પાટણમાં દહેજ માટે મહિલા પર અત્યાચાર:પતિ સહિત સાસરિયાના ચાર સભ્યો સામે ફરિયાદ, ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી
પાટણ જિલ્લાના વાગડોદ પોલીસ મથકે એક મહિલાએ તેના પતિ સહિત સાસરિયા પક્ષના ચાર સભ્યો વિરુદ્ધ દહેજની માગણી અને શારીરિક-માનસિક ત્રાસ આપવા બદલ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી મહિલાના જણાવ્યા અનુસાર, આરોપીઓ તેમને લાંબા સમયથી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. આરોપીઓ ફરિયાદીને તેમના પિયરમાંથી રૂપિયા પચાસ હજાર દહેજમાં લાવવા માટે દબાણ કરતા હતા. આ કેસમાં નરેશ પરમાર, મનુ પરમાર, અમથીબેન પરમાર અને પ્રફુલ પરમાર સામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદીના ભાઈ અને તેમના પતિની બહેનના સાટામાં લગ્ન થયા હતા. ફરિયાદીના પતિની બહેન રિસાઈને તેના પિયરમાં રહેતી હોવાથી, તેણે પાટણ ખાતે ફરિયાદીના પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ગત તા. 03/08/2025ના રોજ સાંજે સાતેક વાગ્યે ફરિયાદી તેમના માતા-પિતાના ઘરે હતા. તે સમયે આરોપીઓએ ત્યાં આવીને ફરિયાદીને ગાળો બોલી. તેમને ગડદાપાટુનો માર માર્યો અને ધક્કો માર્યો. આ કારણે ફરિયાદી નીચે પડી જતા તેમના કપાળ અને બરડાના ભાગે ઇજા થઈ હતી. આરોપીઓએ તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ સમગ્ર ઘટના અંગે ફરિયાદીએ વાગડોદ પોલીસ મથકે ચાર આરોપીઓ સામે BNS કલમ 85, 115(2), 296(ખ), 351(3) અને દહેજ પ્રતિબંધક ધારા કલમ 3, 4 હેઠળ ગુનો નોંધાવ્યો છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

What's Your Reaction?






