૌથી ઓછો વરસાદ ગારિયાધાર તાલુકામાં 346 મી.મી. થયો છે. હવે લોકો ચોમાસાના બીજા રાઉન્ડની રાહમાં છે.

What's Your Reaction?






