વડોદરા પોલીસે દારૂની 300 પેટી સેરવી લીધી, VIDEO:3 કારમાં બૂટલેગરને ભરી આપ્યો, હાલોલથી દારૂ પકડી ગુનો આસોજમાં નોંધ્યો
વડોદરા હાલોલ રોડ ઉપર આવેલા આસોજ ગામ પાસેથી જરોદ પોલીસે બાતમીના આધારે કન્ટેનર ટ્રકમાં લાવવામાં આવી રહેલો રૂપિયા 39.65 લાખની કિંમતનો દારૂનો જંગી જથ્થો તેમજ અન્ય મુદ્દામાલ મળી રૂપિયા 59.85 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. આ ગુનામાં પોલીસે કન્ટેનરચાલક સહિત ત્રણ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. જરોદ પોલીસે 39 લાખના દારૂ ભરેલા કન્ટેનરમાંથી 5 લાખ ઉપરાંતનો દારૂ બારોબાર કાઢી લઈ વેચી માર્યો હોવાનો વીડિયો રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓને પુરાવા રૂપે રજૂ કરવામાં આવ્યો છે. જેના પગલે જિલ્લા પોલીસમાં ચકચાર જાગી છે અને તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે. ખરેખર દારૂનું કન્ટેનર હાલોલ ટોલ નાકા ઉપરથી ઝડપાયુ હતું છતાં જરોદ પોલીસે આસોજ ગામ પાસેથી ઝડપ્યું હોવાનું ફરિયાદમાં નોંધ્યું છે. જરોદ પોલીસે દારૂના કન્ટેનરમાંથી દારૂના ખોખા કાઢી ગાડીમાં ગોઠવ્યા હોવાનો વીડિયો વાઇરલ કરજણ પોલીસ મથકે ઝડપાયેલા 1.75 કરોડના દારૂના મામલામાં 15 લાખના તોડ કરનાર પો.કર્મી ઝડપાયો હતો. જેની તપાસ હજી ચાલે છે. એવા સમયે જરોદ પોલીસે ઝડપાયેલા દારૂના કન્ટેનરમાંથી દારૂના ખોખા કાઢી જાહેર માર્ગ ઉપર સફેદ મારૂતિ બ્રિજા, મહિન્દ્રા XUV 500 અને સ્વિફ્ટમાં ગોઠવ્યા હોવાનો વીડિયો જાગૃત નાગરિકે ઉતાર્યો હતો અને રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીને મોકલવામાં આવ્યો છે. કાર દારૂના ખોખાથી ભરાઈ ગયા બાદ બે બૂટલેગરો કાર લઈને જતા હોવાનું નજરે પડે છે 1 મિનિટ 39 સેકન્ડના આ વીડિયોમાં માર્ગ ઉપર બે થાંભલા પાસે જરોદ પોલીસે ઝડપેલા કન્ટેનરને થોભાવવામાં આવે છે. પાછળ ઉભેલી સફેદ કલરની મારૂતિ બ્રીજા કારમાં ત્રણ બુટલેગર જેવા લાગતા શખ્સો કન્ટેનરમાંથી દારૂ ભરેલા ખોખા ગોઠવતા હોવાનું નજરે પડે છે. કાર દારૂના ખોખાથી ભરાઈ ગયા બાદ બે બૂટલેગરો કાર લઈને જતા હોવાનું નજરે પડે છે. ‘આસોજ ગામ પાસે ઝોડ કંપનીના ગેટ પાસેથી કન્ટેનરને ઝડપ્યું હતું’ બાદમાં આ કન્ટેનરને જરોદ પોલીસ મથકે લઈ જઈ પ્લાસ્ટિકની 180 મિલીની દારૂ ભરેલી 751 પેટી કિંમત 39.65 લાખનો જથ્થો ઝડપાયો હોવાનો ગુનો નોંધ્યો છે અને આસોજ ગામ પાસે ઝોડ કંપનીના ગેટ પાસેથી આ કન્ટેનરને ઝડપ્યું હતું અને ચાલક શંકરલાલ હકમલાલ રબારી, રહે રાજસ્થાન અને ક્લીનર રાજેન્દ્ર નિર્ભયસિંગ કિતાવત રહે. રાજસ્થાન સામે દારૂ અંગેનો ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓ પાસે વીડિયો પહોંચતા તપાસ શરૂ ઉચ્ચ પોલીસ અધિકારી સમક્ષ જરોદ પોલીસ દ્વારા દારૂ બારોબાર સગેવગે કરવાના મામલાનો વીડિયો પહોંચ્યો છે અને જરોદ પોલીસ મથકમાં ફરજ બજાવતા અને બુટલેગરોને બોલાવી દારૂ વેચનાર કર્મીઓ સામે તપાસ શરૂ કરી છે. જેમાં ફોન લોકેશનથી માંડી સીડીઆર અને કન્ટેનર ક્યાંથી ઝડપાયું અને અને ત્યાર બાદ કોણ પોલીસ મથકે લઈ આવ્યું એની તપાસ હાથ ધરાઇ છે. આ વીડિયોનું વેરીફીકેશન કરાઈ રહ્યું છે: રોહન આનંદ વડોદરા હાલોલ રોડ ઉપર આવેલા આસોજ ગામ પાસેથી 751 પેટી દારૂ ભરેલું ટ્રક કન્ટેનર જરોદ પોલીસે ઝડપી પાડ્યું હતું. આ 751 પેટીમાંથી 300 પેટી દારૂ સગેવગે કરી દેવાના વાઇરલ થયેલા વીડિયો અંગે જિલ્લા પોલીસ વડા રોહન આનંદે જણાવ્યું હતું કે, આ વીડિયોનું વેરીફીકેશન કરવામાં આવી રહ્યું છે. આ વીડિયો ક્યા સ્થળ અને કયા સમયનો છે. તે અંગે તપાસ ચાલી રહી છે. હાલોલ તરફથી દારૂ ભરેલું કન્ટેનર આવતું હોવાની બાતમી મળી હતી ગઇકાલે જરોદ પોલીસ મથકના પી.આઇ. એમ. આર. ચૌધરી માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલોલ તરફથી બંધ બોડીના કન્ટેનર ટ્રકમાં દારૂનો જથ્થો વડોદરા તરફ આવી રહ્યો હતો. જે માહિતીના આધારે આસોજ ગામ પાસે વોચ ગોઠવી દેવામાં આવી હતી. દરમિયાન બાતમી આધારિત કન્ટેનર ટ્રક આવતાની સાથે વોચમાં ગોઠવાયેલી પોલીસે કન્ટેનર ટ્રકને રોકી હતી અને તેમાં તપાસ કરતા 750 જેટલા બોક્સ મળી આવ્યા હતા. આ બોક્સમાં તપાસ કરતા તેમાંથી 36048 દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે 59, 85,580નો મુદ્દામાલ કબજે કર્યો હતો જરોદ પોલીસ મથકના પી.આઇ. એમ. આર. ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસે દારૂના જથ્થા સાથે ટ્રક કન્ટેનર ચાલક શંકરલાલ હકમાલાલ રબારી (રહે. કુંવારીયા ગામ, રબારી ફળિયું, તાલુકો કુંભલગઢ, રાજસ્થાન) અને ટ્રક કન્ટેનરના ક્લિનર રાજેન્દ્રસિંહ નિર્ભયસિંહ કિતાવત (રહે. માલકાગુડા ગામ, તાલુકો ખમનોર રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. પોલીસે આ બનાવમાં દારૂના જથ્થા સાથે ટ્રક કન્ટેનર, રોકડા રૂપિયા 300 મળી કુલે રૂપિયા 59, 85,580નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

What's Your Reaction?






