ગુજરાતમાં કોર્પોરેશન ઇલેક્શન પહેલાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાની શક્યતા:CM સાથે બેઠક બાદ કમિટિના અધ્યક્ષ નિવૃત્ત જજ રંજના દેસાઈએ કહ્યું, 30 દિવસમાં સરકારને રિપોર્ટ સોંપશે
દેશમાં ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC)નો અમલ થાય એ માટે રાજ્ય સરકારે પહેલ કરી છે. ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યક્તા ચકાસવા માટે અને કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટી રચવામાં આવી છે. આજે રંજના દેસાઈ સહિતના સભ્યોએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી સાથે બેઠક યોજી હતી. એક મહિનામાં કમિટી તરફથી સરકારને રિપોર્ટ સોંપવામાં આવી શકે છે. ગુજરાતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ પહેલાં જ યુસીસી લાગુ થઈ જાય એવી શક્યતા છે. સ્વર્ણિમ સંકુલમાં કમિટી અને સરકારની બેઠક ગાંધીનગર સ્વર્ણિમ સંકુલમાં આજે UCC કમિટીના અધ્યક્ષ રંજના દેસાઈ અને સભ્યોની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક યોજાઈ હતી. બેઠક બાદ રંજના દેસાઈએ કહ્યું હતું કે અમે ગઈકાલે રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી અને આજે મુખ્યમંત્રીને મળ્યા છીએ. ઔપચારિક મિટિંગ હતી. રિપોર્ટ સબ્મીટ કરવાની તારીખ નક્કી નથી, પરંતુ એક મહિનામાં થઈ શકે છે. હવે એક્ટેન્શનની જરુર પડે એવું લાગતું નથી. UCCની આવશ્યકતા ચકાસવા 6 મહિના પહેલાં કમિટીની રચના કરાઈ હતી ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટી રચના કરવામાં આવી હતી. (કમિટીમાં સામેલ સભ્યોની સંપૂર્ણ માહિતી જાણો) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ગુજરાતમાં લાગુ થવાની શક્યતા ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક યોજ્યા બાદ કમિટીના અધ્યક્ષ રંજના દેસાઈએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હવે એક્ટેન્શનની જરૂરિયાત નથી. એને જોતાં લાગે છે કે કમિટી તરફથી રિપોર્ટ સબ્મિટ કરાયા બાદ સરકાર એને ગુજરાતમાં આ વર્ષના અંતમાં અથવા આગામી વર્ષની શરૂઆતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં લાગુ કરે એવી શક્યતા છે. UCC કમિટીને પડકારતી અરજી હાઇકોર્ટે નકારી ગુજરાત હાઇકોર્ટમાં સુરતથી અરજદાર અબ્દુલ વહાબ સોપારીવાલાએ રાજ્યમાં બનેલી UCC કમિટીને પડકારતી અરજી એડવોકેટ ઝમીર શેખ મારફત દાખલ કરી હતી, જેમાં અરજદાર અને સરકાર એમ બંને પક્ષોને સાંભળીને ગુજરાત હાઇકોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. આજે(29 જુલાઈ) આ મુદ્દે ચુકાદો આપતા ગુજરાત હાઇકોર્ટે અરજદારની અરજી નકારી નાખી છે, જેનો લેખિત હુકમ આવવાનો બાકી છે. આ અરજીમાં સરકાર વતી એડવોકેટ જનરલ ઉપસ્થિત થયા હતા. અરજદાર વતી રજૂઆત કરવામાં આવી હતી કે 4 ફેબ્રુઆરી, 2025એ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડને લાગુ કરવા શક્યતા તપાસવા માટે એક કમિટીની જાહેરાત કરી હતી, જે ગુજરાતમાં UCCને લગતો ડ્રાફ્ટ તૈયાર કરશે.( સંપૂર્ણ સમાચાર વાંચો)

What's Your Reaction?






