ડ્રગ્સ-પેડલરની હિંમત જુઓ, PSI પર કાર ચઢાવવા પ્રયાસ કર્યો:PSIએ કારમાંથી બહાર આવવાનું કહેતાં જ આક્રમક બન્યો, ગાડીમાં ઘૂસીને પેડલરનો કાઠલો પકડી બહાર કાઢ્યો
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વધી રહેલા ડ્રગ્સ-પેડલર બેફામ બન્યા છે. 2 ઓગસ્ટના રોજ આશ્રમ રોડ પર ડ્રગ-પેડલરને પકડવા ગયેલા PSI પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. CCTVમાં જોવા મળે છે કે ડ્રગ્સ-પેડલર પહેલાં બાઇકને કારથી કચડે છે, પછી પાછો કાર આગળ અને પાછળ કરી પોલીસને ટક્કર મારવાના પ્રયાસો કરે છે, જેમાં બે પોલીસકર્મચારી પણ ઇજાગ્રસ્ત થયા છે. SOGના ઇન્સ્પેકટર મિતેશ ત્રિવેદી અને વી.એચ.જોષીને બાતમી મળી હતી કે બહેરામપુરાનો એક ડ્રગ્સ-પેડલર મહંમદ હમજા ઉર્ફે મુલ્લા શેખ પોતાની કારમાં સાંજના સુમારે આશ્રમ રોડ પર ડ્રગ્સ વેચવા નીકળવાનો છે. આ બાતમીને આધારે પોલીસે આશ્રમ રોડ ICICI બેંક પાસે વોચ ગોઠવી હતી, ત્યારે જ બાતમી વાળી વેન્યૂ કાર ત્યાં આવીને ઊભી રહી ગઇ. પોલીસે આ ગાડીને કોર્ડન કરવા માટે એક બાઇક કારની આગળ અને બીજી બાઇક કારની પાછળ ગોઠવી દીધી હતી. ત્યારે જ સબ ઇન્સ્પેકટર આર. કે. વાણિયાએ પોતાની ઓળખ આપીને કારના ચાલકને ગાડીમાંથી ઊતરવા માટે કહ્યું હતું. ત્યારે ચાલકે ગાડી થોભાવાને બદલે આગળ-પાછળ દોડાવવાનો પ્રયાસ કરી પોલીસની બન્ને બાઇક પાડી દીધી હતી, જેથી બે પોલીસકર્મીને ઇજા થઈ હતી. પોલીસે તરત જ હિંમત કરીને તેની ગાડીમાં ઘૂસી ગાડી થોભાવી હતી. પોલીસે ગાડીના ચાલકની પૂછપરછ કરતાં તેનું નામ મહંમદ હમજા ઉર્ફે મુલ્લા જમાલુદ્દીન શેખ (રહે. અલ સબા રામરહીમ નગર, કેલિકો ટેકરા બહેરામપુરા) હોવાનું જાણી શકાયું હતું. તેની પાસેથી પોલીસે 58.100 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળ્યો, જેની કિંમત 5.81 લાખ રૂપિયા થાય છે. પોલીસે એ કબજે લઇને પેડલર મુલ્લા શેખની ધપકડ કરી તપાસ આદરી હતી. તેણે મકબુલ ખાન પઠાણ પાસેથી આ ડ્રગ્સ લાવતો હોવાની કબૂલાત કરી હતી. વધુમાં તેણે જણાવ્યું હતું કે તે એમ.ડી ડ્રગ્સના રવાડે ચડી ગયો હતો. હવે તેની પાસે નશો કરવા માટે રૂપિયા ન હોવાથી બે વર્ષથી એમડી ડ્રગ્સનું વેચાણ કરી કમિશન લેતો હોય છે. એ જ દિવસે જુહાપુરામાંથી પણ ડ્રગ્સ-પેડલર ઝડપાયો હતો 2 ઓગસ્ટના રોજ એટલે એ જ દિવસે જુહાપુરામાંથી પણ ડ્રગ્સ-પેડલર ઝડપાયો હતો. SOGના સબ ઇન્સ્પેકટર કે. વી. રવિયા અને ઇન્સ્પેકટર એ.જે. ચૌહાણને બાતમી મળી હતી કે જુહાપુરા SOG ઓફિસ નજીક મુબારક સોસાયટી ખાતે રહેતો મહંમદ સહેજાદ ઉર્ફે મોહમંદ હનીફ મનસૂરી એમડી ડ્રગ્સનો જથ્થો વેપલા માટે લાવ્યો છે. તરત જ સબ ઇન્સ્પેકટર રવિયાની ટીમ જુહાપુરામાં પેટ્રોલિંગમાં ગોઠવાઈ હતી. આ સમયે પેડલર મહંમદ સહેજાદ ત્યાંથી નીકળ્યો હતો અને SOG તેને ઝડપી લીધો હતો. તેની પાસેથી પોલીસને 3.42 લાખનું 34.23 ગ્રામ એમડી ડ્રગ્સ મળ્યું હતું. જ્યારે તેણે પોલીસ સમક્ષ એવી કબૂલાત કરી હતી કે તે આ ડ્રગ્સનો જથ્થો રિલીફ રોડના રાહિલ પાસેથી લાવ્યો હતો, જેને પગલે પોલીસે હવે રાહિલની તપાસ હાથ ધરી છે.

What's Your Reaction?






