પોલીસ ઉપર આરોપીને છાવરવાના આક્ષેપ:ગોપાલ ભરવાડે વેપારીનું અપહરણ કર્યું છતા અપહરણની કલમ ન ઉમેરી
ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતા વ્યાજખોર ગોપાલ ભરવાડે ચાર શખ્સો સાથે મળી એક વેપારીને આપેલા રૂપિયા મામલે વેપારીનું અપહરણ કરી, ફાર્મમાં લઇ ગયા હતા જ્યાં વ્યાજના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી, ગંભીર મારમાર્યો હતો પરંતુ ઘોઘારોડ પોલીસે આરોપી વિરૂદ્ધ અપહરણની કલમો તેમજ અન્ય શખ્સોના નામ ચોપડે ન નોંધી, આરોપીને છાવરતી હોવાના આક્ષેપો થયા છે. જે મામલે ફરિયાદીના એક સંબંધીએ ગોપાલ ભરવાડને પાસામાં ધકેલવા તેમજ કડક સજા કરવા ન્યાય માંગતો ભાવનગર જિલ્લા એસ.પી.ને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. ભાવનગર શહેરમાં રહેતા અને ભંગારનો વ્યવસાય કરતા પરેશ શાહે સુભાષનગરમાં રહેતા ગોપાલ મેર ભરવાડ નામના શખ્સ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા જેને લઇ ગોપાલ મેર તેમજ ચાર શખ્સોએ એક સંપ કરી પરેશ શાહનું અપહરણ કરી કરેડા ગામે ગોપાલના ફાર્મ હાઉસ ખાતે લઇ ગયા હતા જ્યાં પરેશ શાહને પાંચેય વ્યાજખોરોએ ગંભીર મારમારી, વ્યાજની પઠાણી ઉઘરાણી કરી હતી. જે મામલે પરેશ શાહે પાંચેય વિરૂદ્ધ ઘોઘારોડ પોલીસમાં અપહરણ સહિતની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ ઘોઘારોડ પોલીસના અધિકારીઓએ ગોપાલ ભરવાડ સહિત પાંચેય શખ્સને છાવરી લીધા હોવાના આક્ષેપ સાથે પરેશ શાહના સંબંધી યોગેશ આર શાહે ભાવનગર જિલ્લા એસ.પી. ડો. હર્ષદ પટેલને લેખિત અરજીમાં જણાવ્યું હતું કે, આરોપી વિરૂદ્ધ ઘોઘારોડ પોલીસે કુણું વલણ દાખવ્યું છે અને અપહરણની કલમો ન ઉમેરી અને અન્ય ચાર શખ્સોના નામ ફરિયાદમાં ઉલ્લેખ કર્યા નથી અને આરોપી સામે જામીનપાત્ર કલમનો ઉમેરો કરતા બીજા જ દિવસે જામીન મુક્ત થઇ ગયો હતો. આરોપી વિરૂદ્ધ ભુતકાળમાં અપહરણ સહિતના ગુનાઓ નોંધાયેલ છે જે આધારે આરોપીને પાસા કરી, ફરિયાદીને ન્યાય આપવા રજૂઆત કરવામાં આવી છે.

What's Your Reaction?






