નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ:નવસારીમાં મહિલા સ્વરોજગાર મેળામાં 400થી વધુ બહેનોએ ભાગ લીધો
નવસારીમાં આજે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, મહિલા આર્થિક વિકાસ નિગમ, જિલ્લા રોજગાર કચેરી અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે "મહિલા સ્વરોજગાર મેળા"નું આયોજન રામજી મંદિર હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા, નિયામક ડીઆરડીએ, જિલ્લા રોજગાર અધિકારી અને જિલ્લા મહિલા અને બાળ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. સાથે દહેજ પ્રતિબંધક અધિકારી અને મહિલા અને બાળ અધિકારીની કચેરીના કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા. મેળામાં 400થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. સાત જેટલી કંપનીઓના HR મેનેજર પણ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ વિભાગો અને નોકરીદાતા કંપનીઓના મેનેજરો તેમજ મહાનુભાવોએ કાર્યક્રમને અનુરૂપ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનોએ રોજગારી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ અવસરે મહેમાનોના હસ્તે ઉદ્યોગ ક્ષેત્રમાં પ્રગતિ કરનારી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે અનાથ દીકરીઓને શિક્ષણ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત લોન મંજૂરી હુકમ અને વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીઓને મંજૂરી હુકમનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મહિલા સશક્તિકરણ અને સ્વાવલંબનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે યોજવામાં આવ્યો હતો.

What's Your Reaction?






