સિક્યોરિટી ગાર્ડના પ્રેમસંબંધમાં મહિલા પ્રોફેસરે સર્વસ્વ ગુમાવ્યું:પતિ, પત્ની ઔર વોમાં ત્રીજી સ્ત્રીની એન્ટ્રી થતાં 7 વર્ષના લિવ-ઇનમાં ભંગાણ, યુવક સામે દુષ્કર્મની ફરિયાદ
પ્રેમ, લગ્ન, લિવ-ઇન અને લગ્નેતર સંબંધનો એક વિચિત્ર બનાવ ગાંધીનગરમાં સામે આવ્યો છે. સાત વર્ષ પહેલાં સિક્યોરિટી ગાર્ડના પ્રેમમાં પડ્યા બાદ લિવ-ઈન-રિલેશનમાં રહેતી મહિલા પ્રોફેસરને તરછોડી સિક્યોરિટી ગાર્ડ (હાલ પોરબંદરમાં ફાયરકર્મી)અન્ય યુવતીના ચક્કરમાં પડી જતાં મહિલા પ્રોફેસરે યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. લિવ-ઇનમાં રહેતી મહિલા પ્રોફેસરને યુવકે સાત વર્ષ બાદ તરછોડી ગાંધીનગરમાં રહેતી 40 વર્ષીય કાયદા નિષ્ણાત મહિલા પ્રોફેસરના સાત વર્ષના લિવ-ઇન- રિલેશનશિપમાં ત્રીજી યુવતીની એન્ટ્રી થતાં સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. આજથી આઠેક વર્ષ પહેલાં મૂળ દાહોદની યુવતી ઉજ્જવળ કારકિર્દીનાં સપનાં સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ અર્થે ગાંધીનગર આવી હતી. એ સમયે શહેરમાં કોઈ ખાસ ઓળખતું નહિ હોવાથી સેક્ટર 7 પોલીસ મથકના જાણીતા મંદિર ખાતે રહેવાની સગવડ થઈ ગઇ હતી, જ્યાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો મૂળ દાહોદનો સુરેશ ધૂળાભાઈ રજાત પણ રહેતો હતો. તે સાઈડમાં મકાન ભાડે અપાવી દલાલીનું કામ કરતો હતો. આમ, બંને મંદિર ખાતે રહેતાં હોવાથી માર્ચ 2018માં ઓળખાણ થઇ હતી. સુરેશ પરિણીત હોવાનું છુપાવી મહિલા પ્રોફેસર સાથે સંબંધો કેળવ્યા હતા જેથી કરીને યુવતીએ પોતાના માટે મકાન ભાડે અપાવવા માટે વાત કરતાં સુરેશે વાવોલમાં મકાન બતાવ્યું હતું. બાદમાં એક જ જિલ્લાના હોવાથી બન્ને વચ્ચે ગાઢ મિત્રતા બંધાઇ હતી અને સમય જતાં મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. એટલે બન્ને જણા લિવ-ઇન-રિલેશનશિપમાં શહેરનાં અલગ અલગ સ્થળોએ મકાન ભાડે રાખીને રહેતાં હતાં. એ વખતે સુરેશે પોતે પરિણીત અને બે સંતાનોનો પિતા હોવાની વાત છુપાવી સંબંધો કેળવ્યા હતા. આ વાતથી અજાણ યુવતી ઊજળા ભવિષ્યની આશાએ સુરેશને સર્વસ્વ આપી દઇ તનતોડ તૈયારીઓમાં લાગી ગઇ હતી. એવામાં એક દિવસ સુરેશ પરિણીત હોવાનો ભાંડો ફૂટી ગયો હતો, પરંતુ સુરેશે પત્નીને માનસિક બીમારીનુ કારણ આગળ ધરી છૂટાછેડા આપીને લગ્ન કરવાનું વચન આપી યુવતીનો વિશ્વાસ જીતી પ્રણયના ફાગ ખેલે રાખ્યા હતા. બાદમાં સુરેશ તેની પત્નીને સારવાર અર્થે ગાંધીનગર લઈ આવ્યો હતો અને ત્રણેય જણા એક જ મકાનમા સાથે રહેતા હતા. વળી, યુવતી સુરેશની પત્નીને દવાખાને લઇ જઇ સાર સંભાળ પણ રાખતી હતી. તો યુવતીની માતા પણ કિડનીની સારવાર અર્થે અહીં રહેવા માટે આવ્યાં હતાં. આમ " પતિ પત્ની ઔર વો " સફર કોઇ વાદવિવાદ વિના ચાલતી રહી હતી. સુરેશને પોરબંદર ફાયરબ્રિગેડમાં નોકરી મળ્યા બાદ અન્ય યુવતીના ચક્કરમાં પડ્યો એવામાં ગત વર્ષે સુરેશને ફાયરનો કોર્સ કર્યો હોવાથી પોરબંદર ફાયરબિગ્રેડમાં નોકરી મળી ગઇ હતી. એટલે સુરેશ પોરબંદર રહેવા જતો રહ્યો હતો. એના થોડા સમય પછી સુરેશના વર્તનમાં બદલાવ આવી ગયો હતો, જેથી યુવતીએ તપાસ કરતાં સુરેશ અન્ય યુવતી સાથે પ્રેમાલાપ કરતો હોવાનું જાણીને તેના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી અને બંને વચ્ચે ધમસાણ મચી ગયું હતું, પરંતુ સુરેશે ત્રીજી સ્ત્રીના ચક્કરમાં સાત વર્ષના લિવ-ઈન-રિલેશનશિપનો અંત લાવી દીધો હતો. આખરે યુવતીએ પોરબંદર ફાયરબ્રિગેડમાં નોકરી કરતા સુરેશ વિરુધ દુષ્કર્મ તેમજ પોતાની માતાની સારવાર અર્થેના 10 લાખ તથા સ્ત્રીધન પડાવી લીધાની ફરિયાદ નોંધાવી છે. આ અંગે તપાસ અધિકારી એન. વી. નાયીએ જણાવ્યું હતું કે 40 વર્ષીય યુવતીને તાજેતરમાં જ અમદાવાદની યુનિવર્સિટીમાં કાયદાના પ્રોફેસરની નોકરી મળી ગઈ છે. સુરેશ સાથે તેઓ સાત વર્ષ લિવ-ઈન-રિલેશનશિપમાં રહેતાં હતાં. પોરબંદર ફાયરબ્રિગેડમાં નોકરી કરતા સુરેશે અન્ય સ્ત્રીના અફેરમાં મહિલા પ્રોફેસરને તરછોડી દઈ 10 લાખ પણ પડાવી લીધાની ફરિયાદ છે, જેની પત્નીને અહીં સારવાર અર્થે લઈ આવતો હતો અને ત્રણેય સાથે રહેતાં હતાં. હવે અન્ય સ્ત્રીના ચક્કરમાં મહિલા પ્રોફેસરને સુરેશે તરછોડી દીધાં છે. આમ, હવે ઊજળી કારકિર્દી સાથે પોરબંદર ફાયરબ્રિગેડમાં નોકરી કરતા સુરેશના ભવિષ્ય પર કાયદાનું ગ્રહણ લાગી ગયું છે.

What's Your Reaction?






