રહેણાંક વિસ્તારમાં સિંહોની લટારનો વીડિયો વાઇરલ:વાણંદ સોસાયટીમાં મોડીરાત્રે બે સિંહ આવી ચડતા વન વિભાગે જંગલમાં પાછા વાળ્યાં; રાત્રિના લોકોને સાવચેત રહેવા અપીલ
જુનાગઢ ગિરનારના જંગલ વિસ્તારની નજીક આવેલા રહેણાંક વિસ્તારોમાં સિંહ, દીપડા જેવા વન્ય પ્રાણીઓના આંટાફેરા વધી રહ્યા છે, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. તાજેતરમાં, ગિરનાર દરવાજા પાસે આવેલી વાણંદ સોસાયટીમાં મોડી રાત્રે એક સિંહ આવી ચડ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. બે સિંહના આટાફેરા કેમેરામાં કેદ વીડિયોમાં જોઈ શકાય છે કે, બે સિંહ રહેણાંક વિસ્તારમાં શાંતિથી લટાર મારી રહ્યા છે, જે સંભવતઃ શિકારની શોધમાં જંગલ છોડીને આવ્યા હતાં. આ ઘટના બાદ તુરંત જ વન વિભાગની ટીમને જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. વન વિભાગના કર્મચારીઓએ બન્ને સિંહને સલામત રીતે જંગલ તરફ પાછા વાળવામાં સફળતા મેળવી હતી, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. ચોમાસામાં કેમ વધી રહ્યા છે સિંહોના આંટાફેરા? સ્થાનિક વન્યજીવ નિષ્ણાતોના મતે, ચોમાસાની ઋતુમાં જંગલમાં જીવજંતુઓનું પ્રમાણ વધી જાય છે, જેના કારણે વન્ય પ્રાણીઓને હેરાનગતિ થાય છે. આ ઉપરાંત, વરસાદ અને ભેજવાળા વાતાવરણથી રાહત મેળવવા તેમજ સરળતાથી શિકારની શોધમાં સિંહો ઘણીવાર તેમના કુદરતી રહેઠાણથી બહાર નીકળીને રેવન્યુ અને રહેણાંક વિસ્તારોમાં પ્રવેશ કરી જાય છે. લોકો સાવચેત રહેલા વન વિભાગની અપીલ આ પહેલા પણ ગિરનાર આસપાસના વિસ્તારોમાં સિંહો અને દીપડાઓના આંટાફેરાના અવારનવાર બનાવો સામે આવ્યા છે. વન વિભાગ દ્વારા આ પ્રકારની ઘટનાઓ પર સતત નજર રાખવામાં આવે છે અને જ્યારે પણ કોઈ પ્રાણી રહેણાંક વિસ્તારમાં આવી ચડે, ત્યારે તેને સુરક્ષિત રીતે પાછું જંગલમાં મોકલવા માટે તાત્કાલિક પગલાં ભરવામાં આવે છે. વન વિભાગે સ્થાનિક લોકોને પણ સાવચેત રહેવા અને રાત્રિના સમયે બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરી છે.

What's Your Reaction?






